Page Views: 7798

ખાણ ખનિજ વિભાગના લાંચીયા અધિકારી નરેશ જાનીને કાયમી ધોરણે નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો

અન્ય લાંચીયા અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ કડક પગલા લેવામાં આવશે

ગાંધીનગર-વર્તમાન ન્યૂઝ.કોમ

સુરતના ભાઠા વિસ્તારમાં રોયલ્ટી પરમિટ આધારે રેતી ખનનનું કામ કરતા ‘ધ સૂર્યપુર લેબર્સ એન્ડ વર્ક કો.ઓ. સોસાયટી’ના મેનેજરે એસીબીને ફરિયાદ કરી હતી કે, ખાણ-ખનિજ વિભાગના ફ્લાઈંગ સ્કવૉડના મદદનીશ નિયામક નરેશ જાની અને વચેટિયો કપિલ પ્રજાપતિ ખનનની કામગીરીમાં હેરાન નહીં કરવા પેટે 2 લાખની લાંચ માગે છે. આ ફરિયાદના આધારે ગત 11 જૂનના રોજ સુરત ખાતે 2 લાખની લાંચ સ્વીકારતા કપિલ પરસોત્તમભાઈ પ્રજાપતિને એસીબીની ટીમે રંગે હાથ પકડ્યો હતો. રાજ્ય સરકારે નરેશ જાનીને નોકરીમાંથી કાયમ માટે બરતરફ કરવાનો નિર્ણય લીધો છે. જેના પગલે લાંચીયા અધિકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોએ નોંધેલા એક લાંચ કેસમાં ગુજરાત સરકારે વર્ગ 1ના અધિકારીની સેવા સમાપ્ત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગત જૂન મહિનામાં વચેટિયા થકી 2 લાખ રૂપિયાની લાંચ લેવાનો કેસ ખાણ ખનિજ વિભાગના મદદનીશ નિયામક-ફ્લાઈંગ સ્કવૉડ સુરત નરેશ જાની સામે નોંધાયો હતો. વચેટિયા કપિલ પ્રજાપતિની ધરપકડ બાદ ફરાર થઈ ગયેલા નરેશકુમાર માવજીભાઈ જાની ગત 29 જુલાઈના રોજ અદાલત સમક્ષ હાજર થતા સુરત એસીબીએ તેની ધરપકડ કરી હતી. લાંચ કેસની તપાસમાં સામે આવેલી બાબતો અંગે એસીબીએ સરકારના સંલગ્ન વિભાગમાં અહેવાલ પાઠવ્યો હતો અને જેના આધાર પર અજમાયશી ક્લાસ વન અધિકારી નરેશ જાનીની ફરજ સમાપ્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં નરેશ જાની જેવા અન્ય અધિકારી કર્મચારીઓ સામે પણ સરકાર કડક પગલા ભરશે.