Page Views: 9919

રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ

અમદાવાદ-સુરત સહિત મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો

ગાંધીનગર-વર્તમાન ન્યૂઝ.કોમ 

હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ગુજરાતમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગર માટે ભારે વરસાદની શક્યતા છે. આ સાથે જ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક યલો તો ક્યાંક ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આગાહી અનુસાર, વરસાદ વરસતો નથી. ત્યારે આજે ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ઓરેન્જ એલર્ટ જ્યારે મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એસ જી હાઇવેથી ગાંધીનગર સુધી બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે. અમદાવાદની સાથે સુરત, અમરેલી, જાફરાબાદ, જામનગર, ખેડા, રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે.  સુરતમાં મંગળવારે સવાર સુધીમાં વિતેલા બાર કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. તેમજ દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટા છવાયા ઝાપટા પડ્યા હતા. હજુ આગામી બે દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગનાં સ્થળો પર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે વહેલી સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં 75 મી.મી.(ત્રણ ઇંચ) જેટલો વરસાદ ખાબક્યો છે. જેના કારણે રસ્તા પર પાણી ભરાયા છે અને ટ્રાફીક જામના દ્વશ્યો સર્જાયા હતા. ધોધમાર વરસાદના લીધે વાહન ચાલકો મુશ્ક્લીમાં મુકાયા હતા. વહેલી સવારથી મેઘ મહેર થતાં ઓફિસે જવા નિકળેલા લોકો અટવાઇ ગયા હતા. હવામાન વિભાગે દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.