સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ
સુરતના સચિન વિસ્તારમાં પાલી ગામે 5 માળની ઇમારત ધરાશાયી થતા 7 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટના બાદ સુરત પાલિકાનું તંત્ર સફાળું જાગી ઉઠ્યું હોય એ રીતે કામે લાગ્યું છે. સુરત પાલિકાના લિંબાયત ઝોનના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે સ્થાનિક લોકોના વિરોધ વચ્ચે માનદરવાજાના જર્જરિત ટેનામેન્ટના નળ અને ગટર જોડાણ કાપવાનું શરૂ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી લિંબાયત ઝોનની ટીમ માન દરવાજા ખાતે પહોંચીને લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી. મોટાભાગના મકાનો ભાડેથી આપવામાં આવ્યા છે તો કેટલાક મકાન માલિકો ત્યાં રહે છે. તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે, પરંતુ ટેનામેન્ટની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાને કારણે તેમના ઉપર જીવનું સંકટ તોળાઈ રહ્યું હતું. આજે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લિંબાયત ઝોનના અધિકારીઓની ટીમ માન દરવાજા પહોંચી હતી અને લોકોના વિરોધ વચ્ચે નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરી દીધી હતી. માનદરવાજા ટેનામેન્ટને ખાલી કરાવવા જ્યારે પણ પાલિકાની ટીમ પહોંચી હતી, ત્યારે તેનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો હતો. વારંવાર રજૂઆત બાદ પણ સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરાતા પાલિકાની ટીમ પરત ફરી જતી હતી. પરંતુ આ વખતે સુરત પાલિકાના લિંબાયત ઝોને આજે 150 પોલીસનો બંદોબસ્ત અને 200થી વધુ પાલિકાના કર્મચારીઓ, સિક્યુરિટી સહિતનો સ્ટાફ સાથે માનદરવાજા ટેનામેન્ટ પહોંચી હતી. સવારથી જ પાલિકાએ આ જર્જરિત ટેનામેન્ટના નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરી હતી. ગરીબ- અસરગ્રસ્તોએ પાલિકાની આ કામગીરીનો વિરોધ કરીને પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા આપો પછી જ મકાન ખાલી કરીશું તેવી માગણી કરી હતી. પરંતુ આ વખતે પાલિકા તંત્ર મક્કમ છે અને કોઈ જોખમ લેવા માગતા ન હોવાથી નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરી હતી. બીજી તરફ રાજકીય લોકો દ્વારા પણ આ મામલે દખલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ અધિકારીઓ આજે કોઇની પણ વાત કાને ધરવા તૈયાર ન હતા અને તેમણે નળ અને ગટર જોડાણ કાપવાની કામગીરી જારી રાખી હતી.
• Share •