સુરત. વર્તમાન ન્યૂઝ.કોમ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. રર જૂન, ર૦ર૪ના રોજ બપોરે ૩:૩૦ કલાકે સરસાણા સ્થિત પ્લેટિનમ હોલમાં ‘શેર માર્કેટનું ભવિષ્ય’વિષય પર સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વકતા તરીકે શેર માર્કેટના નિષ્ણાંત તેમજ મોતિલાલ ઓસવાલ ફાયનાન્શીયલ સર્વિસિસ લિમિટેડના ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેકટર શ્રી મોતિલાલ ઓસવાલે સુરતના રોકાણકારોને શેર માર્કેટમાં રોકાણ કરવાની દિશામાં મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ સેશનમાં સર્વેને આવકાર્યા હતા અને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં અને ગુજરાતમાં શેર માર્કેટ ક્ષેત્રમાં રોકાણકારોનો નોંધપાત્ર વધારો જોવા મળી રહયો છે. એક રિપોર્ટ અનુસાર, વિશ્વમાં માર્કેટ કેપિટલાઈઝેશનમાં ટોચના દેશોમાં અમેરિકા પ૬.૪૯ લાખ કરોડ સાથે પ્રથમ સ્થાને, ત્યારબાદ ચીન ૮.૮૬ લાખ કરોડ ડોલર સાથે બીજા સ્થાને અને જાપાન ૬.૩૦ લાખ કરોડ ડોલર સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે ભારતીય બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એકત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન વિશ્વમાં હોંગકોંગને પાછળ મૂકી પ.ર૦ લાખ કરોડ ડોલરનો આંક પાર કરી ચોથા સ્થાને આવી ગયું છે. જે રૂપિયા ૪૩૪.૮૮ લાખ કરોડની નવી વિક્રમી ઊંચાઈએ પહોંચ્યું છે. જ્યારે હોંગકોંગનું માર્કેટ કેપ પ.૧૭ લાખ કરોડ ડોલર રહ્યું છે. શ્રી મોતીલાલ ઓસવાલે જણાવ્યું હતું કે, ભારતીય અર્થવ્યવસ્થાને આપણે કયાં જોઈએ છે અને તેની અસર માર્કેટ અને બિઝનેસ પર કેવી રીતે થાય છે? ત્યારબાદ કયા સ્ટોકમાં રોકાણ કરવાનું છે તેના વિશે વિચારવું મહત્વનું છે. શેર માર્કેટમાં લોકો શોર્ટ ટાઈમમાં પૈસા બનાવવા ઈચ્છે છે, પરંતુ સારો નફો મેળવવા માટે લોન્ગ ટાઈમ (લાંબા ગાળાના) રોકાણ વિશે વિચારવું જોઈએ. ભારતમાં વિદેશી રોકાણ થતાં માર્કેટમાં સ્ટોકની કિંમત વધશે તે નિશ્ચિત છે. શેર માર્કેટમાં રોકાણ કરવા માટે સારી કંપનીઓની અછત તો રહેવાની જ છે.
