સુરતઃ વર્તમાન ન્યૂઝ.કોમ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વુમન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા મંગળવાર, તા. ૦૩ જુલાઇ, ર૦ર૪ના રોજ સાંજે ૪:૦૦ કલાકે સેમિનાર હોલ–એ, સરસાણા, સુરત ખાતે ‘મહિલા સાહસિકોના ગ્રોથ અને એમ્પાવરમેન્ટ’વિશે મિટીંગ મળી હતી. જેમાં પ્રદીપ સિંગી એન્ડ એસોસીએટ્સના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી પ્રદીપ સિંગીએ મહિલા સાહસિકોને સફળતાની દિશામાં આગળ વધવા માટે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
શ્રી પ્રદીપ સિંગીએ જણાવ્યું હતું કે, જો મહિલા ધારે તો એ કોઇ પણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ હાંસલ કરી શકે છે. એના માટે તેમણે સુધા મૂર્તિનો દાખલો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સુધા મૂર્તિએ એન્જીનિયરીંગમાં સ્નાતકની ડીગ્રી મેળવી હતી, પરંતુ આ ડીગ્રી મેળવનાર તેઓ તેમના કલાસમાં એકલા જ મહિલા હતા. એન્જીનિયરીંગમાં ડીગ્રી મેળવ્યા બાદ તેઓએ ટાટાની એક કંપનીમાં નોકરી માટે અરજી કરવા ઇચ્છતા હતા, પરંતુ આ કંપનીમાં જે તે સમયે મહિલાઓને નોકરી માટે કોઇ વિકલ્પ ન હતો, આથી તેઓએ જેઆરડી તાતાને પત્ર લખ્યો હતો અને ત્યારબાદ તેઓને સીધી એપોઇન્ટમેન્ટ મળી ગઇ હતી. સુધા મૂર્તિ જેવી મહિલાઓ તમારી રોલ મોડેલ હોવી જોઇએ તેમ કહીને શ્રી પ્રદીપ સિંગીએ મહિલા સાહસિકોને કારકિર્દી ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરિત કર્યા હતા.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ આ મિટીંગમાં સર્વેને આવકારી સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે ચેમ્બરની મહિલા સાહસિકોને ગૃપ બનાવીને એકબીજાને બિઝનેસ આપી અને અપાવી બિઝનેસને ડેવલપ કરવા હાંકલ કરી હતી. ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ વુમન આંત્રપ્રિન્યોર સેલ અંતર્ગત કયા – કયા કાર્યક્રમો થઇ શકે તે અંગે મહિલા સાહસિકોને માર્ગદર્શન આપ્યું હતું. આ મિટીંગમાં ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુકલ અને મહિલા સાહસિકો ઉપસ્થિત રહયા હતા.
ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી ભાવેશ ટેલરે મિટીંગમાં વુમન આંત્રપ્રિન્યોર સેલ અંગે માહિતી આપી હતી. વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન સુશ્રી કૃતિકા શાહે મહિલા સાહસિકો માટે WEC દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. WECના એડવાઇઝર શ્રીમતી સ્વાતિ શેઠવાલાએ સમગ્ર મિટીંગનું સંચાલન કર્યું હતું. WECના કો–ચેરપર્સન સુશ્રી બીના ભગતે વકતા શ્રી પ્રદીપ સિંગીનો પરિચય આપ્યો હતો. WECના કો–ચેરપર્સન શ્રીમતી રોશની ટેલરે મિટીંગમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ મિટીંગનું સમાપન થયું હતું.
• Share •