Page Views: 6173

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા MSME અને લાર્જ એન્ટરપ્રાઇઝ માટે સાયબર સિક્યુરિટી અંગે જાગૃતિ સેશન યોજાયું

ચેતનસિંહ પરમારે Cyber Security & Cyber Resilience Framework (CSCRF) પર વ્યવસાયિકોને વિશેષ માર્ગદર્શન આપ્યું

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

 ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા MSME તેમજ મોટા ઉદ્યોગોને વધતા સાયબર જોખમો સામે સજાગ અને સશક્ત બનાવવા માટે શુક્રવાર, તા. ર૯ જાન્યુઆરી, ર૦ર૬ના રોજ સાંજે પઃ૩૦ કલાકે એસપીબી હોલ, સંહતિ, સરસાણા, સુરત ખાતે “Cyber Security & Cyber Resilience Framework (CSCRF)” વિષય પર એક મહત્વપૂર્ણ જાગૃતિ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાત વક્તા તરીકે એક્યુટાસ કેમિકલ્સ લિ.ના ચીફ ઇન્ફોર્મેશન સિક્યુરિટી ઓફિસર (CISO) શ્રી ચેતનસિંહ પરમારે સાયબર સિક્યુરિટી સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ સ્વાગત સંબોધનમાં જણાવ્યું હતું કે, ડિજિટલ યુગમાં વ્યવસાય માટે સાયબર સિક્યુરિટી માત્ર IT વિષય નથી, પરંતુ સમગ્ર સંસ્થાની જવાબદારી છે. MSME તેમજ લાર્જ એન્ટરપ્રાઇઝ માટે સાયબર હુમલાઓ એક ગંભીર પડકાર બની રહ્યા છે અને આ અંગે યોગ્ય જાગૃતિ અને તૈયારી અત્યંત આવશ્યક છે.

નિષ્ણાત વક્તા એક્યુટાસ કેમિકલ્સ લિ.ના ચીફ ઇન્ફોર્મેશન સિક્યુરિટી ઓફિસર (CISO) શ્રી ચેતનસિંહ પરમારે સાયબર સિક્યુરિટી સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ફિશિંગ, રેન્સમવેર, ડેટા લીકેજ જેવા સાયબર હુમલાઓ MSMEથી લઈને મોટા ઉદ્યોગોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તેમણે Cyber Resilience પર ભાર મૂકતા કહ્યું હતું કે, માત્ર સિક્યુરિટી પૂરતી નથી, પરંતુ સાયબર હુમલા બાદ બિઝનેસ સતત ચાલુ રાખવાની તૈયારી પણ એટલી જ જરૂરી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, CSCRF દ્વારા ઉદ્યોગો સાયબર હુમલાઓથી બચાવની સાથે સાથે સંકટ સમયે ઝડપથી પુનઃસ્થાપિત થવાની ક્ષમતા વિકસાવી શકે છે. તેમણે વાસ્તવિક ઉદાહરણો દ્વારા CSCRFના અમલ વિશે સરળ ભાષામાં વિસ્તૃત સમજણ આપી હતી.

ચેમ્બરના માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદી, ઉદ્યોગ સાહસિકો અને પ્રોફેશનલ્સ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સેશન દ્વારા MSME તથા લાર્જ એન્ટરપ્રાઇઝને Cyber Security & Cyber Resilience Framework (CSCRF) અંગે મહત્વપૂર્ણ માહિતી મળી હતી, જે તેઓને પોતાના ડિજિટલ વ્યવસાયને વધુ સુરક્ષિત અને મજબૂત બનાવવા ઉપયોગી બની હતી.

ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી દીપક કુમાર શેઠવાલાએ મુખ્ય વક્તાનો પરિચય આપ્યો હતો. ચેમ્બરની સાયબર સિક્યુરીટી કમિટીના ચેરમેન ડૉ. ચિંતન પાઠકે કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપી હતી. જ્યારે સાયબર સિક્યુરીટી કમિટીના એડવાઇઝર ડૉ. સ્નેહલ વકીલનાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.