Page Views: 9261

સમગ્ર ગુજરાતમાં આગામી છ દિવસ પડશે ધોધમાર વરસાદ- ભરૂચના વાલિયામાં આભ ફાટ્યુ

વાલીયામાં 12 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત

ગાંધીનગર-વર્તમાન ન્યૂઝ.કોમ

ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ દક્ષિણ ગુજરાતના મુશળધાર વરસાદ ખાબક્યો હતો. નવસારી જિલ્લાની પૂર્ણા અને અંબિકા નદીમાં ફરી ઘોડાપૂર આવ્યા હતા. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.સોમવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભરૂચના વાલિયામાં 11.69 ઈંચ વરસાદ નોંધાયો છે. ભરૂચના વાલિયામાં ધોધમાર 12 ઈંચ વરસાદ ખાબક્તાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ હતી. જેના લીધે વાલિયાના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. દોલતપુર ગામને જોડતા કોઝ-વે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સોડગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હોવાથી વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. ભારે વરસાદના પગલે વાલિયાના નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા, જે ભરૂચ તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીમાં નવા નીરની આવક થતાં વાલિયાના દેસાડ અને સોડગામ પણ બેટમાં ફેરવાયા હતા. વનખાડી અને કીમ નદીના પાણી ફરી વળ્યા હતા. જ્યારે તાપીના સોનગઢમાં 10 ઈંચ, વ્યારામાં 9 ઈંચ, માંગરોળમાં 7.6 ઈંચ, વઘઈમાં 7.6 ઈંચ, ભરૂચમાં 7.2 ઈંચ, તિલકવાડામાં 7 ઈંચ, ઉચ્છલમાં 6.9 ઈંચ, ડોલવણમાં 6.7 ઈંચ, નડિયાદમાં 6.7 ઈંચ, વાંસદામાં 6.5 ઈંચ અને સુબીરમાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં 15 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે 20 તાલુકામાં 3 ઈંચથી વધુ, 39 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 44 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.  બીજી એક સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાશે. તેના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં ત્રીજી સપ્ટેમ્બરથી 11મી સપ્ટેમ્બર સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમો બનતી જશે જે બાદમાં લો પ્રેશર, ડિપ ડિપ્રેશનમાં બનતા જશે. છઠ્ઠી સપ્ટેમ્બરથી 11મી સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. ત્રીજી સપ્ટેમ્બર : છોટા ઉદેપુર, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ. બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ. ચોથી સપ્ટેમ્બર: ભરૂચ, સુરતમાં રેડ   એલર્ટ. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ ઉપરાંત આગામી પાંચમી સપ્ટેમ્બર  બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.