Page Views: 9027

અમરોલીમાં ગણેશ વિસર્જન સમયે ડબલ મર્ડર કરનારા ત્રણ આરોપીને આજીવન કેદની સજા

નવ વર્ષથી ન્યાયની રાહ જોતા પરિવારે સંતોષની લાગણી વ્યક્ત કરી

સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ 

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં 2015માં ગણપતિ વિસર્જન દરમિયાન થયેલી બે યુવાનની કરપીણ હત્યાના મામલે સુરતની સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં સરકારી વકીલ દિગંત તેવારની દલીલો અને રેકોર્ડ પરના પુરાવાઓને ધ્યાનમાં રાખીને  દોષિત ઠેરવી ત્રણ મુખ્ય આરોપીને આજીવન કેદની કડક સજા ફટકારી છે. આ ચુકાદાથી 9 વર્ષથી ન્યાયની રાહ જોતા પીડિત પરિવારોએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. 

સમગ્ર ઘટનાની વિગતો અનુસાર, વર્ષ  2015માં અમરોલી વિસ્તારમાં ગણેશ  વિસર્જનની યાત્રા નીકળી હતી. આ સમયે અમરોલી વિસ્તારમાં યુવતીઓની છેડતી કરવા જેવી બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. જે તે સમયે સ્થાનિક લોકો વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો અને બંને પક્ષો વિસર્જન માટે આગળ વધ્યા હતા. વિસર્જન પતાવીને પરત ફરેલા પક્ષકારો વચ્ચે ફરીથી તકરાર થઈ હતી. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે પ્રતાપ પ્રફુલા નાયક, પ્રતાપ પ્રફુલા અને પ્રતાપ દિવ્યા સહિત તેના સાગરીત એવા  આરોપીઓએ ઉશ્કેરાઈને પ્રમોદ ઉર્ફે રવિ ચંપલકાલ ઘોડીયા પટેલ અને જીતેશ ઉર્ફે રાહુલ અનિલભાઇ વાલ્મીક નામના બે યુવાનો પર ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ખુબ જ ક્રૂરતાપૂર્વક ઘા ઝીંક્યા હતા, જેથી બંને યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ મામલે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો અને પોલીસે આરોપીઓને ઝડપી લઇ જેલ હવાલે કર્યા હતા. આ કેસની સેશન્સ કોર્ટમાં ન્યાયીક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેમજ  સરકારી વકીલ દિગંત તેવર સહિત વિથ પ્રોસીક્યુશન એડવોકેટ ગૌતમ દેસાઇ અને એડવોકેટ ચેતન શાસ્ત્રી દ્વારા રજૂ કરવામાં આવેલા મજબૂત પુરાવાઓ, સાક્ષીઓની જુબાની અને મેડિકલ રિપોર્ટ્સને ધ્યાને રાખીને કોર્ટે આ ગુનાને ગંભીર ગણાવ્યો હતો.  સુનાવણી દરમિયાન સુરત કોર્ટે આરોપી પ્રશાંત પ્રફુલા નાયક, પ્રતાપ પ્રફુલા અને પ્રતાપ દિવ્યાને સ્વામી નામના ત્રણેય આરોપીને આજીવન કેદની સજા અને 2 હજારનો દંડ ફટકાર્યો છે. આરોપીઓના કૃત્યને જઘન્ય ગણાવવા સાથે સુરત કોર્ટ દ્વારા ગુનાની ગંભીરતાને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી.