સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
ગુજરાતમાં છેલ્લા વીસ વર્ષથી અંગદાન ની જનજાગૃતિ માટે અને બ્રેઈન ડેડ વ્યક્તિના અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવાનું કાર્ય કરતી ડોનેટ લાઇફ સંસ્થાને અંગદાનના ક્ષેત્રમાં તેઓએ આપેલા ઉત્કૃષ્ટ યોગદાન માટે “સપોર્ટીંગ NGO” નો એવોર્ડ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ ના વરદ્દ હસ્તે ૧૪ માં ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે નિમિતે નેશનલ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (NOTTO) દ્વારા નવી દિલ્હીમાં યોજાયેલ રાષ્ટ્રીય કાર્યક્રમમાં એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલા, સહ માનદ્દ મંત્રી હિતેન્દ્ર મોદી, CEO અને ટ્રસ્ટી નિરવ માંડલેવાલા, ટ્રસ્ટીશ્રીઓ હેમંત દેસાઈ અને મિતેશ શાહે સ્વીકાર્યો હતો.
ઉલ્લેખનીય છે કે નિલેશ માંડલેવાલા દ્વારા વર્ષ ૨૦૦૫ માં જયારે ગુજરાતમાં અંગદાનની પ્રવૃતિની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે ગુજરાતમાં એક પણ ઓર્ગન રીટ્રાઈવલ સેન્ટર ન હતા, આજે ગુજરાતમાં ૧૦૦ ઓર્ગન રીટ્રાઈવલ સેન્ટર છે. વર્ષ ૨૦૦૫ માં ગુજરાતમાં ફક્ત અમુક હોસ્પિટલોમાં ફક્ત કિડનીનું જ ટ્રાન્સપ્લાન્ટ થતું હતું, આજે ગુજરાતમાં ૨૮ હોસ્પીટલોમાં કિડની ઉપરાંત લિવર, સ્વાદુપિંડ, હૃદય, ફેફસા અને ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ થાય છે. ગુજરાતની સિવિલ હોસ્પીટલોમાં મે ૨૦૧૭ સુધી અંગોના દાન થતા ન હતા, જુન ૨૦૧૭ માં ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા ગુજરાતમાં સુરતની સિવિલ હોસ્પીટલ થી સૌ પ્રથમ વખત અંગોના દાન કરાવવાની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૦ સુધી સુરતમાં ટ્રાન્સપ્લાન્ટની સુવિધા જ ન હતી, આજે સુરતમાં કિડની, લિવર અને હૃદયના ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ થઇ છે. જેનો લાભ સુરત અને દક્ષિણ ગુજરાતના અંગ નિષ્ફળતાના દર્દીઓને થઈ રહ્યો છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અંગદાનના ક્ષેત્રમાં અનેક માઈલસ્ટોન હાંસલ કરીને સુરત અને ગુજરાતને ગૌરવ આપવ્યું છે. આ સિદ્ધિઓ ગુજરાત રાજ્યમાં અંગદાન અને પ્રત્યારોપણમાં થયેલી પ્રગતિ દર્શાવે છે.
ડોનેટ લાઈફ સંસ્થાના ઉપક્રમે શહેર, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સર્વપ્રથમ થયા હોઈ તેવા અંગદાન
સુરત અને દક્ષિણ ગુજરાત થી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કુલ ૧૨૪૨ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં ૫૦૬ કિડની, ૨૨૧ લિવર, ૫૨ હૃદય, ૪૮ ફેફસાં, ૯ પેન્ક્રીઆસ, ૪ હાથ, ૧ નાનું આતરડું અને ૪૦૧ ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ ૧૧૪૨ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે. અંગદાન ની પ્રવૃત્તિ માટે રાષ્ટ્રીય સ્તરે આ એવોર્ડ મળવાના પ્રતિભાવ માં ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, આ સન્માન ડોનેટ લાઈફ સંસ્થાનું સન્માન નથી, પરંતુ આ સન્માન છે સુરત શહેર અને ગુજરાત રાજ્યનું, આ સન્માન છે તમામ અંગદાતાઓ અને તેમના પરિવારજનોનું, આ સન્માન છે સુરત અને દક્ષીણ ગુજરાતના ડોકટરો અને હોસ્પિટલો કે જેઓ રાત દિવસ જોયા વગર આ ઉમદા કાર્યમાં સતત સહયોગ આપી રહ્યા છે, આ સન્માન છે સુરત શહેર પોલીસ, સુરત ટ્રાફિક પોલીસ કે જેઓ વિવિધ અંગોને દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે ગ્રીન કોરીડોર માટે જે સહયોગ આપી રહ્યા છે, આ સન્માન છે સુરત સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પીટલના ડોકટરો કે જેઓ અંગદાતાઓનું પોસ્ટમોર્ટમ સમયસર રાત્રે કે દિવસે કરવા માટે જે સહયોગ આપી રહ્યા છે, આ સન્માન છે સુરત એરપોર્ટ ઓથોરીટી કે જેઓએ હૃદય, ફેફસા, હાથ જેવા મહત્વના અંગો દેશના વિવિધ રાજ્યોમાં કોમર્શીયલ વિમાન કે ચાર્ટર્ડ વિમાન મારફત સમયસર ટ્રાન્સપોર્ટ કરવા માટે જે સહયોગ આપી રહ્યા છે, આ સન્માન છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કે જેઓએ અંગદાતાના પાર્થિવ દેહને દેશના કોઈ પણ ખૂણે પહોંચાડવા માટે વિના મુલ્યે શબવાહિની ફાળવી જે સહયોગ આપી રહ્યા છે, આ સન્માન છે સુરત અને રાજ્યના પ્રેસ અને ઈલેકટ્રોનીક મીડિયા કે જેઓએ છેલ્લા ૨૦ વર્ષ થી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કરવામાં આવતી અંગદાનની પ્રવૃતિને જન જન સુધી પહોંચાડવા માટે સહયોગ આપી રહ્યા છે, આ સન્માન છે ડોનેટ લાઈફના સ્વયંસેવકો અને સ્ટાફ કે જેઓ રાત દિવસ જોયા વગર અંગદાનની પ્રવૃતિને વધુ ને વધુ વેગ આપવા માટે જે યોગદાન આપી રહ્યા છે તેઓનું સન્માન છે.
• Share •