Page Views: 7036

ચેમ્બરના ‘એનર્જી–પાવર–ઇલેકિટ્રક એક્ષ્પો 2026’ (EPE)ની ત્રણ દિવસમાં 12 હજારથી વધુ વિઝીટર્સે મુલાકાત લીધી

એનર્જી–પાવર–ઇલેકિટ્રક સેકટરમાં એક્ઝિબિશનનો પ્રથમ પ્રયાસ હોવા છતાં ઉદ્યોગકારો, વેપારીઓ અને મુલાકાતીઓ તરફથી મળેલો પ્રતિસાદ અત્યંત ઉત્સાહજનક રહ્યો : ચેમ્બર પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી

સુરતઃ- વર્તમાન ન્યૂઝ.કોમ 

 ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે તા. ૬, ૭ અને ૮ ફેબ્રુઆરી, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યોજાયેલા 'એનર્જી–પાવર–ઇલેકિટ્રકલ એક્ષ્પો ર૦ર૬'ને મુલાકાતીઓ તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. 

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા 'પાવરીંગ ધ ફયુચર – ટુડે'ના થીમ હેઠળ ઊર્જા, પાવર અને ઇલેકિટ્રકલ ક્ષેત્રના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને 'એનર્જી – પાવર – ઇલેકિટ્રકલ એક્ષ્પો ર૦ર૬'નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરત ઉપરાંત અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, પૂણે, મુંબઇ અને ગાઝિયાબાદના મળી કુલ ૬૦ એકિઝબિટર્સ દ્વારા રિન્યુએબલ એન્ડ કિલન એનર્જી સેકટર, સપોર્ટીંગ સર્વિસિસ એન્ડ સોલ્યુશન્સ, ઇલેકિટ્રકલ ઇકિવપમેન્ટ અને કોમ્પોનન્ટસ અને સસ્ટેનેબિલિટી અને ગ્રીન ટેક સેગમેન્ટમાં વિવિધ પ્રોડકટનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ચેમ્બર પ્રમુખે વધુમાં કહ્યું હતું કે, એનર્જી–પાવર–ઇલેકિટ્રક સેકટરમાં એક્ઝિબિશનનો પ્રથમ પ્રયાસ હોવા છતાં ઉદ્યોગકારો, વેપારીઓ અને મુલાકાતીઓ તરફથી મળેલો પ્રતિસાદ અત્યંત ઉત્સાહજનક રહ્યો હતો. આ પ્રતિસાદથી સ્પષ્ટ થાય છે કે ઊર્જા, પાવર અને ઇલેકિટ્રકલ ક્ષેત્રમાં આવા વિશિષ્ટ પ્લેટફોર્મની ઉદ્યોગ જગતમાં વાસ્તવિક જરૂરિયાત છે. શ્રી મદ્રાસીએ વધુમાં જણાવ્યું હતું કે, રિન્યુએબલ એનર્જી, ઇલેકિટ્રકલ ઇકિવપમેન્ટ, ગ્રીન ટેકનોલોજી અને સસ્ટેનેબલ સોલ્યુશન્સ તરફ ઉદ્યોગકારોનો વધતો રસ રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે સકારાત્મક સંકેત છે. આ એક્ષ્પોના માધ્યમથી ઉત્પાદકો, ટ્રેડર્સ અને અંતિમ વપરાશકર્તાઓને એક જ સ્થળે મળવાનો મોકો મળ્યો હતો, જેનાથી બિઝનેસ નેટવર્કિંગ, ટેકનોલોજી અપડેશન અને નવા વ્યાપારી અવસર સર્જાયા હતા. 

તેમણે ઉમેર્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભવિષ્યમાં પણ ઊર્જા અને પાવર સેકટરના વિકાસને ધ્યાનમાં રાખીને આવા વિશિષ્ટ એક્ષ્પો તથા ટેકિનકલ સેમિનારોનું આયોજન કરવામાં આવશે, જેથી ઉદ્યોગકારોને વૈશ્વિક ટ્રેન્ડ્‌સ સાથે જોડાઈ રહેવાનો લાભ મળી શકે. આ એક્ષ્પોમાં ઉદ્યોગકારો, ઇજનેરો, કન્સલ્ટન્ટ્‌સ, પ્રોજેકટ ડેવલપર્સ તથા વિદ્યાર્થીઓ સહિત વિવિધ વર્ગના મુલાકાતીઓએ હાજરી આપી હતી. આ એક્ષ્પોમાં ભાગ લેનારા ૬પ ટકા મેન્યુફેકચરર્સ અને ૩પ ટકા ટ્રેડર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સને સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાંથી વિઝીટર્સનો સારો પ્રતિસાદ મળ્યો હતો. ત્રણ દિવસમાં ૧ર હજારથી વધુ મુલાકાતીઓએ આ એક્ષ્પોની મુલાકાત લઇ પ્રદર્શિત થનારા પ્રોડકટ અને સેવાઓની માહિતી મેળવી હતી, આથી એક્ઝિબિટર્સને સ્થળ પર જ વ્યવસાયિક પૂછપરછ અને ભવિષ્યની ડીલ્સ માટે સકારાત્મક સંવાદ મળ્યો હોવાનું જણાવ્યું હતું. ‘એનર્જી–પાવર–ઇલેકિટ્રકલ એક્ષ્પો ર૦ર૬’ સુરત માટે જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ઊર્જા અને ઇલેકિટ્રકલ ક્ષેત્રના વિકાસમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થયો હોવાનું જાણવા મળ્યું હતું.