Page Views: 7703

માતુ શ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટના ‘શિક્ષણયજ્ઞ’ માટે વિશ્વ વંદનીય સંત શ્રી મોરારિબાપુની રામકથા યોજાશે

પૂજ્ય બાપુએ આપેલ રામકથાથી અઢાર રાજ્યોમાં ચાલી રહેલ ‘શિક્ષણયજ્ઞ’ નવું જોમ પૂરાશે; ભારતનાં તમામ રાજ્યોનાં અસંખ્ય બાળકોને તેનો લાભ મળશે

શરૂસુરત- વર્તમાન ન્યૂઝ.કોમ

રામકથાના માધ્યમથી સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશ વિશ્વભરમાં પહોંચાડનાર મોરારિબાપુ છેવાડાના લોકોનાં કલ્યાણ માટે સમર્પિત જીવન જીવી રહ્યા છે. વૃદ્ધાશ્રમ, વૃક્ષારોપણ, હૉસ્પિટલ, શહીદ પરિવાર કલ્યાણ, વિચરતા સમુદાયના લોકોના આવાસ વગેરે અનેકવિધ સત્કાર્યો માટે પૂજ્ય બાપુએ કથા આપી છે. આવું જ શિક્ષણ યજ્ઞનું સેવાકીય કાર્ય - માતુ શ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટ ભારતનાં અઢાર રાજ્યોમાં ચાલી રહ્યું છે. તેના દ્વારા 246 સરસ્વતીધામ નિર્માણ પામ્યાં છે અને 48 સરસ્વતીધામનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે અને ‘351 સરસ્વતીધામ નિર્માણ’નો શુભ સંકલ્પ છે.

          228મા સરસ્વતીધામ – ‘માતુ શ્રી કડવીબહેન રામજીભાઈ નકુમ’ મુ. ડુંડાસ, તા, મહુવા, જિ. ભાવનગરનું લોકાર્પણ પૂજ્ય મોરારિબાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટનાં કાર્યો વિશે જાણીને પૂજ્ય બાપુએ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને આ સત્કાર્યમાં સહકાર આપનાર સૌને ધન્યવાદ પાઠવ્યા હતા.‘351 સરસ્વતીધામ’નાં નિર્માણ પછી પણ આ શુભ કાર્ય અવિરત થતું રહે તે માટે જરૂરી આર્થિક સહયોગ મળી રહે તે માટે લોકભારતી સણોસરાના નિયામક શ્રી અરુણભાઈ દવેની પ્રેરણાથી શ્રી કેશુભાઈ ગોટીએ પૂજ્ય મોરારિબાપુને આજે પ્રાર્થના કરવામાં આવી. શિક્ષણયજ્ઞની વાત સાંભળીને પૂજ્ય બાપુએ ખૂબ જ પ્રસન્નતા સાથે રામકથારૂપી તુલસીપત્ર સહર્ષ અર્પણ કર્યું છે. વિશેષ આનંદની વાત એ છે કે, આ કથાના યજમાન પણ પૂજ્ય બાપુ આપશે અને ભારતભરમાં કોઈ પણ જગ્યાએ આ કથા યોજવા માટે સહર્ષ સંમતિ આપી છે. આ સંદેશ મળતા આ શિક્ષણયજ્ઞમાં તન, મન, ધનથી સહયોગ આપનાર તમામ સમાજના લોકોમાં તેમજ કર્મયોગી પરિવારમાં ખુશીને લહેર અનુભવાઈ છે. પૂજ્ય બાપુની ઉદારતા પામીને સૌ એમને હૃદયપૂર્વક વંદન પાઠવી રહ્યા છે. 351 સરસ્વતીધામ નિર્માણ’ના શુભ સંકલ્પ સાથી ચાલી રહેલા આ યજ્ઞમાં પૂજ્ય બાપુએ આપેલ રામકથાથી નવું જોમ આવ્યું છે. હાલમાં અઢાર રાજ્યોમાં ચાલી રહેલ આ શિક્ષણયજ્ઞ ભારતનાં તમામ રાજ્યો સુધી પહોંચશે અને દેશનાં અસંખ્ય બાળકોને તેનો લાભ મળશે.   

