સુરતઃ વર્તમાન ન્યૂઝ.કોમ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા, ૨૭ ઓગષ્ટ ૨૦૨૪ના રોજ સાંજે ૦૫:૩૦ કલાકે, સેમિનાર હોલ-એ, સરસાણા, સુરત ખાતે ‘Family Business – Understanding Challenges – From Founder to Sibling and Cousins’ વિષય પર સેમિનાર યોજાયો હતો, જેમાં રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શ્રીમતી આર. ડી. ગાર્ડી ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના પ્રોફેસર ડો. હિતેશ શુક્લએ કૌટુંબિક વ્યવસાયમાં આવતા પડકારો વિશે ઉદ્યોગ સાહસિકોને વિસ્તૃત માહિતી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, એક અભ્યાસ અનુસાર, ફેમિલી બિઝનેસ ભારતના જીડીપીમાં લગભગ ૭૯ ટકા અને રોજગારમાં લગભગ ૭પ ટકા યોગદાન આપે છે. સુરતના પારિવારિક વ્યવસાયો શહેરના અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપે છે. ખાસ કરીને ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ બિઝનેસમાં સુરતના વિવિધ કુટુંબો સામેલ છે. સુરતના કેટલાક પારિવારિક વ્યવસાયોએ વૈશ્વિક સ્તરે ઇનોવેશન કરી બિઝનેસનું એકસપાન્શન કર્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કૌટુંબિક વ્યવસાયો ઘણીવાર પેઢીઓના સંદર્ભમાં વિચારે છે. સાથે જ ઘણીવાર મૂલ્યો, વિશ્વાસ અને સંબંધો પર ભાર મુકે છે. ઉત્તરાધિકાર આયોજનના પડકારોના આંકડા દર્શાવે છે કે માત્ર ૩૦ ટકા કૌટુંબિક વ્યવસાયો બીજી પેઢીમાં ટકી રહે છે અને માત્ર ૧ર ટકા વ્યવસાયો ત્રીજી પેઢી સુધી ટકી રહે છે.
ડો. હિતેશ શુક્લએ કૌટુંબિક વ્યવસાયમાં દાદા, દીકરાના દીકરાને અથવા દીકરીને ગ્રાન્ડ વેલ્યુઝ આપે છે. હાલમાં કૌટુંબિક વ્યવસાયને જાળવી રાખવામાં મહિલાઓનું પ્રમાણ વધી રહ્યું છે. કૌટુંબિક વ્યવસાયને ટકાવી રાખવામાં પરિવારના પુરૂષ સભ્યો કરતાં પુત્રવધુનો રોલ વધુ મહત્વનો હોય છે, તે બાબતને ધ્યાને રાખવી જોઈએ. બિઝનેસ સંભાળવાની સાથે જ ફેમિલી સાચવવી પણ એટલી જ મહત્વની હોય છે. કારણ કે, રિલેશનશિપનું રિએક્શન વ્યવસાય પર જોવા મળે છે. જેના કારણે બિઝનેસ નિષ્ફળ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કૌટુંબિક વ્યવસાયમાં મોટાભાગના નિર્ણયો મનથી લેવામાં આવે છે, પરંતુ તેમ ન કરતાં નિર્ણયો તાર્કિક રીતે લેવા જોઈએ. કૌટુંબિક વ્યવસાયમાં પ્રથમ પેઢી વ્યવસાયની સ્થાપના કરે છે, ત્યારે બીજા પેઢીને આગળ લઈ જવા માટે પોલિસી સ્ટ્રક્ચર હોવું જોઈએ. કૌટુંબિક વ્યવસાયમાં જ્યારે માલિકી બીજી પેઢીને આપવામાં આવે છે, ત્યારે વ્યવસાયમાં બધા સભ્યોનું યોગદાન સમાન હોવું જોઈએ. કૌટુંબિક વ્યવસાયમાં જે કૌશલ્ય ધરાવતા અને મહેનત કરતાં વ્યક્તિને પ્રાધાન્ય આપવું વધુ યોગ્ય છે.
કુંટુંબમાં જે સભ્યો વ્યવસાયમાં સંકળાયેલા છે અને જેઓ નથી તેમની વચ્ચે સંકલન રાખવું મહત્વનું હોય છે. વ્યવસાયમાં સ્ટાફ કર્મચારીઓ તથા કૌટુંબિક સભ્યોનું યોગ્ય મેનેજમેન્ટ કરી શકે છે, તે જ વ્યવસાયમાં વધુ સફળ થઈ શકે છે. વિશ્વમાં સૌથી વધુ કૌટુંબિક વ્યવસાયની વેલ્યુ જાળવી રાખતો દેશ જાપાન છે, જેમાં ૧૦૦ થી ૧૨૦ પેઢી જૂનો કૌટુંબિક વ્યવસાય જાળવી રાખતા પરિવાર જોવા મળે છે તેમ તેમણે જણાવ્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, EDII મેમ્બર શ્રી આનંદ વાઘેલા, ગ્રૃપ ચેરમેનશ્રીઓ અને કૌટુંબિક વ્યવસાયની સાથે સંકળાયેલા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુક્લએ ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. જ્યારે ગૃપ ચેરમેન શ્રી શૈલેષ દેસાઈએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ચેમ્બરની યુથ વિંગ કમિટીના કો-ચેરમેન ડો. વિજય રાદડીયાએ વક્તાનો પરિચય આપ્યો હતો. પ્રોફેસર ડો. હિતેશ શુક્લએ કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગ સાહસિકોના વિવિધ પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા હતા અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.
• Share •