નવી દિલ્હી- વર્તમાન ન્યૂઝ.કોમ
દેશભરમાં ભારે વરસાદી માહોલ વચ્ચે હવે ભૂકંપ આવતા લોકોમાં વધુ ભયનો માહોલ ફેલાયો છે. અફઘાનિસ્તાનથી શરૂ થયેલા ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે છેક દિલ્હી એનસીઆરથી લઈને જમ્મુ-કાશ્મીર તથા પાકિસ્તાન સુધી હચમચી ગયા હતા. ભૂકંપની તીવ્રતા 5.7 મપાઈ હતી જેને લઈને લોકોમાં ડર ફેલાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં પૃથ્વીના પેટાળમાં 255 કિ.મી.ની ઊંડાઈએ હતું. આ ભૂકંપ સવારે લગભગ 11 વાગ્યે આવ્યો હતો. જોકે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. તેમ છતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. દિલ્હી, જમ્મુ-કાશ્મીર, ગુજરાત જેવા રાજ્યોમાં હાલ ભારે વરસાદ પહેલાથી જ તાંડવ મચાવી રહ્યો છે ત્યારે આ નવી આફતથી લોકોમાં ડર ફેલાઈ ગયો છે. દિલ્હીમાં પણ ઠેર ઠેર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ડરના માર્યા ઘર-ઓફિસોની બહાર દોડી આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં અગાઉ પણ 3 વખત ભૂકંપના આંચકા આવી ચૂક્યા છે.
• Share •