Page Views: 6585

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે આયોજિત ‘સુરત ઈન્ટરનેશનલ ઓટો એક્ષ્પો 2026

દિલ્હી બાદ પશ્ચિમ ભારતનો સૌથી મોટો ઓટો એક્ષ્પો સુરતમાં શરૂ, ૭૦થી વધુ બ્રાન્ડ્‌સ દ્વારા કાર, ટુ–વ્હીલર અને કોમર્શિયલ વાહનોનું પ્રદર્શન, ૧૧ અતિ દુર્લભ વિન્ટેજ કાર મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ : ચેમ્બર પ્રમુખ નિખિલ મદ્રાસી

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા યોજાતા ઔદ્યોગિક પ્રદર્શનોની શ્રેણીઓ વચ્ચે ચાર દિવસીય 'સુરત ઈન્ટરનેશનલ ઓટો એક્ષ્પો ર૦ર૬'નું તા. ૧૩ માર્ચથી ૧૬ માર્ચ ર૦ર૬ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેનો શુક્રવારથી ભવ્ય શુભારંભ થયો હતો. તા. ૧૩ માર્ચના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઓટો એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં વિન્ટેજ એન્ડ કલાસિકલ કાર કલબ ઓફ ઇન્ડિયા (VCCCI)ના ચેરમેન શ્રી નિતિનભાઇ ડોસા ઉદ્‌ઘાટક તરીકે પધાર્યા હતા અને તેમના વરદ્‌ હસ્તે ઓટો એક્ષ્પોનું ઉદ્‌ઘાટન થયું હતું. આ પ્રસંગે હરી કૃષ્ણ એક્ષ્પોર્ટ્‌સ પ્રા.લિ.ના ચેરમેન પદ્મશ્રી સવજીભાઇ ડી. ધોળકિયા, ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એકસલન્સ (iACE)ના એકિઝકયુટિવ ડિરેકટર શ્રી ઇ. રાજીવ, ઉદ્યોગપતિ શ્રી લવજીભાઇ બાદશાહ તથા રેઝોન સોલારના શ્રી ચિરાગ નાકરાણી, શ્રી હાર્દિક કોઠીયા અને શ્રી ફેનિલ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ચેમ્બર માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ બની રહેશે. પશ્ચિમ ભારતનો દિલ્હી બાદ સૌથી મોટો ઓટો એક્ષ્પો સુરતમાં યોજાયો છે. આ એક્ષ્પોમાં દેશની અગ્રણી કંપનીઓ દ્વારા કાર, ટુ–વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ અને લેટેસ્ટ વર્કશોપ ટેકનોલોજીને પ્રદર્શન માટે મૂકી છે. કાર સેગમેન્ટ, ટુ વ્હીલર સેગમેન્ટ અને કોમર્શિયલ સેગમેન્ટની ૭૦થી વધુ બ્રાન્ડ્‌સ દ્વારા એક્ષ્પોમાં ભાગ લેવામાં આવ્યો છે. ઓટો એક્ષ્પોના ઉદ્‌ઘાટક એવા (VCCCI)ના ચેરમેન શ્રી નિતિનભાઇ ડોસાએ ઓટો એક્ષ્પોના આ ભવ્ય આયોજન માટે ચેમ્બર ઓફ કોમર્સને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, આ એક્ષ્પોમાં ૧૧ જેટલી દુર્લભ વિન્ટેજ કાર પ્રદર્શનમાં મૂકાઈ છે ત્યારે આગામી સમયમાં સમગ્ર દેશના મહારાજાઓની વિન્ટેજ કારોનું અલગથી એકિઝબિશન સુરતમાં કરી શકાય તેમ છે, જેમાં મુંબઇથી ૧પ૦ વિન્ટેજ કાર ચલાવીને અમે લાવીશું. હરી કૃષ્ણ એક્ષ્પોર્ટ્‌સ પ્રા.લિ.ના ચેરમેન પદ્મશ્રી સવજીભાઇ ડી. ધોળકિયાએ કહ્યું હતું કે, ચેમ્બર દ્વારા આયોજિત આ ઓટો એક્ષ્પો સુરતનું નામ સમગ્ર દેશમાં ઉજાગર કરશે. આ એક્ષ્પો યુવાનોને મોટા સપનાઓ જોવા માટે પ્રેરિત કરશે. તેમણે કહ્યું હતું કે, કેટલીક ગાડીઓ તેઓએ જીવનમાં પહેલી વખત અહીં જોઇ છે. એકિઝબિટર્સને સંબોધતા તેમણે કહ્યું હતું કે, તમે લોકોના ઘરમાં સુખ અને આનંદ પહોંચાડો છો, પરંતુ વાહન વેચાણ પછીની સર્વિસ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. ગ્રાહકોને