Page Views: 6580

વિશ્વ નવા વર્લ્ડઓર્ડર તરફ વધી રહ્યું છે, પલડું ભારત તરફ: રાજ્યસભામાં વડા પ્રધાનનું સંબોધન

સંબોધન શરૂ થતાં જ વિપક્ષના સાંસદોએ 'વિપક્ષ નેતાને બોલવા દો...'ના નારા લગાવ્યા

.નવી દિલ્હી- વર્તમાન ન્યૂઝ.કોમ 

રાષ્ટ્રપતિના અભિભાષણ પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં સંબોધન કર્યું હતું. તેમનું સંબોધન શરૂ થતાં જ વિપક્ષના સાંસદોએ 'વિપક્ષ નેતાને બોલવા દો...'ના નારા લગાવ્યા હતા. 

PM મોદીએ ભાષણ શરૂ થતાં જ કોંગ્રેસ નેતા ખડગે પર કટાક્ષ કરતાં કહ્યું કે, આદરણીય સભાપતિ ખડગેજીની ઉંમરને જોતાં તેમને બેઠા બેઠા નારા લગાવવાની છૂટ આપો. PM મોદીએ કહ્યું કે, ભારત પ્રત્યે વિશ્વનું આકર્ષણ વધી રહ્યું છે અને ભારતના ટેલેન્ટનું મહત્ત્વ વિશ્વ સમજી રહ્યું છે. વિશ્વમાં અનેક પડકારો વચ્ચે ભારત આશાનું કિરણ બન્યું છે. મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારતનો ગ્રોથ રેટ ઊંચો અને મોંઘવારી ઓછી છે. આ આપણી અર્થવ્યવસ્થાની મજબૂતાઈને દર્શાવે છે. દેશ સ્વતંત્ર થયો ત્યારે આપણે દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતા, પણ આ લોકોએ ( વિપક્ષ ) દેશને 11માં ક્રમે પહોંચાડી દીધો. આજે અમે ત્રીજા સ્થાને જવાની દિશામાં આગળ વધી રહ્યા છે. PM મોદીએ કહ્યું કે, વિજ્ઞાન, સ્પેસ, સ્પોર્ટ્સ સહિતના દરેક સેક્ટરમાં ભારતમાં એક અનોખો આત્મવિશ્વાસ છે. કોવિડ મહામારી બાદ જે સ્થિતિ પેદા થઈ તેના કારણે આજે દુનિયા ડામાડોળ છે. એવામાં વિશ્વ હવે નવા વર્લ્ડઓર્ડર તરફ આગળ વધી રહ્યું છે. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ એક નવું વર્લ્ડઓર્ડર બન્યું હતું, તે પછી હવે ફરી નવું વર્લ્ડઓર્ડર રચાઈ રહ્યું છે. સૌથી મોટી ખુશીની વાત છે કે તમામ ઘટનાઓમાં પલડું ભારત તરફ નમેલું છે. ભારત 'વિશ્વબંધુ' રૂપે અનેક દેશોનો પાર્ટનર બન્યો છે. વિશ્વ કલ્યાણ માટે આપણે ઉચિત ભૂમિકા ભજવી રહ્યા છે અને સહાય પણ કરી રહ્યા છીએ. 

બજેટ સત્રમાં સંસદના બંને ગૃહમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. આજે લોકસભામાં ભારે હોબાળા વચ્ચે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ ધ્વનિ મતથી પસાર થઈ ગયો છે. આવું 22 વર્ષ બાદ પહેલીવાર થયું છે જે જ્યાં વડાપ્રધાનના ભાષણ વિના જ લોકસભામાં આભાર પ્રસ્તાવ પસાર થયો હોય. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ નિવેદન આપ્યું છે કે તેમણે જ PM મોદીને સંસદમાં ભાષણ ન આપવા સલાહ આપી હતી કારણ કે કોંગ્રેસના સાંસદો પહેલેથી જ તેમની ખુરશી ઘેરીને ઊભા હતા. ઓમ બિરલાએ કહ્યું કે, હું ખૂબ દુખી થઈને કહી રહ્યો છું કે ગઈકાલે મારી ચેમ્બરમાં કેટલાક સદસ્યો જે વ્યવહાર કર્યો તેવું ભૂતકાળમાં ક્યારેય નથી થયું. વિપક્ષના સદસ્યોએ ગઈકાલે જે કર્યું તે કલંક સમાન છે. PM મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપવાના હતા. તે પહેલા મારી પાસે જાણકારી આવી કે કોંગ્રેસના સાંસદો વડાપ્રધાન સાથે અપ્રિય ઘટના કરી શકે છે. જે બાદ મેં PM મોદીને આગ્રહ કર્યો કે તમે સદનમાં ન આવશો. હું PM મોદીનો આભારી છું કે તેમણે મારી વાત સ્વીકારી. જો PM મોદી લોકસભામાં આવ્યા હોત તો પરિસરમાં અપ્રિય ઘટના થઈ હોત.