સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
ગુજરાતની સહકારી બેંકોમાં અગ્રીમ સ્થાન ધરાવતી ધી વરાછા કો-ઓપ. બેંક લી., સુરત દ્વારા તા. ૦૧/૦૯/૨૦૨૪ રવિવારના રોજ બેંકના આધુનિક વહીવટી ભવન “સહકાર ભવન” ખાતે બેન્કના કર્મચારી માટે “તંદુરસ્તી અને કાર્યક્ષમતા” ના વિષય પર વિશેષ સેમીનાર નું આયોજન કરેલું હતુ.
આ વખતે બેંક દ્વારા કર્મચારીની તંદુરસ્તી અને કાર્યક્ષમતા માટે ચિંતન કરી ખાસ તેમની હેલ્થ અને હેપ્પીનેસ સેમિનારનું મુખ્ય કેન્દ્ર હતું. સેમિનારની શરૂઆતમાં દરેક કર્મચારીઓ માટે ફળાહારની વ્યવસ્થા કરેલ હતી.
આ સેમિનારમાં તંદુરસ્તીની કાર્યક્ષમતા પર પ્રભાવ વિશે વક્તાશ્રી ડો. મુકુંદ સુવાગિયા, (M.D હોમિયોપેથી) દ્વારા ખૂબ સરસ વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, આપણી મનોસ્થિતિ આપણી તંદુરસ્તી અને કાર્યક્ષમતાને અસર કરે છે. સંજોગોને અનુરૂપ રહીને તે મુજબ મનોસ્થિતિ વિકસિત કરવાથી તંદુરસ્તી પણ જળવાઈ અને કાર્યક્ષમતા પણ જળવાઈ રહે છે. આ સાથે બીજા સેશનમાં “કાર્યક્ષમતામાં વૃદ્ધિ” વિષયનો હેતુ જણાવતા બેંકના જનરલ મેનેજર શ્રી વિઠ્ઠલભાઈ ધાનાણીએ કહ્યું હતું કે, બેંકનું મિશન વર્ષ 2030 સુધીમાં 10,000 કરોડની થાપણ માટે સૌ સાથે મળીને સહિયારા પ્રયાસો થકી હાસિલ કરશું. બીજા સેશનના મુખ્ય વક્તા જેમની કીર્તિ “સહકારિતા બંધુ” તરીકે ખ્યાતનામ છે એવા વરાછા બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, VCB ટીમ એ જ બેંકની ખરી તાકાત છે. સૌ સાથે મળી આવનારા સમયમાં આવતા પડકારો સામે સજ્જ થઈ બેંકની પ્રગતિને વધુ વેગ આપીએ. કામ જરૂરી છે, પણ સાથે સાથે કર્મચારીની તંદુરસ્તી પણ જરૂરી છે. જેથી તણાવ મુક્ત થઈને આનંદની સાથે કામ કરી અને ગ્રાહકોને સકારાત્મક અભિગમ સાથે સેવા પૂરી પાડી બેન્કને દેશની સૌથી મોટી સહકારી બેંક બનાવવા માટેનું વિઝન આપ્યું હતું. આ વિશેષ સેમિનારમાં બેંકના વાઇસ ચેરમેનશ્રી જી.આર આસોદરીયા, ડિરેક્ટરશ્રી નરેન્દ્રભાઈ કુકડીયા, ડિરેક્ટરશ્રી જે કે. ભાઈ પટેલ, ડિરેક્ટરશ્રી કાંતિભાઈ મારકણા પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
બેંકના ડિરેક્ટરશ્રી દિલીપભાઈ વરસાણી અને ડિરેક્ટરશ્રી રાજેન્દ્રભાઈ બાંભરોલીયા દ્વારા બેંકના કર્મચારીઓ AGM શ્રી દિલીપભાઈ ભુવા, કો. ક્લાર્ક કું. શ્રેયાબેન વિરડીયા અને ક્લાર્ક શ્રી વિકાસભાઈ મોણપરા દ્વારા CAIIB પરીક્ષા પાસ કરતા તેઓને પુસ્તક અને ગિફ્ટ અર્પણ કરી સન્માન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. બેંકના ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી સુરેશભાઈ કાકડીયા દ્વારા આંકડાકીય માહિતી આપી બેંકની થાપણ વધારવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે આભાર વિધિ કરતાં ઉપસ્થિત વક્તા તેમજ ડિરેક્ટર્સશ્રીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
• Share •