Page Views: 8995

તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં પૂનમ ભદોરિયાની જામીન અરજી કોર્ટે ફગાવી

બિલ્ડર સાથેની નિકટતાનો ગેરલાભ ઉઠાવીને પૂનમે આર્થિક એક્સ્ટોર્શન કર્યું હતું

સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ

સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત પ્રકરણમાં પોલીસ તપાસ અને કાયદાકીય કાર્યવાહી તેજ બની છે. આ કેસમાં મુખ્ય આરોપી ગણાતી પૂનમ ભદોરિયા દ્વારા રજૂ કરવામાં આવેલી જામીન અરજી પર આજે 3 માર્ચે નામદાર કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નામદાર કોર્ટે આરોપીના જામીન મંજૂર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી  આ જામીન અરજી ફગાવી દીધી છે.

સરકારી વકીલ અને બચાવ પક્ષ વચ્ચે જામીન માટે જંગ સુનાવણી દરમિયાન સરકારી પક્ષ દ્વારા જામીન અરજીનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. સરકારી વકીલ નયન સુખડવાલાની દલીલ કરી હતી કે, આ ગંભીર ગુનો છે અને જો આરોપીને જામીન આપવામાં આવે તો કેસ પર અસર થઈ શકે છે. બીજી તરફ, આરોપી પૂનમ ભદોરિયાના વકીલે પોતાની દલીલો રજૂ કરતા જામીન માટે રજૂઆત કરી હતી. જોકે, ગુનાની ગંભીરતા અને પ્રાથમિક પુરાવાઓને ધ્યાને રાખીને ન્યાયાધીશે આ અરજી રદ કરવાનો આદેશ કર્યો હતો. સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, સુરતમાં જે તુષાર ઘેલાણીનું આત્મહત્યાનું પ્રકરણ હતું, એ કેસમાં તુષાર ઘેલાણી તરફથી તેમની દીકરીએ ફરિયાદ નોંધાવી. જામીન અરજીની સુનાવણી વખતે દીકરીઓએ તેમના એડવોકેટ કલ્પેશભાઈ દેસાઈ મારફતે સોગંદનામું પણ કર્યું. સુરતના એડિશનલ સેશન્સ જજ જોશી સાહેબની કોર્ટમાં બંને પક્ષોની દલીલ રજૂ કરવામાં આવી. આજે પૂનમ ભદોરિયાની જામીન અરજી નામદાર કોર્ટે નામંજૂર કરી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોર્ટે એ પણ બતાવ્યું કે પૂનમ ભદોરિયા તરફથી કેટલીય વખત દાબ-દબાણ કરીને એની પાસેથી મિલકત પડાવી લીધી છે, પૈસા પણ લીધા છે. એના પિતાના ખાતામાં પણ 11 લાખ રૂપિયા લીધા છે. તદુપરાંત પૂનમની બેન પ્રિયા તેનું નિવેદન આપવા પણ આવી નથી. પ્રિયા પાસે પૂનમનો મોબાઈલ છે અને એ મોબાઈલમાંથી પણ હજુ બીજા વધારે પુરાવા મળી શકે તેમ છે. સરકારી વકીલે કોર્ટ સમક્ષ મહત્વનું પાસું રજૂ કરતા જણાવ્યું કે, મૃતક તુષાર ઘેલાણી અને આરોપી પૂનમ વચ્ચે મિત્રતા હોવી એ કોઈ ગુનો નથી, પરંતુ આરોપીએ આ સંબંધનો દૂરોપયોગ કર્યો છે. દલીલ મુજબ, પૂનમ ભદોરિયાએ તુષાર ઘેલાણી સાથેની નિકટતાનો ગેરલાભ ઉઠાવીને આયોજનબદ્ધ રીતે આર્થિક એક્સ્ટોર્શન કર્યું હતું. આરોપીએ પોતાના અને પોતાના પરિવારના સભ્યોના નામે આર્થિક લાભ મેળવવા માટે મૃતક પર દબાણ બનાવ્યું હોવાના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર, આરોપીએ મિત્રતાના ઓઠા હેઠળ તુષાર ઘેલાણી પાસેથી વખતો-વખત કિંમતી પ્રોપર્ટીઓ પોતાના નામે કરાવી લીધી હતી. આટલું જ નહીં, 'બ્લ્યુ પેપીલોન' સ્કૂલમાં ભાગીદારી મેળવવાની સાથે સાથે શહેરની બે મહત્વની દુકાનો પણ પોતાના નામે લખાવી લીધી હોવાની હકીકતો સામે આવી છે. આ આર્થિક માનસિક ત્રાસને કારણે જ તુષારે અંતિમ પગલું ભર્યું હોવાનું સરકાર પક્ષે ભારપૂર્વક જણાવ્યું હતું.