Page Views: 5315

રોટરી ડિસ્ટ્રિકટ 3060ના ડિસ્ટ્રિકટ ગવર્નર તુષાર શાહની પદગ્રહણ વિધિ સંપન્ન થઇ

રોટરી કલબ ઓફ સુરત તાપીના નવા વરાયેલા પ્રમુખ નિધી પચ્ચીગરે પણ હોદ્દો અખત્યાર કર્યો

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

ઉમરગામથી નડિયાદ, સમગ્ર સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોની ૧૦૫ કલબોના રોટરી ડિસ્ટ્રિકટ ૩૦૬૦ના ૨૦૨૪-૨૫ના ડિસ્ટ્રિકટ ગવર્નર તરીકે સુરતના તુષાર શાહનો પદગ્રહણ વિધિ સમારોહ રોટરી ઈન્ટરનેશનલના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ડીરેકટર રોટેરિયન એ. એસ. વેંકટેશના અતિથિ વિશેષ પદે પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે સંપન્ન થયો. આ સમારોહની સાથે સાથે રોટરી કલબ ઓફ સુરત તાપીના નવા વરાયેલા પ્રમુખ નિધી પચ્ચીગરે પણ હોદ્દો અખત્યાર કર્યો. 

આ પદગ્રહણ વિધિ સમારોહને સંબોધતા ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ડિરેકટર એ. એસ. વેંકટેશે જણાવ્યું હતું કે રોટરી એટલે જૉય ઓફ ગિવીંગ- આપવાનો આનંદ.પદ એ તો ટૂંકા સમય માટેનો આનંદ છે, અને તેથી ટૂંકા સમય માટેનો આ આનંદ છોડીને વાસ્તવિક ધરતી પર રહીને રોટરીના તમામ સાત મૂળભૂત કાર્યોને જો તમે જીવનનો ભાગ બનાવશો તો જીવન જીવવાનો આનંદ કંઇક ઔર જ હશે. જીવનમાં મારું મારું કરશો તો મરશો અને તારું તારું કરશો તો તરી જશો.આ સિદ્ધાંતને જો સૌ કોઇ અપનાવે તો નવા સમાજનું આપણે નિર્માણ કરી શકીશું. ડિસ્ટ્રિકટ ગવર્નર પદનો સ્વીકાર કર્યા બાદ તુષાર શાહે પોતાના સ્વીકૃતિ પ્રવચનમાં જણાવ્યું હતું કે રોટરીએ મારા જીવનને નવો વણાંક આપ્યો છે. હું જયારે જયારે પણ શિક્ષણ છોડી ગયેલા એક વિદ્યાર્થીને રોટરીના માધ્યમ દ્વારા ફરી પાછો શાળામાં ભણતો જોવ છું, ત્યારે તેનો આનંદ કંઇક અનેરો જ હોય છે.

જયારે જયારે પણ રોટરીના માધ્યમ દ્વારા આપવામાં આવેલ કૃત્રિમ પગને કારણે કોઇકને ચાલતો જોવ છું ત્યારે આંખ લાંગણીથી ભીની થઇ જાય છે. વરસતા વરસાદમાં કોઇકને રોટરી દ્વારા આપવામાં આવેલ રેઇનકોટ પહેરેલો જોવ છું ત્યારે લાગણીથી હૃદય ઉભરાઇ જાય છે. 

રોટરીએ મારી જિંદગી અર્થસભર બનાવી છે અને આવા સુંદર કાર્યો માટે મને નિમિત્ત બનાવ્યો તે માટે પ્રભુ તારો અંતઃકરણ પૂર્વક આભાર.

આ પ્રસંગે ડિસ્ટ્રિકટ ગવર્નર ઇલેકટ અમરદીપ બુનેટ (ભરૂચ), ડિસ્ટ્રિકટ ગવર્નર નોમિની નિલેશ શાહ (વાપી), તત્કાલીન ભૂતપૂર્વ ડિસ્ટ્રિકટ ગવર્નર નિહિર દવે (આણંદ) સહિત ભૂતપૂર્વ ડિસ્ટ્રિકટ ગવર્નરો શ્રીકાંત ઇન્દાની (દોંડાઇચા), સંતોષ પ્રધાન (સુરત), પ્રશાંત જાની (સુરેન્દ્ર નગર), અનિશ શાહ (વલસાડ), પિન્કીબેન પટેલ (બરોડા), રૂચિર જાની (વાપી), હિતેશ જરીવાલા (સુરત), પરાગ શેઠ (ભરૂચ), આશિષ અજમેરા (ધૂલે), ડૉ. સુરેન્દ્રસિંહ પરમાર (સરીગામ), કુલબંધુ શર્મા (સુરત), ડૉ. નિલાક્ષ મુફતી (વલસાડ), હિમાંશુ ઠક્કર (સુરત), ભરત સોલંકી (સુરત), દેવેન્દ્ર શાસ્ત્રી (સુરત) તેમજ ગુરપ્રિતસિંહ શેખોન ઉપસ્થિત રહ્યા હતા.  

આ સમારોહમાં રોટરી કલબ ઓફ સુરત તાપીના નવા પ્રમુખ તરીકે શિક્ષણવિદ નિધીબેન પચ્ચીગરે પણ હોદ્દાની ગુપ્તતાના શપથ લીધા હતા. ઇન્ટરેકટ ડિસ્ટ્રિકટ રિપ્રેઝન્ટેટીવ સ્નેહા બરદિયા અને રોટરેકટ ડિસ્ટ્રિકટ રિપ્રેઝન્ટેટીવ રોહિત અજમેરાએ આ સમારંભમાં ઉપસ્થિત રહીને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે રોટરી ડિસ્ટ્રિકટ 3060ના આદર્શ અને ઉત્તરદાયિત્વના પ્રતિબિંબ કરાવતા દર્પણ સમાગવર્નર મંથલી લેટરનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.