તેમણે જણાવ્યું હતું કે, દેશની જીડીપી વધે એટલે માથાદીઠ આવક વધે છે. હાલમાં રપ૦૦ ડોલર માથાદીઠ આવક છે. તેમાંથી જ ખર્ચ અને સેવિંગ્સ થાય છે. હાલમાં કુલ જીડીપીના સેવિંગ્સમાંથી માત્ર ૪ ટકા નાણાનું ઈકિવટીમાં રોકાણ કરવામાં આવે છે, જ્યારે અન્ય એફડી, ઈન્સ્યુરન્સ અને રોકડના સ્વરૂપમાં રાખે છે. આ આંકડો વિશ્વના અન્ય દેશોમાં ૪પથી પ૦ ટકા છે. ગત રપ વર્ષમાં ભારતે કુલ ૧૩થી ૧૪ ટ્રિલિયન ડોલરની બચત કરી છે. આગામી રપ વર્ષમાં ૧૦૦થી ર૦૦ ટ્રિલિયન ડોલર બચત થશે તેવો અંદાજ છે. શોર્ટ ટર્મમાં નહીં જવાની બાબત રોકાણકારો માટે લાભદાયક છે. કારણ કે, રાઇઝીંગ માર્કેટને જોઇને રોકાણ કરનારાઓને નુકસાન થાય છે. શેર માર્કેટ પેશન્સ માંગે છે, આથી રોકાણ કરતા પહેલા રિસર્ચ કરવું જોઇએ. કોમ્પ્લીકેટેડ પ્રોડકટમાં રોકાણ નહીં કરવું જોઇએ તેવું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. એથિકસ, કવોલિટી ઓફ પીપલ, કેરેકટર અને બિઝનેસ કમ્પોનન્ટ ચકાસીને કંપનીમાં રોકાણ કરવું જોઇએ. દેશની ઇકોનોમિ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. ગ્લોબલ ઇન્વેસ્ટર્સ પણ ભારતમાં રોકાણ વધારી રહયા છે ત્યારે રોકાણકારોએ સારી કંપનીઓ શોધીને રોકાણ કરવું જોઇએ.
તેમણે જણાવ્યું હતું કે, શેર માર્કેટમાં રોકાણ કરવા માટે ડિસીપ્લીનમાં રહેવું જરૂરી છે. અત્યારે એપેરલ, ફૂટવેર, ડિજિટલ પ્લેટફોર્મ, હોટેલ એન્ડ હોસ્પિટાલિટી સેકટર ઘણું વધવાનું છે. ટાઇટન વોચની કંપની જ્વેલરી સેકટરમાં આવી ચૂકી છે ત્યારે રોકાણકારોએ નફો રળતી કંપનીઓની બેલેન્સશીટ તપાસીને, છેલ્લા પ વર્ષનો બિઝનેસ પરફોર્મન્સ જોઇને રોકાણ કરવું જોઇએ. શ્રી ઓસવાલે વધુમાં કહયું હતું કે, જરૂર નથી તો ઇકવીટીમાં ઇન્વેસ્ટમેન્ટ ખૂબ જ મોંઘુ સાબિત થાય છે. જેન્યુન બિઝનેસમાં રોકાણ કરવા માટે કેરેકટર અને ઇન્ટીગ્રીટી ખૂબ જ જરૂરી છે. તેમણે કહયું હતું કે, SIP બેસ્ટ પ્રોડકટ છે તેમાં રોકાણ કરી શકાય છે. શેર માર્કેટમાં રોકાણ કરવા માટે ડિસીપ્લીનમાં રહેવું જરૂરી છે ત્યારે કેરેકટર એન્ડ કોમ્પીટન્સ, કવોલિટી ઓફ મેનેજમેન્ટ કરનાર કંપનીમાં રોકાણ કરવું જોઇએ. તેમણે ત્રણથી પાંચ વર્ષનો સારો ટ્રેક રેકોર્ડ ધરાવનાર ફંડ ખરીદવાની સલાહ આપી હતી.
ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ સેશનમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના સભ્ય શ્રી પ્રદીપ કુમાર સિંગીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી કમલેશ ગજેરાએ કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુકલ, ચેમ્બરના પ્લેટિનમ સભ્યો શ્રી ધ્રુવ મોરડીયા અને શ્રી અલ્પેશ મંડોત, જીતોના ચેરમેન શ્રી લલિત શાહ તથા રોકાણકારો સેશનમાં ઉપસ્થિત રહયા હતા.
ચેમ્બરની કેપીટલ એન્ડ કોમોડિટી માર્કેટ કમિટીના ચેરમેન ડો. રાકેશ દોશીએ સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું. કમિટીના એડવાઇઝર શ્રી કેતન દલાલે વકતા શ્રી મોતિલાલ ઓસવાલનો પરિચય આપ્યો હતો. વકતાશ્રીએ સેશનમાં ઉપસ્થિત રોકાણકારોના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેશનનું સમાપન થયું હતું.
• Share •