Page Views: 8632

ઉકાઇ ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાતા સુરતમાં કોઝવેની સપાટીમાં ઘટાડો

ડેમના કેચમેન્ટ એરિયામાંથી ઇન ફ્લો ઓછો થતા તંત્રએ રાહતનો દમ લીધો

સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ

ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં છેલ્લા એક સપ્તાહમાં પડેલા ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા પ્રકાશા અને હથનુર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતું હતું. ઉકાઇ ડેમનુ રૂલ લેવલ મેઇન્ટેન કરવા માટે ડેમમમાંથી સતત 2.40 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું . પરંતુ ડેમના કેચમેન્ટ એરિયામાં વરસાદનું જોર ઓછું થતા હવે ઉકાઇ ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે સુરત મહાનગર  પાલિકા તંત્રનું ટેન્શન ઘટ્યું છે. કાદરશાની નાળમાં ગટરના પાણી ઓસરી જતાં સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કોઝવેની સપાટી સાથે તાપી નદીની સપાટીમાં ઘટાડો થયો છે જેના કારણે હવે બપોર બાદ ફ્લડ ગેટ ખોલવા અંગે નિર્ણય કરાશે. તાપી નદી પર બનેલા ઉકાઈ ડેમમાંથી આજે સવારથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાતા સુરતના વિયર કમ કોઝવેની સપાટી 10.2 મીટરથી ઘટીને 9.50 મીટર પર સ્થિર થઈ છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા પાલિકા તંત્રને હાલ પુરતો રાહ થઈ છે. ફ્લડ ગેટ બંધ થવાથી કાદરશાની નાળમાં  ગટરના પાણી ભરાયા હતા તે પાણી હવે ઓસરવાનું શરૂ થતાં પાલિકા તંત્રએ યુધ્ધના ધોરણે સફાઈની કામગીરી હાથ ધરી છે.  સેન્ટ્રલ ઝોન  દ્વારા મોસામુહિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પારાવાર ગંદકી અને કાદવ - કિચ્ચડ વચ્ચે સેન્ટ્રલ ઝોન સહિત લિંબાયત અને ઉધના ઝોનના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ સફાઈ અભિયાન બાદ સમગ્ર વિસ્તારમાં જંતુનાશક દવાનો પણ છંટકાવ કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા લોકોને ખોટી અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા માટે પણ અપીલ કરવામાં આવી છે.