          માતુ શ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારત દેશને વિકસિત અને મજબૂત રાષ્ટ્ર બનાવવા તેમજ છેવાડાના વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ તેમજ સંવર્ધન થાય તે માટે ભારતભરમાં શિક્ષણની જ્યોત જગાવવામાં આવી છે. બાળકોને ઉત્તમ શિક્ષણ મળે અને તે માટે શ્રેષ્ઠ શાળાઓ તેમજ છાત્રાલયો મળે તે વિચારને કેન્દ્રમાં રાખીને જ્યાં કોઈની મદદ મળતી નથી તેવા દુર્ગમ, પહાડી, સરહદી, અંતરિયાળ વિસ્તારોનાં બાળકો માટે શિક્ષણનું અનોખું કાર્ય કરવામાં આવે છે.

 હાલમાં મુખ્ય ચાર પ્રકલ્પોમાં કાર્ય થઈ રહ્યું છે : (1) ‘351 સરસ્વતીધામ’ નિર્માણ અભિયાન, (2) વૈચારિક ક્રાંતિ અભિયાન, (3) શિક્ષા સાથી અભિયાન અને (4) કુપોષણ મુક્તિ અભિયાન. 

          ટ્રસ્ટના પ્રમુખ શ્રી કેશુભાઈ ગોટીએ ભારતભરમાં 351 સરસ્વતીધામ નિર્માણ કરવાનો શુભ સંકલ્પ કર્યો છે, તેમાં 50% રકમ ટ્રસ્ટ આપે છે અને 50% રકમ સહયોગી દાતાશ્રી આપે છે. કર્મયોગીઓ સરસ્વતીધામનાં નિર્માણમાં નિ:સ્વાર્થ ભાવે તનથી સેવા આપે છે. આ ભવનોમાં સહયોગી દાતાશ્રીઓનાં નામ લખવામાં આવે છે, મુખ્ય દાતા શ્રી કેશુભાઈનું નામ ક્યાંય લખવામાં આવતું નથી. અત્યાર સુધીમાં નિર્માણ પામેલ અને નિર્માણકાર્ય ચાલી રહ્યું છે; તે સરસ્વતીધામની યાદી આ પ્રમાણે છે : ગુજરાત-190, ઓરિસ્સા-7, નાગાલેન્ડ-4, મધ્યપ્રદેશ-12, છત્તીસગઢ-3, રાજસ્થાન-3, અરુણાચલપ્રદેશ-4, ઉત્તરાખંડ-6, આસામ-20, મહારાષ્ટ્ર-3, પશ્ચિમ બંગાળ-4, બિહાર-7, ઉત્તરપ્રદેશ-4, ત્રિપુરા-5, ઝારખંડ-16, મણિપુર-3, મિઝોરમ-1, મેઘાલય-2. ‘વૈચારિક ક્રાંતિ અભિયાન’ અંતર્ગત શિક્ષકોને પ્રોત્સાહન મળે અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જાગે, તેનું જીવનઘડતર થાય તે માટે ‘વૈચારિક ક્રાંતિ દ્વારા માનસ પરિવર્તન’ પરિસંવાદનું વિવિધ શાળાઓમાં નિયમિત રીતે આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 108થી વધારે પરિસંવાદ યોજાયા છે, તેમાં 45,000થી વધારે વિદ્યાર્થીઓ અને 8,000થી વધારે શિક્ષકો સહભાગી થયા છે. પરિસંવાદોનું કારણે ગુણાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે. વિદ્યાર્થીઓ સાચા અર્થમાં કેળવણી પામે એ મૂળ ઉદ્દેશ્ય રહેલો છે. આ દિશામાં મક્કમતાથી આગળ વધી રહ્યા છીએ.  કર્મયોગીઓના પુરુષાર્થમાંથી અર્જિત થયેલી સંપત્તિમાંથી ‘શિક્ષા સાથી અભિયાન’ અંતર્ગત ભોજનાલય, પ્રાર્થનાખંડ, મકાન રિપેરિંગ, ટોયલેટ-બાથરૂમ, અન્ય શૈક્ષણિક સામગ્રી સહાય વગેરે 115થી વધારે જગ્યાએ પૂરી પાડવામાં આવી છે, તેની રકમ પણ કરોડો રૂપિયામાં છે. 

