સુરત:- વર્તમાન ન્યૂઝ.કોમ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આયોજિત ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો 2026’નું સોમવારે સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સફળતાપૂર્વક સમાપન થયું હતું. 21થી 23 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા આ ત્રિ-દિવસીય એક્ષ્પોએ ટેક્ષ્ટાઇલ મશીનરી અને ટેકનોલોજી ક્ષેત્રે નવા સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે. 26000થી વધુ બાયર્સ અને વિઝિટર્સની મુલાકાત સાથે એક્ઝિબિટર્સને આગામી ત્રણથી ચાર મહિનામાં રૂ. 1500 કરોડથી વધુના ઓર્ડર્સ મળવાની અપેક્ષા છે.
પ્રદર્શનમાં ત્રણ દિવસ દરમિયાન કુલ 26000થી વધુ વિઝિટર્સે મુલાકાત લીધી
દિવસ વિઝિટર્સની સંખ્યા
પ્રથમ દિવસ (21 ફેબ્રુઆરી) 5560
બીજો દિવસ (22 ફેબ્રુઆરી) 11850
ત્રીજો દિવસ (23 ફેબ્રુઆરી) 8597
કુલ વિઝિટર્સ 26007
આ પ્રદર્શનમાં મળેલી સફળતા અંગે માહિતી આપતા ચેમ્બરના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, એક્ઝિબિટર્સ તરફથી મળેલો પ્રતિસાદ અત્યંત પ્રોત્સાહક છે અને સીટેક્ષ 2026 ખરા અર્થમાં ‘સુપર હીટ’ પુરવાર થયું છે. શ્રી મદ્રાસીએ વધુમાં ઉમેર્યું હતું કે, પ્રદર્શનમાં સહભાગી થયેલા તમામ એક્ઝિબિટર્સે દેશભરમાંથી આવેલા બાયર્સ સમક્ષ પોતાની અત્યાધુનિક મશીનરીઓનું શ્રેષ્ઠ પ્રેઝન્ટેશન કર્યું હતું. એક્ઝિબિટર્સ અને જેન્યુન બાયર્સ વચ્ચેની 'વન ટુ વન' મીટિંગોના પરિણામે ઓન-સ્પૉટ ઓર્ડર્સની સાથે મોટી સંખ્યામાં નવી બિઝનેસ ઇન્કવાયરીઓ જનરેટ થઈ છે.
પ્રદર્શનમાં રજૂ કરાયેલી મુખ્ય મશીનરીઓ:
આ એક્ષ્પોની સૌથી મોટી વિશેષતા એ રહી કે, વિશ્વમાં પ્રથમ વખત 'ચાર પનાવાળું હાઇસ્પીડ રેપિયર જેકાર્ડ મશીન' સીટેક્ષમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
• હાઇસ્પીડ એરજેટ મશીન: ઉત્પાદન ક્ષમતા વધારવા માટે આધુનિક એરજેટ ટેકનોલોજીનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન.
• નવી પોઝિશન પ્રિન્ટર મશીનરી: ટેક્ષ્ટાઇલ પ્રિન્ટિંગમાં ચોકસાઈ માટે લેટેસ્ટ સોલ્યુશન્સ.
• પોઝિશન એમ્બ્રોઇડરી મશીનરી: વેલ્યુ એડિશન માટે અદ્યતન એમ્બ્રોઇડરી મશીન્સ.
• સર્ક્યુલર નિટિંગ મશીન: નિટિંગ ઉદ્યોગ માટે અત્યાધુનિક શ્રેણીનું પ્રદર્શન.
કરોડોની અત્યાધુનિક મશીનરી માટે એડવાન્સ બુકિંગ
સીટેક્ષ એક્ષ્પોના બીજા જ દિવસે પ્રભાવશાળી બિઝનેસ ડીલ જોવા મળી હતી. પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવેલી અત્યાધુનિક ટેકનોલોજીથી પ્રભાવિત થઈને કેટલાક અગ્રણી બાયર્સ દ્વારા કરોડોની કિંમતની અત્યાધુનિક મશીનરી માટે એક્ઝિબિટર્સને ઓન-સ્પૉટ ઓર્ડર આપવામાં આવ્યા હતા.
દેશભરના 40થી વધુ શહેરોમાંથી બાયર્સ ઉમટી પડ્યા
સીટેક્ષ–2026 એ માત્ર સ્થાનિક નહીં પણ રાષ્ટ્રીય સ્તરનું આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રદર્શનમાં દેશના ખૂણેખૂણેથી ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા મુલાકાતીઓ આવ્યા હતા, જેમાં મુખ્યત્વે નીચે મુજબના શહેરોનો સમાવેશ થાય છે:
• ગુજરાત: અમદાવાદ, ભાવનગર, ભુજ, અમરેલી, પાટણ, સિદ્ધપુર, સુરેન્દ્રનગર, વીરપુર અને અબ્રામા.
• મહારાષ્ટ્ર: મુંબઇ, પૂણે, નાશિક, ઔરંગાબાદ, કોલ્હાપુર, સોલાપુર, માલેગાવ અને ઇચ્છલકરંજી.
• ઉત્તર ભારત: નવી દિલ્હી, ગાઝિયાબાદ, અંબાલા, વારાણસી, ઇટવા, પ્રતાપગઢ અને બદરીનાથપુરી.
• રાજસ્થાન: ભિલવાડા, જોધપુર, બિકાનેર અને ડુંગરપુર.
• દક્ષિણ ભારત: બેંગ્લોર, ચેન્નાઇ, હૈદરાબાદ, કોઇમ્બતુર, ઇરોડ, તિરૂપુર અને સેલમ (સિલચુર).
• અન્ય રાજ્યો: કોલકાતા, ઇન્દોર અને બકસર.
• Share •