Page Views: 7734

ચેમ્બર ઓફ કોમર્સ અને BIS ના સંયુક્ત ઉપક્રમે ‘ઈન્સ્યુરીંગ સેફ્ટી અને કોમ્પ્લાયન્સ’ વિષે સેશન યોજાયું

એક સર્વેક્ષણ અનુસાર માત્ર 60% ગ્રાહકો જ વિદ્યુત ઉપકરણોની ખરીદી કરતી વખતે BIS પ્રમાણપત્ર માટે સક્રિયપણે તપાસ કરે છે, જે વધુ જાગૃતિની જરૂરિયાત દર્શાવે છે : ચેમ્બરના માનદ્ મંત્રી નિરવ માંડલેવાલા

સુરતઃ વર્તમાન ન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડસ (BIS)ના સંયુક્ત ઉપક્રમે મંગળવારે, તા. ૨૨ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ સાંજે ૦૫:૩૦ કલાકે, સંહતિ, સરસાણા, સુરત ખાતે ‘ઈન્સ્યુરીંગ સેફ્ટી અને કોમ્પ્લાયન્સ’ વિષય પર અવેરનેસ સેશન યોજાયું હતું, જેમાં બીઆઈએસ સુરતના જોઈન્ટ ડિરેક્ટર શ્રી નિખિલ રાજ અને બીઆઈએસ સુરતના ડેપ્યુટી ડિરેક્ટર શ્રી ધનરાજ કરાડે ઉદ્યોગ સાહસિકોને બીઆઈએસના નિયમો, ધોરણો અને ઉદ્યોગમાં ઈલેક્ટ્રીકલ પ્રોડક્ટ્સ વિશે લેવાની તકેદારી અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, BIS (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ) એ ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે, જેની સ્થાપના ઉત્પાદનો જરૂરી ગુણવત્તા અને સલામતી માપદંડોને પૂર્ણ કરે છે તેની ખાતરી કરવા માટે કરવામાં આવી છે. વિદ્યુત ઉત્પાદનો માટે BIS ધોરણોનું પાલન ન કરવાથી આગના જોખમો, વિદ્યુત આંચકા અથવા સાધનોની નિષ્ફળતા સહિતના ગંભીર પરિણામો આવી શકે છે.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રહેણાંક અને વ્યાપારી જગ્યાઓમાં આગ સંબંધિત 30% થી વધુ ઘટનાઓ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટને કારણે થઈ છે, જે સલામતી ધોરણોનું પાલન કરવાની મહત્વપૂર્ણ જરૂરિયાતને પ્રકાશિત કરે છે.  BIS પ્રમાણપત્ર હવે 200 થી વધુ વિદ્યુત ઉપકરણો માટે ફરજિયાત છે, તે સુનિશ્ચિત કરે છે કે ઉત્પાદનો ઉચ્ચતમ સલામતી અને પ્રદર્શન ધોરણોને પૂર્ણ કરે છે. ભારત વાર્ષિક ધોરણે 8 બિલિયન ડોલર મૂલ્યના વિદ્યુત ઉપકરણોની નિકાસ કરે છે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો માટે દેશની વૈશ્વિક પ્રતિષ્ઠા જાળવવામાં BIS ધોરણોનું પાલન નિર્ણાયક ભૂમિકા ભજવે છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીના એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, માત્ર 60% ગ્રાહકો જ વિદ્યુત ઉપકરણોની ખરીદી કરતી વખતે BIS પ્રમાણપત્ર માટે સક્રિયપણે તપાસ કરે છે, જે વધુ જાગૃતિની જરૂરિયાત દર્શાવે છે.  શ્રી નિખિલ રાજે જણાવ્યું હતું કે, બીઆઈએસના તમામ પ્રોડક્ટની ટેકનિકલ ડિવિઝનલ કાઉન્સિલ દ્વારા બનાવવામાં આવતી હોય છે. બીઆઈએસ દ્વારા ૨૩,૦૦૦ થી વધુ સ્ટાન્ડર્ડ્સ બનાવ્યા છે. આ સ્ટાન્ડર્ડસમાં પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ્ અને મેથડ ઓફ ટેસ્ટ જેવા સ્ટાન્ડર્ડ્નો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૨૩-૨૪માં અંદાજે ૯૨૦ નવા સ્ટાન્ડર્ડ્સ બન્યા છે. જેમાં આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે બીઆઈએસના વિવિધ સર્ટિફિકેશન અને ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર વિશેની માહિતી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ફોરેન મેન્યુફેક્ચર્સ સ્કીમમાં સિમેન્ટ, સ્ટીલના પ્રોડક્ટ, વુડના પ્રોડક્ટ, થર્મોમીટરની સાથે જ ટેક્ષ્ટાઈલના અનેક પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. બીઆઈએસએ દેશમાં લેબોરેટરી રિકોગ્ઝનાઈઝેશન સ્કીમ પણ અમલી બનાવી છે, જે અન્ય લેબોરેટરીઝને પ્રોડક્ટનું પરીક્ષણ કરવાની પરવાનગી આપે છે.શ્રી ધનરાજ કરાડેએ જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રીકલ પ્રોડક્ટ્સના સેફ્ટી સ્ટાન્ડર્ડ્માં બે પ્રકાર આવે છે. પ્રથમ રૂટિન ટેસ્ટ (જે દરેક પ્રોડક્ટ પર કરવામાં આવે છે.) અને ટાઈપ ટેસ્ટ (જે પ્રોડક્ટમાં અથવા પ્રોસેસમાં મોડિફિકેશન થાય તો કરવામાં આવે.) હોમ અપ્લાયન્સ અને ઉદ્યોગના સ્થળે રૂટિન ટેસ્ટથી સુરક્ષા જળવાઈ રહે છે. રૂટિન ટેસ્ટમાં અર્થકન્ટીન્યુટી ટેસ્ટ, ઈલેક્ટ્રીકલ સ્ટ્રેન્થ ટેસ્ટ, ફંક્શનલ ટેસ્ટ અને પ્રોટેક્શન અગેનસ્ટ ઈલેક્ટ્રીકલ શોક તેમજ પ્રોવિઝન ઓફ આર્થિંગનો સમાવેશ થાય છે. ટાઈપ ટેસ્ટનો ઉપયોગ સૌથી વધુ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ કરે છે. તેમણે વધુમાં વિવિધ પ્રોડક્ટની માર્કિંગ ફી વિશે માહિતી આપી હતી. ચેમ્બર ઓફ કોમર્સ પૂર્વ પ્રમુખ શ્રી દિલીપ ચશ્માવાલા, ચેમ્બરના સભ્યો અને ઉદ્યોગ સાહસિકો આ સેશનમાં ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બરની બુલિયન કમિટીના ચેરમેન શ્રી નૈનેશ પચ્ચીગરે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. બીઆઈએસ સુરત ઓફિસના સીનિયર ડાયરેક્ટર એન્ડ હેડ શ્રી એસ.કે. સિંઘએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતે, ઉપસ્થિતોના તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબ વક્તાશ્રી દ્વારા આપવામાં આવ્યા હતા. ચેમ્બરની રિટેઈલ ટ્રેડ કમિટીના ચેરમેન શ્રી પ્રમોદ ભગતે ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો અને ત્યાર બાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.