 ‘કુપોષણ મુક્તિ અભિયાન’ અંતર્ગત વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન મળે તે માટે કરેલા પ્રયાસોમાં સંચાલકશ્રીઓના સહયોગથી 40,000થી વધારે વિદ્યાર્થીઓને સવારે પૌષ્ટિક નાસ્તો મળતો થયો છે.           ભારતભરમાં સરસ્વતીધામનાં નિર્માણનું ભગીરથકાર્ય અવિરતપણે થઈ રહ્યું છે, તેની ખુશાલી અને આભારની લાગણી વ્યક્ત કરતાં શ્રી કેશુભાઈએ જણાવ્યું હતું કે, “મારો સંકલ્પ તો માત્ર નવ સરસ્વતીધામ નિર્માણનો હતો;  આ વિરાટ કાર્ય થઈ રહ્યું છે તેનો યશ તો સહયોગી દાતા, કર્મયોગીઓ અને સમાજને ફાળે જાય છે. એક સરસ્વતીધામથી લઈને પંદર-પંદર સરસ્વતીધામના સહયોગી દાતા તરીકે પોતાનું આર્થિક યોગદાન આપનાર સૌ અભિનંદનના અધિકારી છે. વિશેષ ખુશીની વાત એ છે કે, સૌ સહયોગી દાતાઓ સામે ચાલીને, ઉદારદિલે પોતાનું યોગદાન આપી રહ્યા છે. અત્યાર સુધીમાં 330 સહયોગી દાતાઓ આ યજ્ઞમાં જોડાઈ ગયા છે. 

    કર્મયોગી પરિવારમાં ચાળીસથી વધારે સભ્યો જોડાયેલા છે, તેઓ પાંચ ટીમમાં ભારતભરમાં આ સત્કાર્ય કરી રહ્યા છે. આ કર્મયોગીઓ સ્થળ પસંદગી, મટીરિયલની ખરીદીથી લઈને સંપૂર્ણ બાંધકામ પૂરું થાય ત્યાં સુધીની તમામ કામગીરી ટીમ વર્કથી સંભાળે છે. આથી સામાન્ય રીતે એક કરોડથી વધારે ખર્ચમાં નિર્માણ પામતાં ભવનો અમે 70-80 લાખ રૂપિયા નિર્માણ કરી શકીએ છીએ. કર્મયોગીઓનો પણ જેટલો આભાર માનું તેટલો ઓછો છે. ગુજરાત સિવાયના રાજ્યોમાં સરસ્વતીધામનું નિર્માણ થતું હોય ત્યારે સુરતથી 2,000-3,000 કિલોમીટર જેટલા દૂર વિસ્તારોમાં જવાથી પંદર-વીસ દિવસ સુધી પણ ઘરથી દૂર રહેવું પડે છે. આ કર્મયોગીઓ માન-સન્માન કે કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના, રાત-દિવસ કે ઊંઘ-ઉજાગરાની પરવા કર્યા વિના પૂરેપૂરા સમર્પિતભાવથી સેવા આપી રહ્યા છે.

ગુજરાત બહારના આદિવાસી દુર્ગમ અને પહાડી રાજ્યોમાં કામ કરવાનો અનુભવ એવો પણ છે કે, આ વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિનું ધોવાણ થઈ રહ્યું છે. આ બાબતને નજર સમક્ષ રાખીને ભવનોનાં લોકાર્પણ સમયે સંદેશ આપીએ છીએ કે, આપણે સૌ ભારતીય છીએ. આપણે સૌ ભાઈઓ-બહેનો છીએ. આપણા સૌના સહકાર અને વિકાસ થકી જ રાષ્ટ્રનો સાચો વિકાસ થશે. આથી આ કાર્ય માટે રાત-દિવસ જોયા વિના કાર્યો કરીએ છીએ. આ રીતે સંસ્કૃતિ સંરક્ષણનો નમ્ર પ્રયાસ કરીએ છીએ.”