શરૂસુરત- વર્તમાન ન્યૂઝ.કોમ
નાણાવટ ફળિયું, કરંજ, પારડી, ઓલપાડ, સુરત ખાતે પોતાના પરિવાર સાથે રહેતા અને કરંજ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા જાગૃતિબેન તા. ૫ ફેબ્રુઆરીના રોજ રાત્રે ૯ કલાકે મેલડી માં ના મંદિરની સાલગીરી નિમિતે ગામમાં કરંજ મહિલા ભજન મંડળ દ્વારા રાખવામાં આવેલ ભજનના કાર્યક્રમમાં ગયા હતા. ત્યાં એકાએક બ્લડ પ્રેશર વધી જતા તેઓ બેભાન થઇ ગયા હતા. પરિવારજનોએ તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સુરતની મહાવીર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.
તા. ૬ ફેબ્રુઆરીના રોજ ન્યુરોફીજીશીયન ડૉ.ભૌતિક પટેલ, ઇન્ટેન્સિવિસ્ટ ડૉ. શ્રેયા મહેશ્વેરી, મેડીકલ એડમિનિસ્ટ્રેટર ડો. ડો. નિમિષ પરીખ અને RMO ડૉ. પૂજા પટેલે જાગૃતિબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. જાગૃતિબેનના પરિવાર અને ચેમ્બરના સભ્ય અંકુર પટેલે ડોનેટ લાઈફના CEO અને ટ્રસ્ટી નિરવ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી, જાગૃતિબેનના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી જાગૃતિબેનના પતિ દિલીપ ભાઈ, પુત્રીઓ હની અને ધ્વની, પુત્ર પ્રિન્સ, પિતા શાંતુભાઈ અને ભાઈ મનીષભાઈ, જમાઈ નિકુંજકુમાર તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. પરિવારજનો એ ત્યારબાદ ગુરુહરી પ્રબોધ સ્વામીજી અને ગુરુપ્રસાદ સ્વામીનો સંપર્ક કર્યો ત્યારે ગુરુહરી પ્રબોધ સ્વામીજીએ તેઓને જણાવ્યું કે પંચમહાભૂતનો દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ જાય પરંતુ જો જાગૃતિબેન ના અંગદાન કરવામાં આવે તો અંગ નિષ્ફળતાના વ્યક્તિઓને નવજીવન મળશે, તેમ જણાવી ગુરુહરી પ્રબોધ સ્વામીજીએ તેમને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ પરિવારે અંગદાનની સંમતી આપી હતી. જાગૃતિબેનના પરિવારમાં પતિ દિલીપભાઈ ઉ.વ. ૫૭ ખેતીકામ કરે છે, બે પુત્રી પૈકી એક પુત્રી ધ્વની .વ. ૨૬ મહારાજા અગ્રેસન ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે, બીજી પુત્રી હની નિકુંજભાઈ પટેલ ઉ.વ. ૩૦ પરણિત છે, પુત્ર પ્રિન્સ દિલીપભાઈ પટેલ ઉ.વ. ૨૨ SPB ફીઝીયોથેરાપીસ્ટ કોલેજમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે.
પરિવારજનો તરફથી કિડની, લિવર, હૃદય, ફેફસા, હાથ અને ચક્ષુઓને દાનની સંમતી મળતા SOTTO નો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ મેડીકલ કારણોસર જાગૃતિબેનના કીડની, લીવર, હૃદય અને ફેફસાની ફાળવણી થઈ ન હતી. હાથના દાન માટે ગુજરાતમાં કોઈ જરૂરિયાતમંદ દર્દી ન હોવાને કારણે NOTTO દ્વારા જમણો હાથ ચેન્નાઈની ગ્લેનીગલ્સ હેલ્થસીટી હોસ્પિટલને ફાળવવામાં આવ્યો હતો.
ચેન્નાઈની ગ્લેનીગલ્સ હેલ્થસીટી હોસ્પિટલના ડો અરવિંદ મહારાજ અને તેમની ટીમે સુરત આવી જમણા હાથનું દાન સ્વીકાર્યું અને તેનું ટ્રાન્સપ્લાન્ટ તમિલનાડુના રહેવાસી ૧૭ વર્ષીય યુવકમાં ચેન્નાઈની ગ્લેનીગલ્સ હેલ્થસીટી હોસ્પિટલમાં ડો. સેલ્વા સીતારામન શક્તિપાલન, અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું. ચક્ષુઓનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું. હાથ સમયસર હવાઈ માર્ગે ચેન્નાઈ પહોંચાડવા માટે મહાવીર હોસ્પીટલ થી સુરત એરપોર્ટ સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસા, હાથ, નાનું આંતરડું, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા-જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી ૧૪૧ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.
અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ પદ્મ શ્રી નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં જાગૃતિબેનના પતિ દિલીપ ભાઈ, પુત્રીઓ હની અને ધ્વની, પુત્ર પ્રિન્સ, પિતા શાંતુભાઈ અને ભાઈ મનીષભાઈ, જમાઈ નિકુંજકુમાર તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યુરોફીજીશીયન ડૉ.ભૌતિક પટેલ, ઇન્ટેસિવીસ્ટ ડૉ. શ્રેયા મહેશ્વેરી, મેડિકલ એડમિનિસ્ટ્રેટર ડો. નિમિષ પરીખ અને RMO ડૉ. પૂજા પટેલ, એનેસ્થેટિક ડો. કવિત શાહ, RMO ડો. દિનેશ સોલંકી, ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડીનેટર અવંતિકા જોધાણી તેમજ મહાવીર હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફ ટીમના સભ્યો કરણ પટેલ, ક્રિશ પટેલ, કૃતિક પટેલ, હર્ષ સિન્હા, પ્રોગ્રામિંગ ઓફિસર સુભાષ જોધાણી, નિહીર પ્રજાપતિ, વિશાલ ચૌહાણ, ભરત ત્રિવેદી અને નયન ભરવાડનો સહકાર સાંપડ્યો હતો. ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૩૭૧ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં ૫૫૧ કિડની, ૨૪૦ લિવર, ૫૭ હૃદય, ૫૬ ફેફસાં, ૯ પેન્ક્રીઆસ, ૧૧ હાથ, ૧ નાનું આતરડું અને ૪૪૬ ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ ૧૨૬૩ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
• Share •