સુરતઃ વર્તમાન ન્યૂઝ.કોમ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ધી પુરુષોત્તમ ફાર્મર્સ જિનીંગ એન્ડ પેસીંગ સો. લિ.ના સંયુકત ઉપક્રમે માલ્ટા, નેપાળ, ઇન્ડોનેશિયા અને બેલારૂસના ડિપ્લોમેટ્સ સાથે સુરતના ઉદ્યોગ સાહસિકોનો વાર્તાલાપ યોજાયો હતો. આ વાર્તાલાપમાં માલ્ટાના હાઇ કમિશ્નર હીઝ એકસીલન્સી મિ. રૂબેન ગૌસી, બેલારૂસના ફર્સ્ટ સેક્રેટરી મિ. અલિઝાન્ડર ઝાઇકો, ઇન્ડોનેશિયાના ટ્રેડ એટેચી મિ. મોહંમદ ઇકબાલ જમીલ અને નેપાળના મિનિસ્ટર ઇકોનોમિક શ્રી તારા નાથ અધિકારીએ સુરતના ઉદ્યોગ સાહસિકો સાથે વન ટુ વન મિટીંગ કરીને વિવિધ પ્રોડકટ અંગે એક્ષ્પોર્ટની શકયતાઓ વિશે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી. વિદેશી ડિપ્લોમેટ્સ દ્વારા સુરતના ઉદ્યોગ સાહસિકોને વિદેશમાં થતી ખેતીમાં ડાંગર, શેરડી અને કપાસના પાકો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને તેઓને એક્ષ્પોર્ટની નીતિઓ વિશે માહિતગાર કરાયા હતા. ધી પુરુષોત્તમ ફાર્મર્સ જિનીંગ એન્ડ પેસીંગ સો. લિ.ના પ્રમુખ શ્રી મનહરભાઇ પટેલે આ કાર્યક્રમમાં સર્વેને આવકારી સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગૃપ ચેરમેન સીએ મિતિષ મોદીએ વિદેશી ડિપ્લોમેટ્સ સાથેનો વાતચીતનો દોર સંભાળ્યો હતો. સુમુલ ડેરીના ડિરેકટર શ્રી જયેશ પટેલ, સાયણ સુગરના ચેરમેન શ્રી રાકેશ પટેલ તથા અન્ય સહકારી મંડળીઓના હોદ્દેદારો અને સભ્યો કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા. ધી પુરુષોત્તમ ફાર્મર્સ જિનીંગ એન્ડ પેસીંગ સો. લિ.ના ઉપ પ્રમુખ શ્રી અંકુર પટેલે સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.
• Share •