Page Views: 9251

DBIM, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા “ધ ઇનવિન્સિબલ્સ–2026”નું આયોજન

વર્ષ 2026માં આ ઇવેન્ટને નવતર સ્વરૂપમાં “મેનેજમેન્ટ બૂટકેમ્પ વિથ ગેમ્સ” તરીકે રજૂ કરવામાં આવી છે

સુરત:- વર્તમાન ન્યૂઝ.કોમ 

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરતના ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ (DBIM) દ્વારા એમબીએનું પ્રતિષ્ઠિત વાર્ષિક મેનેજમેન્ટ ઇવેન્ટ **“ધ ઇનવિન્સિબલ્સ–2026”નું આયોજન બુધવાર, 11 ફેબ્રુઆરી 2026ના રોજ કરવામાં આવ્યું છે.

DBIMના એમબીએ વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત આ મેનેજમેન્ટ ઉત્સવ વર્ષ 2014થી સતત યોજાઈ રહ્યો છે, જેમાં અત્યાર સુધીમાં દેશભરની 50થી વધુ સંસ્થાઓના અંદાજે 4,000 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ ચૂક્યા છે. વર્ષ 2026માં આ ઇવેન્ટને  નવતર સ્વરૂપમાં “મેનેજમેન્ટ બૂટકેમ્પ વિથ ગેમ્સ” તરીકે રજૂ કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓને અનુભવ આધારિત શિક્ષણ તરફ દોરી જાય છે.

આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વ્યવહારુ અને સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટીમકનેક્ટ દ્વારા ટીમ બિલ્ડિંગ અને સંઘર્ષ વ્યવસ્થાપનનું પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવશે. બ્રાન્ડબ્લિટ્ઝ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ બ્રાન્ડિંગ અને માર્કેટિંગ સ્ટ્રેટેજી વિકસાવશે. ટેકએક્સેલ પ્રવૃત્તિમાં એક્સેલ આધારિત મેનેજમેન્ટ ગેમ દ્વારા ડેટા વિશ્લેષણ પર ભાર મૂકવામાં આવશે.

આ ઉપરાંત DB-EX (DBIM એક્સચેન્જ) દ્વારા સ્ટોક માર્કેટ સિમ્યુલેશન મારફતે ટ્રેડિંગનો વાસ્તવિક અનુભવ મળશે, જ્યારે IPL ઑક્શન પ્રવૃત્તિમાં નિર્ધારિત બજેટમાં શ્રેષ્ઠ ટીમ બનાવવાની વ્યૂહાત્મક હરાજી યોજાશે. મેનેજમેન્ટ એરિનામાં મેનેજમેન્ટના મૂળ સિદ્ધાંતો આધારિત સ્પર્ધાત્મક પ્રવૃત્તિ રહેશે અને “ધ ગેમ્સ પીપલ પ્લે” અંતર્ગત અર્થશાસ્ત્ર, ગેમ થિયરી અને વ્યૂહાત્મક નિર્ણય આધારિત સિમ્યુલેશન યોજાશે. “ધ ઇનવિન્સિબલ્સ–2026” વિદ્યાર્થીઓ માટે માત્ર એક સ્પર્ધા નહીં પરંતુ અનુભવ આધારિત શિક્ષણ, સ્પર્ધાત્મક ક્ષમતા વિકાસ અને વ્યાવસાયિક નેટવર્કિંગ માટેનું એક સશક્ત મંચ પુરું પાડે છે. DBIM દ્વારા આયોજિત આ ઇવેન્ટ મેનેજમેન્ટ શિક્ષણને વ્યવહારુ દિશામાં લઈ જવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ ગણાય છે.