ગોધરા- વર્તમાન ન્યૂઝ.કોમ
નીટ અને યુજીસી નેટ સહિતની પરીક્ષાઓમાં થયેલી ગેરરીતીની તપાસ સીબીઆઈને સોંપી દેવાઈ છે. હાલમાં સમગ્ર દેશમાં પેપર લીક મામલે હોબાળો મચી ગયો છે ત્યારે સીબીઆઈ અધિકારીઓની એક ટીમ આ દિશામાં તપાસ કરવા બિહારના નવાદા પહોંચી હતી. ત્યારે સીબીઆઇની અન્ય એક ટીમ ગોધરા પહોંચી છે. નીટ અને યુજીસી પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં તારીખ 8 મે, 2024ના રોજ નોંધવામાં આવી છે. આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી FIRની તપાસ પણ રાજ્ય સરકારે સી.બી.આઇ.ને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ તપાસ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1946ની કલમ-6 અન્વયે સી.બી.આઇ.ને સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ સંદર્ભમાં નોટિફિકેશન પણ જારી કર્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે ''એનટીએએ 5 મે 2024 ના રોજ ઓએમઆર મોદમાં નીટ(યૂજી) પરીક્ષાનું આયોજન કર્યું હતું. જેમાં ગેરરિતીના આક્ષેપ બાદ ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે સમીક્ષા બાદ કેસની ઉંડી તપાસ માટે સીબીઆઇને સોંપવાનો નિર્ણય કર્યો હતો. સીબીઆઇના અધિકારીઓ દ્વારા ગોધરા ખાતેથી આ સમગ્ર ઘટનાને લગતા પુરાવાઓ એકત્ર કરવા સાથે નિવેદનો લેવામાં આવશે અને શકમંદ લોકોની અટકાયત કરીને તેમની પુછપરછ પણ હાથ ધરવામાં આવશે એવુ જાણવા મળ્યુ છે.
• Share •