Page Views: 7636

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દેશના ગૌરવરૂપ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત સુરતની પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સન્માન માટે વિશિષ્ટ સન્માન સમારોહ યોજાયો

આ વર્ષે પદ્મશ્રી પુરસ્કાર માટે ઘોષિત થયેલા ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને ડોનેટ લાઇફ સંસ્થાના સ્થાપક શ્રી નિલેશભાઇ માંડલેવાલાનું વિશેષ સન્માન કરાયું

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બુધવાર, તા. ૪ ફેબ્રુઆરી, ર૦ર૬ના રોજ સાંજે પઃ૩૦ કલાકે પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે દેશના ગૌરવરૂપ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સન્માન માટે ભવ્ય પદ્મશ્રી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ તથા ડોનેટ લાઇફ સંસ્થાના સ્થાપક શ્રી નિલેશ માંડલેવાલાને પદ્મશ્રી પુરસ્કાર ઘોષિત થયા બાદ તેમના સન્માનમાં આ સમારોહ યોજાયો હતો.ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ સ્વાગત સંબોધનમાં તમામ મહાનુભાવોને આવકારતા જણાવ્યું હતું કે, પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત કરનાર વ્યક્તિઓ સમાજ માટે પ્રેરણાસ્ત્રોત છે અને તેમનું સન્માન કરવું એ ચેમ્બર માટે ગૌરવની બાબત છે. આ પદ્મશ્રી સન્માન સમારોહ ચેમ્બર દ્વારા સમાજ, સેવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપનાર મહાનુભાવોને સન્માન આપવાનો એક સ્મરણિય પ્રયાસ બન્યો હતો. આ સમારોહમાં વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન આપનાર પદ્મશ્રી વિભૂષિત મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ ર૦૧૧માં પદ્મશ્રીથી સન્માનિત ડો. કનુભાઈ ટેલરનું સન્માન કરવામાં આવ્યું હતું. ડો. કનુભાઈ ટેલરે પોતાના પ્રતિભાવમાં જીવનના અનુભવો અને સમાજસેવા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.વર્ષ ર૦૧૪માં પદ્મશ્રીથી સન્માનિત શ્રી મથુરભાઈ સવાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. પોતાના પ્રતિભાવ આપતા શ્રી મથુરભાઈ સવાણીએ સમાજ અને ખેડૂતો માટે કરેલા કાર્ય અંગે પોતાની લાગણી વ્યક્ત કરી હતી.વર્ષ ર૦ર૦માં પદ્મશ્રીથી સન્માનિત શ્રી યઝદીભાઈ કરંજિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી યઝદીભાઈ કરંજિયાએ પોતાના પ્રતિભાવમાં સામાજિક જવાબદારી પર ભાર મૂકયો હતો.