સુરત: વર્તમાન ન્યૂઝ.કોમ
પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ઊભી થયેલી યુદ્ધસમાન પરિસ્થિતિના કારણે વૈશ્વિક આર્થિક અસ્થિરતા સર્જાઈ છે, જેના પ્રાથમિક પ્રભાવ સુરત તથા દક્ષિણ ગુજરાતના મુખ્ય ઉદ્યોગોમાં જોવા મળી રહ્યા છે. આ અંગે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના હોદ્દેદારોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને ઉદ્યોગકારોને સાવચેતી રાખવા અપીલ કરી છે.
ચેમ્બરના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, સુરતનો હીરા ઉદ્યોગ હાલમાં કટોકટીના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ઇઝરાયેલ હીરા વેપારનું મહત્વપૂર્ણ વૈશ્વિક કેન્દ્ર હોવાથી ત્યાંની અસ્થિરતા સુરત આવતા રફ હીરાના સપ્લાય પર સીધી અસર કરી રહી છે. ઉપરાંત, અમેરિકા આ સંઘર્ષમાં સામેલ હોવાથી ત્યાંના બજારમાં લક્ઝરી ચીજવસ્તુઓની માંગ ઘટવાની શક્યતા ઊભી થઈ છે, જે હીરા અને જ્વેલરી નિકાસને અસર કરી શકે છે. રશિયન રફ હીરા પરના પ્રતિબંધો અને રેડ સીના માર્ગે વધતા નૂર ભાડા અને વીમા ખર્ચના કારણે ડાયમંડ યુનિટોના ઉત્પાદન ખર્ચમાં વધારો નોંધાઈ રહ્યો છે. જો પરિસ્થિતિ લાંબી ચાલે તો રત્નકલાકારોની રોજગારી પર પણ તેની નકારાત્મક અસર પડી શકે છે. સાથે સાથે વૈશ્વિક અનિશ્ચિતતા અને ડોલર-રૂપિયા વિનિમય દરમાં આવતી અસ્થિરતા નિકાસકારો માટે વધારાનો પડકાર બની શકે છે.
ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ ટેક્સટાઈલ ઉદ્યોગ અંગે જણાવ્યું હતું કે, સુરતનું ટેક્સટાઈલ હબ મુખ્યત્વે પોલિએસ્ટર અને મેન-મેડ ફાઈબર (MMF) પર આધારિત છે, જે પેટ્રોલિયમ ઉત્પાદનો છે. મધ્ય પૂર્વમાં તણાવ વધતા કાચા તેલના ભાવમાં તેજી આવવાની સંભાવના છે, જેના પરિણામે યાર્ન અને કાચા માલના ભાવમાં ટૂંકા ગાળામાં ૧૫થી ૨૦ ટકા સુધીનો વધારો થઈ શકે છે. દુબઈ અને ખાડી દેશો સુરતના કાપડ માટે મુખ્ય ગેટવે તરીકે કાર્ય કરે છે; હાલની પરિસ્થિતિને કારણે શિપમેન્ટમાં વિલંબ અને પેમેન્ટ સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે. જોકે, કેટલાક વૈશ્વિક ખરીદદારો વિકલ્પરૂપે ભારત તરફ નજર કરી રહ્યા છે, પરંતુ વધતા ઉત્પાદન ખર્ચ વચ્ચે સ્પર્ધાત્મકતા જાળવી રાખવી એ મોટો પડકાર બની રહેશે.
ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ભારત પોતાની ઊર્જા જરૂરિયાતનો મોટો હિસ્સો મધ્ય પૂર્વમાંથી આયાત કરે છે. જો સમુદ્રી માર્ગોમાં અવરોધ ઊભો થાય અથવા પરિસ્થિતિ વધુ વિકટ બને, તો કાચા તેલના ભાવમાં વધારો થઈ શકે છે, જેના કારણે પેટ્રોલ, ડીઝલ અને ગેસના દરોમાં વૃદ્ધિ, વીજ ઉત્પાદન ખર્ચમાં વધારો તથા પરિવહન ખર્ચમાં તેજી આવી શકે છે. આ તમામ પરિબળો ટેક્સટાઈલ, કેમિકલ, પ્લાસ્ટિક, પાવરલૂમ અને ડાયમંડ પ્રોસેસિંગ જેવા ઊર્જા આધારિત ઉદ્યોગોની ઉત્પાદન કિંમત વધારી શકે છે અને તેમની સ્પર્ધાત્મકતા પર અસર કરી શકે છે.
ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, સુરત એ દક્ષિણ ગુજરાતનું અગત્યનું નિકાસ કેન્દ્ર છે, જ્યાંથી ટેક્સટાઈલ, તૈયાર કપડા, યાર્ન, જરી તેમજ હીરા-જ્વેલરી વિશ્વભરમાં નિકાસ થાય છે. જો મધ્ય પૂર્વના સમુદ્રી માર્ગોમાં અવરોધ ઊભો થાય, તો ફ્રેઇટ ચાર્જ અને વીમા પ્રીમિયમમાં વધારો, કન્ટેનરની અછત અને નિકાસ ઓર્ડરમાં વિલંબ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે, જેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં સુરત અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા ઘટી શકે છે.
ચેમ્બરના માનદ્ ખજાનચી સીએ શ્રી મિતિશ મોદીએ જણાવ્યું હતું કે, ઈરાન પાસે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) છે, જે અત્યારે બ્લોક થઈ ગયો છે, આને કારણે ઓઇલ અને ક્રૂડના કન્ટેનર બ્લોક થઈ જશે, જેની વિપરીત અસર ભારતથી થતા એક્સપોર્ટ અને ભારતમાં થતા ઇમ્પોર્ટ એમ બંને પર પડશે. હાલની પરિસ્થિતિ જો લાંબી ચાલશે તો ક્રૂડના ભાવ વધશે અને તેને કારણે ભારતનો ફુગાવો વધશે. અત્યારે ક્રૂડના ભાવ પ્રતિ બેરલ રૂ. ૬૦૦૦ છે, જે રૂ. ૭૦૦૦ હજાર સુધી વધશે તો તેની માઠી અસર ફિસકલ ડેફિસિટ પર પડશે, જેને કારણે ભારતમાં બજેટરી પ્રોબ્લેમ ઊભા થશે અને બેન્કના વ્યાજદરમાં પણ વધારો થઈ શકે છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને કારણે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બંને પર વિપરીત અસર પડવાની સંભાવના છે.
ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો દ્વારા ઉદ્યોગકારોને અત્યારે ‘વેઈટ એન્ડ વોચ’ની નીતિ અપનાવવા, ખાસ કરીને ગલ્ફ દેશો સાથે નવા ઓર્ડર કરતી વખતે પેમેન્ટની શરતો બાબતે પૂરતી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ઉદ્યોગોએ કાચા માલનો પૂરતો સ્ટોક સંભાળીને રાખવો, વૈકલ્પિક બજારો શોધવા અને ખર્ચ નિયંત્રણ માટે આંતરિક કાર્યક્ષમતા વધારવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
જો વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ લાંબા સમય સુધી એવી જ રહી તો સુરતના ઉદ્યોગો આ પડકારજનક સમયમાં સ્થિરતા જાળવી શકે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ તરફથી કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ ઉદ્યોગોને આવશ્યક સહાય, વ્યાજદરમાં રાહત, નિકાસ પ્રોત્સાહન તથા લોજિસ્ટિક્સ સુવિધામાં સુધારા માટે રજૂઆત કરવામાં આવશે.
• Share •