સર્વિસ સારી મળશે તો બિઝનેસ બાય પ્રોડકટ તમને મળશે. (iACE)ના એકિઝકયુટિવ ડિરેકટર શ્રી ઇ. રાજીવે જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા આયોજિત આ એક્ષ્પો દર્શાવે છે કે સુરત ઝડપથી ભારતના મહત્વપૂર્ણ મેન્યુફેકચરિંગ હબ તરીકે વિકસી રહ્યું છે. ઓટોમોબાઇલ ક્ષેત્રે પણ સુરતમાં નવા પ્લાન્ટ્‌સ સ્થાપિત થવાની શકયતા છે, જેના કારણે અહીં જ મેન્યુફેકચરિંગ થશે અને એક્ષ્પોર્ટ પણ થશે. ઓટો એક્ષ્પોના ચેરમેન શ્રી મેહુલ દેસાઈએ જણાવ્યું હતું કે, દિલ્હી બાદ સુરતનો આ ઓટો એક્ષ્પો ભારતનો બીજા ક્રમનો સૌથી મોટો કમ્પોઝીટ એક્ષ્પો છે, જેમાં મીની કૂપર, ઓડી, મર્સિડીઝ, બીએમડબ્લ્યુ, જેગુઆર–લેન્ડ રોવર, ટાટા મોટર્સ, હયુન્ડાઇ, કિયા, જીપ, એમજી અને એમજી સિલેકટ, રિનોલ્ટ, નિસાન, સ્કોડા, ટોયોટા, વોલ્વો, સિટ્રોન અને મહિન્દ્રા જેવી ર૦થી વધુ નામાંકિત બ્રાન્ડ્‌સ દ્વારા પાર્ટીસિપેટ કરવામાં આવ્યું છે. ટુ–વ્હીલર અને કોમર્શિયલ સેગમેન્ટમાં રોયલ એન્ફિલ્ડ, સુઝુકી, કેટીએમ, એથર, રિવર, કાઇનેટિક ઇલેકિટ્રક, બજાજ ચેતક, કેટીએમ, ટ્રાયમ્ફ યામાહા, ટીવીએસ તેમજ કોમર્શિયલ સેગમેન્ટમાં ટાટા અને સ્વરાજ મઝદાના અને મહિન્દ્રાના વાહનો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. ૧૧ જેટલી અતિ દુર્લભ વિન્ટેજ કાર્સ ઓટો એક્ષ્પોમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ઉપરાંત ૧૦ નવા પેસેન્જર વ્હીકલ્સ અને ૩ કોમર્શિયલ વ્હીકલ્સનું અનવેઈલિંગ આ એક્ષ્પોમાં મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સ્ટંટ બાઈક શો અને ઓફ–રોડ પ્રૂવિંગ ગ્રાઉન્ડ મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ બની રહ્યા છે. ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ ઉદ્‌ઘાટન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવો સહિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના ઓલ એકિઝબિશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમરે સમારોહનું સંચાલન કર્યું હતું.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલા, માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદી, ઓટો એક્ષ્પોના કો–ચેરમેનો શ્રી પ્રધુમનસિંહ જાડેજા અને શ્રી કનુભાઇ મોદી, ગૃપ ચેરમેન શ્રી રાકેશ જૈન, ઓલ એકિઝબિશન્સ કો–ચેરમેન શ્રી નિરવ માંડલેવાલા, મોબિલ કંપનીના પ્રતિનિધિ, યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિ તથા પૂર્વ પ્રમુખશ્રીઓ શ્રી મહેન્દ્ર કાજીવાલા, શ્રી પી.એમ. શાહ, શ્રી અમરનાથ ડોરા, શ્રી બી.એસ. અગ્રવાલ, શ્રી અશોક શાહ, શ્રી પ્રફુલ્લ શાહ, શ્રી શરદ કાપડિયા, શ્રી ચેતન શાહ અને શ્રી અરવિંદ કાપડિયા, એકિઝબિટર્સ અને ચેમ્બરના સભ્યો સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. 

ચેમ્બર ઓફ કોમર્સને ઓટો એક્ષ્પોના આયોજનમાં મોબિલ, ઓલ ઇન્ડિયા ઓટોમોબાઇલ વર્કશોપ્સ એસોસિએશન, સુરત કાર એકસેસરીઝ એસોસિએશન અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો.