Page Views: 6896

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એન્ડોમેટ્રિઓસિસ અને એગ ફ્રીઝિંગ વિષે જાગૃતિ સેશન યોજાયું

મહિલાઓના આરોગ્ય વિષયક પ્રશ્નો અંગે સમાજમાં હજુ પણ પૂરતી જાગૃતિ નથીઃ- નિખિલ મદ્રાસી,

સુરતઃ- વર્તમાન ન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધિત મહત્વપૂર્ણ વિષયો અંગે જાગૃતિ ફેલાવવાના હેતુસર હેલ્થ સિરિઝ અંતર્ગત રવિવાર, તા. ૮ ફેબ્રુઆરી, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે એન્ડોમેટ્રિઓસિસ અને એગ ફ્રીઝિંગ વિષય પર વિશેષ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીના જણાવ્યું હતું કે, મહિલાઓના આરોગ્ય વિષયક પ્રશ્નો અંગે સમાજમાં હજુ પણ પૂરતી જાગૃતિ નથી. એન્ડોમેટ્રિઓસિસ અને એગ ફ્રીઝિંગ જેવા વિષયો પર સમયસર માહિતી અને માર્ગદર્શન મળવાથી મહિલાઓ યોગ્ય નિર્ણય લઈ શકે છે અને તેમના ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવી શકે છે.

એન્ડોમેટ્રિઓસિસ સર્જન ડો. સ્મીત પટેલે જણાવ્યું હતું કે, એન્ડોમેટ્રિઓસિસને ઘણી વખત સામાન્ય માસિક પીડા સમજીને અવગણવામાં આવે છે, જેના કારણે રોગ લાંબા સમય સુધી ઓળખાઈ શકતો નથી. યોગ્ય નિદાન માટે સમયસર તબીબી તપાસ, અલ્ટ્રાસાઉન્ડ અથવા જરૂરી હોય ત્યાં એડવાન્સ ડાયગ્નોસ્ટિક પદ્ધતિઓ અપનાવવી જરૂરી છે. આધુનિક મેડિકલ પદ્ધતિઓ દ્વારા આજે એન્ડોમેટ્રિઓસિસની સારવાર અને નિયંત્રણ શકય છે, જેના કારણે મહિલાઓના જીવનની ગુણવત્તા અને ફર્ટિલિટીમાં સુધારો આવી શકે છે. વધુમાં તેમણે એન્ડોમેટ્રિઓસિસના લક્ષણો, નિદાન અને આધુનિક સારવાર પદ્ધતિઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. 

કન્સલ્ટન્ટ ઓબ્સ્ટેટ્રિશન અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યાલિસ્ટ ડો. શૈજુ પટેલે એગ ફ્રીઝિંગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, એગ ફ્રીઝિંગ મહિલાઓને તેમની પ્રજનન ક્ષમતાને ભવિષ્ય માટે સુરક્ષિત રાખવાનો વિકલ્પ આપે છે, ખાસ કરીને જ્યારે લગ્ન, માતૃત્વ અથવા આરોગ્ય સંબંધિત નિર્ણયો મોડા લેવાતા હોય. યોગ્ય ઉંમરે અને નિષ્ણાતની સલાહ હેઠળ એગ ફ્રીઝિંગ કરવામાં આવે તો સફળતાની સંભાવના વધુ રહે છે. સાથે જ, આ પ્રક્રિયા સુરક્ષિત અને વૈજ્ઞાનિક રીતે માન્ય છે, જે મહિલાઓને પોતાની કારકિર્દી અને પરિવાર આયોજન અંગે આત્મવિશ્વાસપૂર્વક નિર્ણય લેવા માટે સશક્ત બનાવે છે.

ચેમ્બરના માનદ્‌ ખજાનચી સી.એ. મિતિષ મોદીએ વક્તાઓનો પરિચય કરાવ્યો હતો અને આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો દ્વારા ચેમ્બર સમાજહિતમાં પોતાની ભૂમિકા નિભાવતું હોવાનું જણાવ્યું હતું.

ચેમ્બરની પબ્લિક હેલ્થ કમિટીના કો–ચેરપર્સન ડો. સોનિયા ચંદાનીએ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, એન્ડોમેટ્રિઓસિસ જેવી સમસ્યા ઘણી મહિલાઓમાં હોય છે, પરંતુ તેની યોગ્ય ઓળખ અને સારવાર સમયસર થતી નથી. આ સેશનનો મુખ્ય હેતુ મહિલાઓને તેમના શરીર, લક્ષણો અને ઉપલબ્ધ મેડિકલ વિકલ્પો અંગે માહિતગાર કરવાનો હતો.

આ કાર્યક્રમમાં મહિલાઓ, પ્રોફેશનલ્સ અને ચેમ્બરના સભ્યોએ હાજરી આપી હતી. સેશન દરમિયાન ઉપસ્થિત મહિલાઓએ પ્રશ્નો પુછીને પોતાની શંકાઓનું નિવારણ કર્યું હતું અને કાર્યક્રમને માહિતીસભર ગણાવ્યો હતો.