Page Views: 7619

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે આયોજિત ત્રિ–દિવસીય 'એનર્જી–પાવર–ઇલેકિટ્રક એક્ષ્પો 2026નો બિહારના રાજ્યપાલના હસ્તે ભવ્ય શુભારંભ

'મધર ઓફ ઓલ ટ્રેડ' તરીકે ભારત માટે યુરોપિયન દેશો સહિત સમગ્ર વિશ્વમાં નવા ઔદ્યોગિક અવસરો સર્જાઈ રહ્યા છે, રોજગારમાં વધારો થવાથી ઉર્જાની માંગમાં નોંધપાત્ર વધારો થશે : બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન

સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે તા. ૬, ૭ અને ૮ ફેબ્રુઆરી, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે 'એનર્જી–પાવર–ઇલેકિટ્રકલ એક્ષ્પો ર૦ર૬' (EPE)નું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવાર, તા. ૬ ફેબ્રુઆરી, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે એકિઝબિશન ડોમમાં ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં ઉદ્‌ઘાટક તરીકે બિહારના માનનીય રાજ્યપાલ શ્રી આરિફ મોહમ્મદ ખાન પધાર્યા હતા અને તેમના વરદ્‌ હસ્તે એક્ઝિબિશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં કે.પી. ગૃપના ડિરેકટર શ્રી અફાન ફારૂક પટેલે અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ સ્વાગત સંબોધન કરતા જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા ઊર્જા, પાવર અને ઇલેકિટ્રકલ ક્ષેત્રના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને 'એનર્જી–પાવર–ઇલેકિટ્રકલ એક્ષ્પો ર૦ર૬'નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ષ્પો માત્ર એક એકિઝબિશન નથી, પરંતુ ઊર્જા ક્ષેત્રની અદ્યતન ટેકનોલોજી, નવીન ઉત્પાદનો અને સસ્ટેનેબલ સોલ્યુશન્સ માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે. સરકારની નીતિઓ, પીએસયુઝની ક્ષમતા અને ઔદ્યોગિક એકમોની નવીનતા – આ ત્રણેય વચ્ચે અસરકારક જોડાણ સ્થાપિત કરવાનો અમારો મુખ્ય હેતુ છે. 'પાવરીંગ ધ ફયુચર – ટુડે'ના થીમ હેઠળ આ એકિઝબીશન દ્વારા ગ્રીન એનર્જી, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર અને આત્મનિર્ભર ભારતના વિઝનને મજબૂતી મળશે.  બિહારના માનનીય રાજ્યપાલ શ્રી આરિફ મોહમ્મદ ખાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, મારી સમજ મુજબ ગુજરાતીઓની વિશેષતા એ છે કે તેઓ ઇનોવેટિવ છે. સમસ્યામાંથી પણ તેઓ તક શોધી કાઢે છે અને સમસ્યાનું નિવારણ લાવે છે. કુદરતે ગુજરાતીઓને વિશેષ ક્ષમતાઓ આપી છે, જેના કારણે તેઓ બિઝનેસ ક્ષેત્રે હંમેશા આગળ રહ્યા છે. ઉદ્યોગકારોને સંબોધતા તેમણે કહ્યું કે, તમારી જવાબદારી માત્ર ગુજરાત પૂરતી સિમિત નથી, પરંતુ સમગ્ર દેશ માટેની છે. ગુજરાતના ઉદ્યોગ સાહસિકોએ રાષ્ટ્રીય વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવી પડશે. આ તકે તેમણે સુરત સહિત ગુજરાતના ઉદ્યોગકારોને બિહાર રાજ્યમાં ઉદ્યોગ ક્ષેત્રે રોકાણ કરવા અને બિઝનેસ કરવા આમંત્રણ આપતા કહ્યું હતું કે, બિહાર રાજ્ય ઉદ્યોગકારોનું સ્વાગત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. બિહારમાં ઉદ્યોગ સ્થાપનારા અને રોકાણ કરનાર ઉદ્યોગકારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની પૂરતી તકેદારી રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારે જીએસટીમાં વ્યાપક સુધારા કર્યા છે તેમજ શ્રમ કાયદાઓમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવ્યા છે. પરિણામે ભારતની અર્થવ્યવસ્થા ઝડપી ગતિએ આગળ વધી રહી છે. ‘મધર ઓફ ઓલ ટ્રેડ’ તરીકે ભારત માટે યુરોપિયન દેશો સહિત સમગ્ર વિશ્વમાં નવા ઔદ્યોગિક અવસરો સર્જાઈ રહ્યા છે. આવનારા સમયમાં આશરે ૭૦થી ૮૦ લાખ લોકોને રોજગાર મળવાની સંભાવના છે. રોજગારમાં વધારો થવાથી ઉર્જાની માંગમાં પણ નોંધપાત્ર વધારો થશે. વૈશ્વિક સ્તરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં અગ્રણી સ્થાન મેળવવા માટે પણ પૂરતી અને વિશ્વસનીય ઉર્જા ઉપલબ્ધતા અનિવાર્ય બનશે. દેશના પાંચ રાજ્યોમાં નવી સેમીકન્ડકટર ફેકટરીઓ શરૂ થવાની માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, એમાંથી