Page Views: 6403

ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી- સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં ખેતીના પાકોને નુકસાન થશે

આગામી 18મી અને 19મી માર્ચ દરમિયાન રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે

અમદાવાદ- વર્તમાન ન્યૂઝ.કોમ

ગુજરાતમાં એકતરફ ઉનાળાનો પ્રારંભ થવાની સાથે ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં માવઠાની આગાહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી અઠવાડિયામાં રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવો કમોસમી વરસાદ પડી શકે છે, જે સામાન્ય જનતા માટે ગરમીથી રાહત લાવશે પરંતુ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 18મી અને 19મી માર્ચ દરમિયાન રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે. 18મી માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં માવઠાની શક્યતા છે. જ્યારે 19મી માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર મોરબીમાં માવઠાની શકયતા છે, આ ઉપરાંત રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, છોટાઉદેપુર, ભરુચ નર્મદા, સુરત તાપી માવઠાની શકયતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2°Cથી 4°C સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. જોકે, ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. લઘુતમ તાપમાન પણ સ્થિર રહેશે. ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ જળવાઈ રહેશે. હાલમાં રવિ પાકની કાપણીની સીઝન ચાલી રહી છે ત્યારે માવઠાની આગાહીએ ખેડૂતોની ઉંઘ હરામ કરી દીધી છે. ખુલ્લામાં રાખેલો પાક પલળી જવાની અને તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પાક સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે સાવચેત કરવામાં આવ્યા છે.