Page Views: 6709

આખરે સરકાર જાગી- રાજ્યમાં 24,700 શિક્ષકોની ભરતીની સંભવિત તારીખ જાહેર

સરકાર દ્વારા ભરતીના નિયમો પણ જાહેર કરવામાં આવ્યા

ગાંધીનગર-વર્તમાન ન્યૂઝ.કોમ

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્‍ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્‍ડરને આખરી ઓપ આપ્યો છે. શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના સીધા માર્ગદર્શન હેઠળ આ સૂચિત ભરતી કેલેન્‍ડરના સમયબદ્ધ અમલીકરણ થકી આગામી ઓગષ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન જુદી-જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકારે રાજ્યના યુવાઓના વિશાળ હિતમાં કરેલા આ મહત્વપૂર્ણ આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી. આ સંદર્ભમાં કહ્યું તેમણે હતું કે, ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્‍ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય (HMAT PASS ઉમેદવારો)ની 1200 જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકની અંદાજિત 2200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની તા. 01/08/2024 રહેશે.સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક (TAT HIGHER SECONDARY પાસ ઉમેદવારો)ની કુલ મળીને અંદાજે 4000 જેટલી જગ્યાઓ જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક  શિક્ષણ સહાયક માટે 750 અને ગ્રાન્‍ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 3250 જગ્યાઓનો સમાવેશ થાય છે તેની સંભવિત જાહેરાતની તા. 01/09/2024 રહેશે. આ ઉપરાંત સરકારી અને ગ્રાન્‍ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ 3500 જગ્યાઓ માટેની જાહેરાતની સંભવિત તા.01/10/2024 રહેશે જેમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 500 જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 3000 જગ્યા માટે ભરતી જાહેરાત થશે. TET-1 અને TET-2 ઉમેદવારોના સંબંધિત પરીક્ષાના પ્રમાણપત્રની માન્યતાની અવધિ અંગે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વનાં નિર્ણયો કરવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર આજે જાહેર થયેલી ભરતીમાં TET-1માં વર્ષ 2012 થી 2023 સુધી પાસ થયેલા તમામ ઉમેદવારો તથા TET-2 માં 2011 થી 2023 સુધીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો ભરતી નિયમોની જોગવાઈ અનુસાર ઉમેદવારી કરી શકશે.