Page Views: 11401

સુરત રેલવે સ્ટેશન નજીક હોટલ સવેરા હોટલ ડી ગ્લેન્સ, હોટલ ડાયમંડ પ્લાઝાનું બેઝમેન્ટ સીલ

સુરત ફાયર વિભાગે રેલવે સ્ટેશન વિસ્તારની હોટલોના બેઝમેન્ટનો ઉપયોગ ગાદલા નાખીને રૂમ તરીકે થતો હોવાથી કરી કાર્યવાહી

સુરત: વર્તમાન ન્યૂઝ.કોમ 

ગઈ તા. 25 મેના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગજનીની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટીના કાયદાનો કડકાઈથી અમલ તંત્ર દ્વારા શરૂ કરાવાયો છે, તેના ભાગરૂપે પાછલા એક મહિનામાં સુરત શહેરમાં ફાયર એનઓસી વિનાની સૈંકડો મિલકતોને સીલ મારવામાં આવ્યા છે. આ કામગીરી હજુ પણ ચાલી રહી છે.આજે સુરત મનપાના ફાયર વિભાગ દ્વારા સુરત રેલવે સ્ટેશન નજીક આવેલી ત્રણ હોટલમાં સીલીંગની કાર્યવાહી કરવામાં આવી છે. આ હોટલોના બેઝમેન્ટ, બેન્કવેટ હોલમાં સીલ મારવામાં આવ્યા છે.ફાયર વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત રેલવે સ્ટેશન નજીકની હોટલોમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. તે દરમિયાન ત્રણ હોટલમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો નહીં હોવાનું ધ્યાન પર આવ્યું હતું. તેથી ત્રણ હોટલમાં સીલીંગની કાર્યવાહી કરવામાં આવી છે.સુરત રેલવે સ્ટેશન નજીકની હોટલ સવેરાનું બેઝમેન્ટ, હોટલ ડી ગ્લેન્સનું બેઝમેન્ટ અને બેન્કવેટ હોલ તથા હોટલ ડાયમંડ પ્લાઝાનું બેઝમેન્ટ સીલ કરવામાં આવ્યું છે. ફાયરના અધિકારીઓએ કહ્યું કે, આ હોટલો દ્વારા બેઝમેન્ટમાં રહેવાની સગવડ ઉભી કરવામાં આવી હતી, બેન્કવેટ હોલમાં રેસ્ટોરન્ટની જેમ ટેબલો લગાવ્યા હતા. અહીં પ્રસંગોપાત બેન્કવેટ હોલ ભાડે અપાતા હતા. બેઝમેન્ટમાં ઉંઘવા રહેવા માટે બેડની સગવડ ઉભી કરાઈ હતી. મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હતી. જો કોઈ દુર્ઘટના બને તો બહાર ભાગવાનો પણ મોકો મળે નહીં તેવી સ્થિતિ હતી. વળી, બેઝમેન્ટ અને બેન્કવેટ હોલમાં ફાયર સેફ્ટીના સાધનો લગાવ્યા નહોતા. આટલી મોટી લાપરવાહી કરનાર હોટલ માલિકોને નોટીસ ફટકારવામાં આવી છે. કાયદેસરની કાર્યવાહી તેઓ વિરુદ્ધ કરવામાં આવશે.