એક ફેકટરી ગુજરાતમાં પણ શરૂ થવાની છે, જેના કારણે ઉર્જાની જરૂરિયાતમાં વધારો થશે. વધતું શહેરીકરણ, ઔદ્યોગિક વિકાસ અને ટેકનોલોજિકલ પ્રગતિને કારણે ઉર્જા, સોલાર એનર્જી અને ન્યુક્લિયર એનર્જી આગામી સમયમાં વધુ લોકપ્રિય બનશે. તેમણે જણાવ્યું હતું કે, ભારતે જ્યારે સંસ્કૃતિ અને સભ્યતાની યાત્રા શરૂ કરી હતી ત્યારે મહર્ષિઓએ જે આધ્યાત્મિક, વૈચારિક અને નૈતિક મૂલ્યોની શરૂઆત કરી હતી, તે પરંપરા આજે પણ એટલી જ જીવંત છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા યુવાઓમાં ઉત્સાહ, ઉર્જા અને જીવનને યોગ્ય દિશા આપવાનું કાર્ય કરે છે. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ વડાપ્રધાનશ્રીના વિચારોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ દર્શાવેલી 'પંચ પીલર'ની સંકલ્પનામાંથી એક મહત્વપૂર્ણ પીલર ભારતીય સંસ્કૃતિ છે, તેથી દરેક ભારતીયે પોતાની સંસ્કૃતિ પર ગર્વ અનુભવવો જોઈએ. રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતે પોતાની સંસ્કૃતિને આત્મા સાથે પરિભાષિત કરી છે. આત્મા એ તમામ ભારતીયોનો સંયુક્ત વારસો છે. આ મૂલ્યપ્રધાન વિચારધારાના કારણે ભારતે ક્‌યારેય અન્ય દેશો અથવા તેના નાગરિકો પર આક્રમણ કર્યું નથી. જોકે, જ્યાં પાકિસ્તાનમાં આતંકવાદની યોજનાઓ રચાતી હતી, ત્યાં ભારતીય લશ્કરે દ્રઢતા સાથે કાર્યવાહી કરીને આતંકવાદનો સફાયો કર્યો છે અને એક કિર્તિમાન સ્થાપ્યું છે. તેમણે સ્વામી વિવેકાનંદના વિચારને યાદ કરતા જણાવ્યું હતું કે, બીજાઓ માટે જે જીવે છે, એ જ સાચે અર્થમાં જીવે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે, જીવનનો ઉદ્દેશ્ય સુખની પ્રાપ્તિ નહીં પરંતુ જ્ઞાનની પ્રાપ્તિ છે. તેમણે ભારતીય દાર્શનિક વિચારધારાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ વિશ્વમાં જે કંઈ પરિવર્તનશીલ છે તે મિથ્યા છે અને સત્ય માત્ર બ્રહ્મ છે. વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે આત્મસંશોધન અત્યંત જરૂરી છે તેમ પણ રાજ્યપાલશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું. સમારોહના અંતમાં રાજ્યપાલશ્રીએ સ્વતંત્રતા સેનાનીઓના સપનાઓને યાદ કરતાં કહ્યું હતું કે, તેઓએ એવું ભારત કલ્પ્યું હતું, જ્યાં દેશ પરાધિનતાથી મુક્ત થઈ વિશ્વમાં સન્માન સાથે માથું ઊંચું કરીને ચાલી શકે. આ સપનાને સાકાર કરવા માટે લોકોનું જીવનધોરણ સુધારવું, આર્થિક પરિસ્થિતિ મજબૂત બનાવવી અને સુવિધાપૂર્ણ જીવન માટે અનુકૂળ વાતાવરણનું નિર્માણ કરવું જરૂરી છે. ચેમ્બરના 'એનર્જી–પાવર–ઇલેકિટ્રકલ એક્ષ્પો ર૦ર૬' (EPE)ના ચેરમેન શ્રી ભાવેશ ટેલરે એક્ષ્પો વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે, સુરતના ર૯ તથા અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, પૂણે, મુંબઇ અને ગાઝિયાબાદના મળી કુલ ૬૦ એકિઝબિટર્સ દ્વારા એક્ષ્પોમાં ભાગ લેવામાં આવ્યો છે, જેમાં ૬પ ટકા મેન્યુફેકચરર્સ અને ૩પ ટકા ટ્રેડર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સનો સમાવેશ થાય છે. એક્ઝિબિટર્સ દ્વારા રિન્યુએબલ એન્ડ કિલન એનર્જી સેકટર, સપોર્ટીંગ સર્વિસિસ એન્ડ સોલ્યુશન્સ, ઇલેકિટ્રકલ ઇકિવપમેન્ટ અને કોમ્પોનન્ટસ અને સસ્ટેનેબિલિટી અને ગ્રીન ટેક સેગમેન્ટમાં વિવિધ પ્રોડકટનું પ્રદર્શન કરાશે. આ એક્ષ્પોમાં વિવિધ રાજ્યોના ગવર્નમેન્ટ વિભાગો, પીએસયુઝ (પબ્લિક સેકટર અન્ડરટેકિંગ્સ) તેમજ કોર્પોરેટ સેગમેન્ટ્‌સ ભાગ લેશે અને પોતાની નવીન યોજનાઓ, ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરશે. 

ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ બિહારના માનનીય રાજ્યપાલશ્રી તેમજ ઉદ્‌ઘાટન સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદીએ ઉદ્‌ઘાટન સમારોહનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલા, ચેમ્બરના ઓલ એકિઝબિશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમર, પૂર્વ પ્રમુખશ્રીઓ, ઉદ્યોગ સાહસિકો, એકિઝબિટર્સ અને વિઝીટર્સ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.