Page Views: 9965

ખેરના લાકડાનો એક ટેમ્પો ઝડપાયોને વન વિભાગને હાથ લાગ્યો રૂ.5 કરોડનો જથ્થો

મધ્ય પ્રદેશના અલીરાજપુરના ડેપોમાંથી ગુટકા બનાવતી કંપનીઓમાં સપ્લાય થતો હતો ખેરના લાકડાનો

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

ખેરના લાકડા ચોરી કરવાનું મસમોટું રેકેટ સુરત વન વિભાગના માંડવી દક્ષિણ ફોરેસ્ટ રેન્જે ઝડપી પાડ્યું છે. માત્ર સુરત જ નહીં, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, દાહોદ, ભરૂચ જિલ્લાના જંગલમાંથી અનામત કેટેગરીમાં આવતા ખેરના ઝાડ કાપી લાકડાં સગેવગે કરવાના મસમોટા રેકેટનો પર્દાફાશ થયો છે. સુરત વન વિભાગના માંડવી દક્ષિણ ફોરેસ્ટ રેન્જે પાસ પરમિટ વગર પસાર કરાતા ખેરનાં લાકડાં ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. આ ટ્રકના ડ્રાઈવરની પૂછપરછના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દરોડા પાડી ત્યાં સંગ્રહ કરાયેલું 5.13 કરોડ રૂપિયાની કિંમતનું 2055 મેટ્રિક ટન ખેરનું લાકડું જપ્ત કર્યું હતું. આ ઉપરાંત ચોરી કરાયેલા ખેરનાં લાકડાંનો સંગ્રહ કરનાર ડેપો મેનેજરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત 16 જૂનના રોજ ખેરનાં લાકડાં ભરેલી ટ્રક વન વિભાગના અધિકારીઓએ ઝડપી હતી. ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરાતા તેણે ખેરનું લાકડું મધ્યપ્રદેશના અલીરાજપુર લઈ જવાતું હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ વીતેલા ચાર વર્ષથી આ વેપલો કરી રહ્યો હોવાનું જણાવતા વન વિભાગના અધિકારીઓએ મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી તેઓને 2055 મેટ્રિક ટન લાકડું સંગ્રહ કરેલું મળી આવ્યું હતું. જેની બજાર કિંમત 5.13 કરોડ રૂપિયા થાય છે. વન વિભાગે લાકડાં જપ્ત કરી ડેપો મેનેજર આરિફઅલી અમજલઅલી મકરાની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેની સામે લાકડાં ચોરીના ગુનાની સાથે વન્ય પ્રાણી એક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. તેની સામે ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરાતા તેના જામીન નામંજૂર કરાયા હતા. બીજી તરફ આરિફઅલી મકરાની સાથે ખેરનાં લાકડાં ચોરી પ્રકરણમાં કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

ખેરના લાડકાનો ઉપયોગ ગુટકા બનાવવામાં થાય છે

પરંપરાગત રીતે પાનમાં ખવાતો કાથો ખેરના લાકડામાંથી બને છે અને જો પાનમાં તે ખાવામાં આવે તો તેનો જથ્થો મર્યાદિત માત્રામાં જોઇએ છે. પરંતુ ગુટકા બનાવવામાં મોટી માત્રામાં કાથાનો વપરાશ થાય છે અને ગુજરાત સહિત દેશભરમાં ગુટકાનું ધુમ વેંચાણ થતું હોવાથી ગુટકા બનાવતી કંપનીઓ દ્વારા બે નંબરમાં ખેરના લાકડાની મોં માંગ્યા ભાવ આપીને ખરીદી કરવામાં આવે છે. મોટા ભાગે ઉત્તર પ્રદેશના કાનપુર સહિતના વિસ્તારોમાં ગુટકા બનાવવાની ફેક્ટરીઓ ધમધમે છે અને ગુજરાત, મધ્ય પ્રદેશના જંગલોમાંથી ખેરના લાકડાનો બે નંબરનો કારોબાર ચલાવવામાં આવે છે. મધ્ય પ્રદેશના આ ગોડાઉનમાંથી ખેરના લાકડાનો જથ્થો છેલ્લા ચાર વર્ષમાં કોને કોને સપ્લાય કરવામાં આવ્યો છે તેની જો તપાસ કરવામાં આવે તો ગુટકા બનાવતી મોટી કંપનીઓના કારનામા પણ સામે આવે તેમ છે.