Page Views: 9393

અંકલેશ્વરમાંથી વધુ રૂ.250 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ

સુરત અને ભરૂચ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ત્રણ આરોપી ઝડપાયા- એમ ડી ડ્રગ્સનું રો મટીરીયલ હોવાની આશંકા- તમામ જથ્થો એફએસએલમાં મોકલાયો

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

રાજ્યમાં ડ્રગ્સનો કારોબાર બેફામ પણે વધી રહ્યો હોય એમ લાગી રહ્યું છે. ખાસ કરીને દરિયા કિનારા ઉપરાંત અંકલેશ્વર, ભરૂચ સહિતના સેન્ટરોમાંથી પણ ડ્રગ્સનો જથ્થો મોટી માત્રામાં મળી રહ્યો છે. સુરત અને ભરૂચ પોલીસે અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલા અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં દરોડા પાડ્યા હતા. આ કંપનીમાંથી પોલીસને ડ્રગ્સનો મોટો જથ્થો હાથ લાગ્યો છે. આ નશીલા પદાર્થની અંદાજીત કિંમતમાં રૂ.250 કરોડ જેટલી થાય છે. હાલમાં પોલીસે આ તમામ જથ્થો જપ્ત કરી અને તેને ચકાસણી માટે એફએસએલમાં મોકલી આપ્યો છે. સાથો સાથ પોલીસે ત્રણ આરોપીને પણ ઝડપી પાડ્યા છે અને તેમની હાલમાં પુછપરછ કરવામાં આવી રહી છે. દરિયા કિનારા ઉપરાંત રાજ્યના નાના મોટા શહેરોમાંથી પણ ડ્રગ્સ ઝડપાવાનો સીલસીલો યથાવત રહ્યો છે અને તેના કારણે ગુજરાત એ ડ્રગ્સ માફીયાઓ માટે સિલ્ક રૂટ બની ગયો હોય એવુ લાગી રહ્યું છે ત્યારે રાજ્યની પોલીસ સહિતની અલગ અલગ બ્રાન્ચના અધિકારીઓની પણ ડ્રગ્સ માફીયાઓ કસોટી કરી રહ્યા હોય એવુ લાગી રહ્યું છે. ઉપરાંત પોલીસ સામે મોટી ચેલેન્જ હાલમાં ડ્રગ્સ ટ્રાફીકિંગ રોકવાની છે. હાલમાં પોલીસ દ્વારા અવરસ એન્ટરપ્રાઇઝમાંથી ઝડપાયેલા ડ્રગ્સના જથ્થા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી  છે.