સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
બાજખેડાવાડ બ્રાહ્મણ સમાજના બ્રેઈનડેડ હાર્દિક નવીનચંદ્ર શેલત ઉ.વ. ૪૦ ના લિવર, કિડની અને ચક્ષુઓનું દાન, શેલત પરિવારે ડોનેટ લાઈફના સંસ્થાના માધ્યમથી કરી પાંચ વ્યક્તિઓના જીવનમાં ખુશીના રંગો પૂર્યા.
નિ:સ્વાર્થ માનવ સેવાનું બેનમુન ઉદાહરણ હાર્દિકની ધર્મપત્ની નીમા અને તેના વૃદ્ધ માતા-પિતા એ પૂરું પાડ્યું.
ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ બારસો થી વધુ વ્યક્તિઓને નવુંજીવન આપવામાં સફળતા મળી છે.
૬, યતકૃપા રેસીડન્સી, બંસરી પાવન ફ્લૅટની સામે, આણંદ ખાતે પોતાના પરિવાર સાથે રહેતો અને ૧૦૦ ફૂટ રોડ નવજીવન ઓર્થોપેડિક હોસ્પિટલ ની સામે પ્રોવિઝન સ્ટોર ચલાવી પોતાના પરિવારનું ભરણપોષણ કરતો હાર્દિક, સોમવાર તા. ૧૦ માર્ચના રોજ મોર્નિગ વોક કરીને આવ્યા બાદ નાસ્તો કર્યા પછી સ્નાન કરવા માટે ગયો હતો, અડધો કલાક પછી પણ તે બાથરૂમ માંથી બહાર નહીં આવતા તેની ગર્ભવતી પત્નીએ બાથરૂમનો દરવાજો ખખડાવતા દરવાજો ખુલી ગયો અને જોયું તો હાર્દિક બેભાન અવસ્થામાં હતો. પરિવારજનોએ તેને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સમાં આઇરીશ હોસ્પીટલમાં ફીઝીશિયન ડૉ. પાર્થ શાહ ની સારવાર હેઠળ દાખલ કરી, સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે CT સ્કેન કરાવતા નાના મગજમાં હેમરેજ હોવાનું નિદાન થયું હતું.
તા. ૧૩ માર્ચ ના રોજ ન્યુરોસર્જન ડૉ. સચિન પટેલ, ન્યુરોફીઝીશિયન ડૉ. હિમાંશુ પટેલ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. નિતાંત ત્રિવેદી, મેડિકલ ડિરેક્ટર ડૉ. મેહુલ પટેલ અને ફિઝીશિયન ડૉ. પાર્થ શાહે હાર્દિકને બ્રેઈનડેડ જાહેર કર્યો.
આયરીશ હોસ્પીટલના ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. નિતાંત ત્રિવેદી એ ડોનેટ લાઈફના સ્થાપક નીલેશ માંડલેવાલા નો ટેલીફોનીક સંપર્ક કરી હાર્દિકના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.
ડોનેટ લાઈફ આણંદની ટીમના નિખિલ શાસ્ત્રી, નીશીલ પટેલે (પપ્પુભાઈ) હોસ્પિટલ પહોંચી હાર્દિકના પિતા નવીનચંદ્ર, માતા દક્ષાબેન, તેમજ શેલત પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. પરંતુ અંગદાન અંગે કાયદાકીય રીતે હાર્દિકની પત્ની નીમા ની સંમતી લેવી જરૂરી હતી. હાર્દિકની પત્ની નીમા એ ૧૨ માર્ચના રોજ આકાંક્ષા હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો હતો. આથી ડોનેટ લાઈફની ટીમ હાર્દિકના માતા – પિતા સાથે આકાંશા હોસ્પિટલ પહોંચી નીમા ને તેના પતિ હાર્દિક ના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી, અંગદાનનું મહત્વ સમજાવી જણાવ્યું કે જો તે હાર્દિકના અંગદાન અંગે સંમતી આપે તો પાંચ થી સાત અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળી શકે.
ખુબ જ કઠણ હૃદયે હાર્દિક ની ધર્મપત્ની નીમા તેમજ તેના વૃદ્ધ માતા પિતાએ જણાવ્યુ કે, બનવાકાળ જે ઘટના બનવાની હતી તે બની ગઈ છે, મારા પતિ/પુત્ર બ્રેઇનડેડ છે, અંગદાનનું કાર્ય ઈશ્વરીય કાર્ય છે. શરીર તો રાખ જ થઇ જવાનું છે, મારા પતિ/પુત્ર ના જેટલા પણ અંગોનું દાન થઇ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. હાર્દિકના પરિવારમાં તેની ધર્મપત્ની નીમા ઉ.વ.૩૮, એક દિવસય પુત્રી, વૃદ્ધ પિતા નવીનચંદ્ર ઉ.વ.૭૪ કે જેઓ PWD માંથી જીવન જળસંપતિ નિગમમાથી ૨૦૦૬માં સ્વૈરછીક નિવૃતિ લીધેલ હતી, હાલમાં નિવૃત જીવન જીવી રહ્યા છે, તેમજ માતા દક્ષાબેન ઉ.વ.૭૧ કે જેઓ ભારતીય રેલ્વે માંથી વર્ષ ૨૦૧૩માં ચીફ ઓફિસ સુપ્રિટેન્ડન્ટ તરીકે નિવૃત થયા હતા. સલામ છે હાર્દિકની ધર્મ પત્ની નીમા તેના વૃદ્ધ માતા – પિતા નવીનચંદ્ર અને દક્ષાબેન ને આવી દુ:ખ ની ઘડીમાં માનવતા ની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવવા બદલ.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય અમદાવાદની યુ એન મેહતા હોસ્પિટલને, ફેફસા અમદાવાદની કે. ડી હોસ્પિટલને, લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને, બે કિડની માંથી એક કિડની અમદાવાદની એપોલો હોસ્પિટલ અને બીજી કિડની વડોદરાની ઝાયડસ હોસ્પિટલ ને ફાળવવામાં આવી.
