Page Views: 13927

ઉકાઇ ડેમમાંથી 2.47 લાખ ક્યુસેક પાણી છોડાતા સુરતમાં તાપી કિનારાના વિસ્તારોમાં પાણી ભરાયા

અડાજણ સરિતા સાગર સંકુલ સહિત વેડરોડ, કાદરશાની નાળ સહિતના વિસ્તારોમાં પાણી- પાણી

સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ

ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં  વિતેલા એક સપ્તાહથી સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઉકાઇના ઉપરવાસમાં આવતા પ્રકાશા ડેમ અને હથનુર ડેમમાં પાણીની આવક વધવાને કારણે  હથનુર અને પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં છેલ્લા ત્રણ દિવસથી 1.50 લાખથી લઈને 3.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સતત  પાણીની આવક થઈ રહી હોવાને કારણે  ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવું વહીવટી તંત્ર માટે મોટો પડકાર છે. સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે હાલમાં ઉકાઇ ડેમમાં જેટલો ઇન ફ્લો છે એટલો જ આઉટ ફ્લો રાખવામાં આવ્યો છે. હાલમાં ઉકાઇ ડેમમાંથી સતત 2.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતું હોવાનો કારણે સુરતમાં ગટરિયા પૂરની સ્થિતિ ઉદભવી છે અને અડાજણ તાપી કિનારા સહિત કેટલાક રસ્તાઓ પર ગોઠણસમાં પાણી ભરાયાં છે. સુરતના અડાજણ અને કતારગામ વિસ્તારના કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા રેવાનગર ખાતે પાણી ભરાવાના શરૂ થતાં પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. રેવાનગરનાં જે મકાનો છે તે તાપી નદીના ખૂબ જ કિનારે છે. એક તરફ ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે તાપી નદીના જળસ્તરમાં થતો વધારો તેમજ દરિયામાં ભરતીનો સમય એક સરખો થતા મુશ્કેલીમાં વધારો થઈ જાય છે. 25 ઓગસ્ટના દિવસે રાત્રે જ વહીવટી તંત્ર દ્વારા રેવાનગરના કુલ 27 પરિવારોને સ્થળાંતરિત કર્યા હતા. તેમજ ગઈકાલ રાતે વધુ ત્રણ પરિવારોને સ્થળાંતરિત કરતા કુલ 30 જેટલા પરિવારોને નજીકની શાળામાં રાખવામાં આવ્યા છે. શાળામાં જમવાની તેમજ આરોગ્યની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આજે પણ સવારે 30 પરિવારોએ શાળામાં જ પોતાની રાત વિતાવી હતી. સુરતના પંડોળ રોડ ઉપર પાણી ભરાયાં ​​​​​​ છે. ફ્લડ ગેટ બંધ કરતાં પાણી બેક મારી રહ્યાં છે. ગટરિયા પાણીના કારણે લોકોને મુશ્કેલી થઈ રહી છે. મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતાં ભારે હાલાકી છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં સતત પાણીની આવક છે. ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત્ છે. હાલ ડેમમાં પાણીની આવક 2,47,363 ક્યુસેક છે. જ્યારે ડેમમાંથી પાણીની જાવક પણ 2,47,363 ક્યુસેક છે. હાલ ડેમના 15 દરવાજા 10.5 ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમનું રૂલ લેવલ મેન્ટેઇન કરવા ડેમમાંથી પાણીની આવક અને જાવક સરખી રાખવામાં આવી છે. હાલ ડેમની સપાટી 336.41 ફૂટ પર પહોંચી છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે. જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવતા તાપી નદી બેકાંઠે વહી રહી છે. અડાજણ સરિતા સાગર સંકુલમાં ધીરે ધીરે પાણી ભરાવાનાં શરૂ થયાં છે. જ્યારે ઉકાઈ ડેમમાંથી 2.5 લાખથી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે છે ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની સામેનો જે તાપી નદીનો પટ છે ત્યાંથી પાણી શહેરમાં પ્રવેશતા હોય છે. જ્યારે પણ ઉકાઈ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવે છે ત્યારે અડાજણ વિસ્તારમાંથી શહેરની અંદર પાણી ભરાવાનાં શરૂ થઈ જતાં હોય છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાવવાને કારણે અડાજણ વિસ્તારમાં પણ તેની અસર દેખાઈ રહી છે. જો કે, હાલમાં શહેરીજનોએ કોઇ ચિંતા કરવાની આવશ્યકતા નથી. ઉકાઇ ડેમની સપાટી ઉપર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે તેમજ તેનું રૂલ લેવલ મેઇન્ટેન કરવા માટે તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે.