Page Views: 9160

મહાદેવ એપ કેસની તપાસનો રેલો સુરત પહોંચ્યો- છત્તીસગઢ પોલીસ કે.સી.ને ઉચકી ગઇ

ડુમસ પોલીસને સાથે રાખીને છત્તીસગઢ પોલીસે ઓપરેશન પાર પાડ્યું

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

લોકસભાની ચૂંટણી પૂર્વે છત્તીસગઢથી EDના હાથે એક અમિતદાસ નામનો યુવાન રૂ. 508 કરોડ સાથે પકડાયો હતો. જેની તપાસનો રેલો સુરત સુધી આવ્યો હતો અને છતીસગઢ પોલીસે સુરત આવીને ડુમસ પોલીસની મદદ લઈને ડુમસ એરપોર્ટ રોડ પર આવેલા વીક એન્ડ એડ્રેસ નામના રિસોર્ટમાંથી રૂપિયાની વ્યવસ્થા કરનાર શકમંદ કપિલ ઉર્ફે કે.સી.ને પકડી છતીસગઢ લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. છત્તીસગઢ પોલીસ છેલ્લા બે દિવસથી સુરતમાં હતી. સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં મળેલી માહિતી મુજબ તપાસ કરી રહી હતી. આ અંગે ડુમસ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ છત્તીસગઢ પોલીસ સુરત આવી હતી અને તેઓએ જણાવ્યું હતું કે, છત્તીસગઢના એક કેસમાં શકમંદ સુરતમાં છે. જેની ધરપકડ કરવી છે. જેથી સ્થાનિક પોલીસની મદદ જોઈએ. લોકસભાની ચૂંટણી પૂર્વે છતીસગઢમાં EDની ટીમે એવી હકીકત જણાવી હતી કે, દુબઈથી ઓપરેટ થતા સટ્ટો બેટિંગની મહાદેવ એપ. ચલાવતા સૌરભ ચંદ્રાકર સુધીના તાર ખુલ્યા હતા અને તેનો ભારતમાં એક વ્યક્તિ છે. આરોપ છે કે તે વ્યક્તિ કે.સી છે. તેવી માહિતીને પગલે છતીસગઢ પોલીસે કે.સી.ને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં તેની એક મહિલા મિત્ર સાથે તે સતત સંપર્કમાં હોવાનું ખૂલતા પોલીસે આ મહિલાની કોલ ડિટેઇલ અને લોકેશન ચેક કરતા તેનું લોકેશન સુરતમાં આવતું હોવાનું જણાયું હતું. છત્તીસગઢ પોલીસ સુરત આવી હતી. લોકેશનના આધારે નાનપુરા વિસ્તારમાં જે ફૂલ વેચતા માળીઓની દુકાન છે ત્યાં આવતા સૌપ્રથમ અઠવાલાઈન્સ પોલીસની મદદ લીધી હતી અને પહેલા નાનપુરા વિસ્તારમાં એક માળીના ઘરમાં રોકાયેલી મહિલાને શોધીને કે.સી. બાબતે પૂછતા કે.સી. ડુમસ એરપોર્ટ રોડ પર આવેલા વીક એન્ડ એડ્રેસ રિસોર્ટમાં રોકાયો હોવાનું કહ્યું હતું. જેથી છતીસગઢ પોલીસે તુરંત ડુમસ પોલીસની મદદ લઈને વીક એન્ડ એડ્રેસમાં રેડ કરી હતી. જ્યાંથી પોલીસે રૂપિયા પહોંચાડવાની વ્યવસ્થા કરનાર શકમંદ કપિલ ચેલાણી ઉર્ફે કે.સી.ને પોલીસે ઝડપી લીધો હતો. મોડીરાત્રે છતીસગઢ પોલીસે કે.સી.ને લઈને રવાના થઈ ગઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.