Page Views: 4841

વરાછા રોડ ખાંડ બજાર નજીક ભુવો પડતા ટ્રાફીક સમસ્યા સર્જાઇ

દર ચોમાસે શહેરમાં ભુવા પડે છે અને લોકો પરેશાન થાય છે પરંતુ પાલિકાના તંત્રના પેટનું પાણી નથી હલતું

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

સુરતમાં ચોમાસા પહેલાં પાલિકાએ પ્રિ-મોન્સુન કામગીરીમાં રીતસર વેઠ જ ઉતારી છે. જેનો ભોગ હવે શહેરીજનો બની રહ્યા છે. પાલિકાની બેદરકારીને કારણે  કારણે શહેરમાં અનેક જગ્યાએ રસ્તા તુટી જવાના બનાવ બની રહ્યાં છે. તો બીજી તરફ શહેરમાં અનેક જગ્યાએ ભુવા પડી રહ્યાં છે. અઠવા ઝોનના વેસુમાં ભુવા પડ્યા બાદ શહેરમાં અનેક જગ્યાએ ભૂવા પડતાં પાલિકાની કામગીરી સામે પ્રશ્નો થઈ રહ્યાં છે. આજે મંગળવારે સવારે સુરત શહેરના ટ્રાફિકથી ધમધમતા વરાછા રોડ સુર્યપુર ગરનાળા પાસે આવેલા ખાંડ બજાર વિસ્તારમાં ભુવો પડી ગયો છે. આ વિસ્તાર સતત ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે તેને તે સમયે જ ભુવો પડતાં વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો છે.  આ ભુવો પડતા પાલિકા તંત્રએ બેરિકેટિંગ કરી દીધું છે પરંતુ આસપાસથી જે વાહનો પસાર થાય છે તે ચાલકોને ભુવો મોટો થાય તેનો ભય સતાવી રહ્યો છે. સતત ટ્રાફિકથી ધમધમતા રોડ પર ભુવો પડતા ટ્રાફિક સમસ્યા વકરી રહી છે અને લોકોમાં પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. વરસાદના દિવસોમાં શહેરમાં ભુવા પડવાની સમસ્યા વકરી રહી છે અને પાલિકાના નઘરોળ તંત્રના અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી. નવાઇની વાત એ છે કે, પાલિકા કમિશનર પણ આ મામલે મૌન સેવી રહ્યા છે.