હૃદય, ફેફસા, લિવર અને કિડનીનું દાન મેળવવા માટે અમદાવાદની યુ. એન મેહતા, કે ડી હોસ્પિટલ અને ઝાયડસ હોસ્પિટલના ડોકટરોની ટીમ આણંદની આયરીશ હોસ્પિટલ પહોચી હતી પરંતુ હૃદય અને ફેફસાનું દાન મેડીકલ કારણોસર થઈ શકયું ન હતું.
લિવર અને કિડનીનું દાન અમદાવાદની ઝાયડસ હોસ્પીટલના ડૉ. યશ પટેલ, ડૉ. મયુર પટેલ અને ટ્રાન્સપ્લાન્ટ કૉ – ઓર્ડીનેટર રાજુભાઈ ઝાલા એ આણંદની આયરીશ હોસ્પિટલ પહોચી સ્વીકાર્યું.
દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી ૪૭ વર્ષીય મહિલામાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં કરવામાં આવ્યું.
દાનમાં મેળવવામાં આવેલી બે કિડની માંથી એક કિડની નું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી ઉ.વ. ૩૧ વર્ષીય મહિલામાં અમદાવાદની એપોલો હોસ્પિટલમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ લુણાવાડાની રહેવાસી ઉ.વ. ૪૯ વર્ષીય મહિલામાં વડોદરાની ઝાયડસ હોસ્પિટલમાં કરવામાં આવ્યું. ચક્ષુઓનું દાન આણંદની સંકરા આઈ હોસ્પીટલે સ્વીકાર્યું.
લિવર અને કિડની સમયસર રોડ માર્ગે અમદાવાદ પહોચાડવા માટે આણંદની આઈરીશ હોસ્પિટલ થી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર આણંદ શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસના સહકારથી બનાવવામાં આવ્યો હતો જેમાં આણંદના પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણીનો સહકાર સાંપડ્યો હતો.
શેલત પરિવારના અંગદાનના કાર્યને બિરદાવી હાર્દિકની ૧૨ માર્ચના રોજ જન્મેલી પુત્રીના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી ચરોતર વિદ્યામંડળના પ્રમુખ ભીખુભાઈ પટેલ અને ઉપપ્રમુખ મનીષભાઈ પટેલે સ્વીકારી હતી.
ઉલ્લેખનીય છે કે આણંદની આયરીશ હોસ્પિટલ થી સૌ પ્રથમ વખત અંગદાન કરાવવામાં આવ્યું હતું, અંગદાન કરાવતા પહેલા હોસ્પિટલ નું ઓર્ગન & ટીસ્યુ રીટ્રાઈવલ હોસ્પિટલ (OTRH) તરીકેનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી હતું.
આ રજીસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર હર્ષા સીકડાર સાથે રહી કરી હતી, જેમાં આણંદના સાંસદ મીતેશભાઇ પટેલ (બકાભાઈ) નો સહકાર સાંપડ્યો હતો.
માનવતાના આ મહાયજ્ઞમાં અમુલ્ય અંગોનું દાન આપનાર પુણ્ય નિષ્ઠ સ્વ. હાર્દિક નવીનચંદ્ર શેલત ઉ.વ. ૪૦ ના પરિવારની ડોનેટ લાઈફ ભાવ વંદના કરે છે. તેમના પરિવારજનોને તેમના આ સેવાકીય સંકલ્પ બદલ ઋણ સ્વીકાર કરીએ છીએ.
અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં હાર્દિક ની ધર્મપત્ની નીમા, પિતા નવીનચંદ્ર, માતા દક્ષાબેન, સાળી કીર્તિકા પંડ્યા, નીમા ના માતા-પિતા તેમજ શેલત પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ. સચિન પટેલ, ન્યુરોફીઝીશિયન ડૉ. હિમાંશુ પટેલ, મેડિકલ ડિરેક્ટર ડૉ. મેહુલ પટેલ, ફિઝીશિયન ડૉ. પાર્થ શાહ અને ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. નિતાંત ત્રિવેદી, મેડિકલ એડમિનિસ્ટ્રેટર હર્ષા સીકડાર, આયરીશ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના ટ્રસ્ટી પ્રકાશ પટેલ (ઓડ), ડોનેટ લાઈફ આણંદ ટીમના સુનીલ શાહ (બોરીયાવી), નિખિલ શાસ્ત્રી, નીશીલભાઈ (પપ્પુ) પટેલ, શૈલુભાઈ પટેલ (કોમ્ફી), કિરણભાઈ પટેલ (કોમ્ફી), મનીષભાઈ પટેલ (ચારુતર વિદ્યામંડળ), પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, નિહીર પ્રજાપતિ, હર્ષ સિન્હા, ભરતભાઈ ત્રિવેદી, જતીનભાઈ કાપડિયા નો સહકાર સાંપડ્યો હતો.
ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૩૦૬ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં ૫૩૦ કિડની, ૨૩૦ લિવર, ૫૫ હૃદય, ૫૨ ફેફસાં, ૯ પેન્ક્રીઆસ, ૮ હાથ, ૧ નાનું આતરડું અને ૪૨૧ ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ ૧૨૦૨ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
અંગદાન… જીવનદાન…
• Share •