Page Views: 7093

લક્ષ્મી ડાયમંડ અને અનિલ બગદાણાને ત્યાં આઇ ટીની તપાસમાં ઇડી પણ જોડાય એવી સંભાવના

અનિલ બગદાણાના મેમણ વેપારી સાથે હવાલા કૌભાંડની વિગતો હાથ લાગ્યાની ચર્ચા

શરૂસુરત-વર્તમાન ન્યૂઝ.કોમ 

સુરતના ગજેરાબંધુઓના લક્ષ્મી ગ્રુપ અને બિલ્ડર અનિલ બગદાણાને  ત્યાં ઇન્કમટેક્સ વિભાગની DDI વિંગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ આજે ત્રીજા દિવસે પણ યથાવત્ રહી છે. વહેલી સવારથી જ આઈટી અધિકારીઓ ગજેરાબંધુઓની ઓફિસ અને નિવાસસ્થાને પહોંચી ગયા હતા. સતત 78 કલાકથી ચાલી રહેલી આ તપાસને પગલે શહેરના રિયલ એસ્ટેટ અને હીરા ઉદ્યોગમાં ફફડાટ વ્યાપી ગયો છે. જમીન લે-વેચમાં બેનામી વ્યવહારો ખૂલવાની શક્યતા છે. આઈટી વિભાગની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જમીન ખરીદીમાં ઇન્કમટેક્સ બચવા માટે આ ગ્રુપ દ્વારા મોટેપાયે અન્યોનાં નામે વેપલો કરવામાં આવતો હતો. ઉપરાંત અનિલ બગદાણા દ્વારા સુરતના જ એક મેમણ સાથે દુબઇથી હવાલા કૌભાંડ ચલાવવામાં આવતું હોવાની વિગતો પણ ડીડીઆઇ વિંગને હાથ લાગી છે. હવાલા નેટવર્કની વિગતો સામે આવતા ઇ.ડી.ના પણ કાન સરવા થઇ ગયા છે અને આગામી દિવસોમાં સંભવતઃ ઇડીના અધિકારીઓ પણ તપાસમાં જોડાય એવી સંભાવના છે. હાલમાં ગજેરા બંધુઓ અને અનિલ બગદાણાને ત્યાંની તપાસમાં વિભાગને થોકબંધ વાંધા જનક દસ્તાવેજો હાથ લાગ્યા છે અને મોટી માત્રામાં રોકડ રકમ પણ મળી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.