Page Views: 5490

ભાજપના ધારાસભ્યોએ અધિકારી રાજ સામે વિરોધ ગૃહમાં હોબાળો મચાવ્યો

સુરતના કુમાર કાનાણી અરવિંદ રાણા સહિતના એક ડઝન ધારાસભ્યોએ સરકાર સામે મોરચો ખોલ્યો છે

ગાંધીનગર-વર્તમાન ન્યૂઝ.કોમ

રાજ્યની રાજનીતિએ અલગ દિશા પકડી છે. સત્તાધારી પાર્ટીના ધારાસભ્યો એક પછી એક અધિકારીઓને નિશાન બનાવી રહ્યાં છે. લોકસભાની ચૂંટણી પછી ભાજપના 12 ધારાસભ્યોએ સરકાર અને સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો છે જેમાં યોગેશ પટેલ, ધવલસિંહ ઝાલા, અરવિંદ રાણા, કેતન ઇનામદાર, અભેસિંહ તડવી, અમૂલ ભટ્ટ, ડીકે સ્વામી, શામજી ચૌહાણ, કુમાર કાનાણી, જનક તળાવિયા, સંજય કોરડિયા અને હવે જીતુ સોમાણીનો સમાવેશ થાય છે. આ તમામ ધારાસભ્યોએ જાહેરમાં અધિકારીઓનો ઉધડો લઇ લીધો છે. આમ થવાનું મુખ્ય કારણ સરકાર તેમના પ્રતિનિધિઓનું જ સાંભળતી નથી. પ્રજાના ચૂંટાયેલા સભ્યો કરતાં સરકાર વધુ મહત્વ અધિકારીઓને આપી રહી છે. સચિવાલયની જેમ જ જિલ્લામાં અધિકારી રાજ ચાલી રહ્યું છે અને તેનો વસવસો આ ધારાસભ્યો જાહેરમાં વ્યક્ત કરી રહ્યાં છે. ગુજરાતના વિભાગો અને જાહેર સાહસોમાં ભ્રષ્ટાચાર એટલી હદે વકર્યો છે કે ભ્રષ્ટ અધિકારીને બચાવવા તપાસ અધિકારીઓ મેદાને પડયાં છે. આવા કેસોમાં હજી સુધી પ્રાથમિક તપાસ પણ પૂર્ણ થઇ નથી તેનું મુખ્ય કારણ એવું છે કે જે નિવૃત્ત અધિકારીને તપાસ સોંપવામાં આવે છે તે ભ્રષ્ટ અધિકારીને છાવરવાની પ્રવૃત્તિ કરે છે. સરકારી કચેરીઓમાં છેલ્લા ત્રણ વર્ષમાં ભ્રષ્ટાચારની 32,000 કરતાં વધુ ફરિયાદો થયેલી છે જે પૈકી 3300 અધિકારી-કર્મચારીઓ સામે પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે છતાં વિભાગો તરફથી પૂરતી માહિતી આપવામાં આવી નથી. છેલ્લા એક વર્ષમાં સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારની સૌથી વધુ 3000 ફરિયાદો શહેરી વિકાસ વિભાગમાં, 1800 મહેસૂલ વિભાગમાં અને 1200 ફરિયાદ પંચાયત અને ગૃહ વિભાગમાં સરખી જોવા મળી હતી, જ્યારે પ્રાથમિક તપાસના કુલ પડતર કેસો પૈકી સૌથી વધુ 450 મહેસૂલ, 370 શહેરી વિકાસ અને 350 પંચાયત વિભાગના છે. રાજ્યના શહેરી વિકાસના કાયદા વર્ષોથી અપડેટ થયાં નહીં હોવાથી સામાન્ય નાગરિકોને ન્યાય અપાવવામાં સરકાર ઉણી ઉતરી રહી છે. ફાયર સેફ્ટિની જેમ હોસ્પિટલ રેગ્યુલેશનને 13 વર્ષ, હોટલ રેગ્યુલેશને 8 વર્ષ, રેસિડેન્શિયલ ટાઉનશીપને 15 વર્ષ તેમજ વેસ્ટ ટુ એનર્જી પોલિસીને આઠ વર્ષનો સમય થઇ ચૂક્યો છે. એ ઉપરાંત જાહેર જમીનો પર આવેલી ઝૂંપડપટ્ટીઓનું પીપીપી દ્વારા પુનર્વસન કરવા માટેની નીતિ 11 વર્ષ જૂની છે અને ઝૂંપડાવાસીઓના પુનર્વસન એન્ડ પુનર્વિકાસ માટેના નિયમો 14 વર્ષ જૂના છે છતાં તેને સુધારવાની તસદી કોઇપણ અધિકારી કે મંત્રીએ લીધી નથી. રાજકોટમાં બનેલી અગ્નિકાંડની દુર્ઘટનાએ સાબિત કર્યું છે કે શહેરી વિકાસ વિભાગમાં હજી ઘણાં સુધારા કરવાની આવશ્યકતા છે, કારણ કે ગેમિંગ ઝોન અને એન્ટરટેઇનમેન્ટ ઝોન માટેના કોઇ કાયદાનો ઉલ્લેખ સરકારી ફાઇલોમાં જોવા મળ્યો નહીં હોવાથી હવે સરકાર તેનો સમાવેશ કરી રહી છે.