સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
સુરત શહેરના કેટલાક ટ્રાફિક જંકશનો પરથી પોલીસને હટાવીને સિગ્નલ દ્વારા જ ટ્રાફિક નિયમન કરવાનું ચાલુ કરવામાં આવ્યુ છે. જેમાં સુરતીઓ દ્વારા સહકાર આપવામાં આવી રહ્યો છે. જો કે, કેટલાક જંકશનો ઉપર ટાઇમ સેટીંગ બાબતનો પ્રશ્ન ઉભો થયો હતો અને તેની ફરિયાદ મળતા આખરે પાલિકા અને પોલીસની ટીમે શહેરના 20 જેટલા સિગ્નલો પર સર્વે કરી અને ચાર સિગ્નલો પર સમયમાં ફેરફાર કર્યો છે.
શહેરના 20થી વધુ સિગ્નલો પર પોલીસ અને પાલિકાનો સંયુક્ત સરવે કરાયો હતો. જેમાં કેટલાક સિગ્નલો પર તો ટ્રાફિકની સમસ્યા હળવી થઈ છે. પોલીસે પાલિકા સાથે મળીને કેટલાક મેઇન રોડના સિગ્નલો પર લગભગ 15થી 20 સેકન્ડનો વધારો-ઘટાડો કર્યો હતો. શહેરના ટ્રાફિક સિગ્નલો પર વાહનચાલકો જાતે નિયમોનું પાલન કરતા થયા છે, પરંતુ શહેરના હજુ કેટલાક મેઇન રોડના સિગ્નલો પર વાહનચાલકોને વધારે સમય ઊભા રહેવાનો વારો આવ્યો છે. જેના કારણે ટ્રાફિક પોલીસના એસીપી સહિતના સ્ટાફે પાલિકા ઓફિસરો સાથે સંકલન કરી 5 રૂટો પર 20થી વધુ સિગ્નલો પર સર્વે કર્યો છે.
પોલીસે પાલિકા સાથે એક-એક સિગ્નલ પર 20-25 મિનિટ સુધી ઊભા રહી તમામ જાણકારી મેળવી હતી. કેટલાક સિગ્નલો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા ટાઇમિંગમાં ફેરફાર કર્યો હતો. ત્યાર પછી પણ ત્યાં ઊભા રહી સિગ્નલ પર ટ્રાફિક ન થાય તે માટેનું ધ્યાન રાખ્યું હતું. પોલીસે ઘોડદોડના રામચોક ચાર રસ્તા પર સિગ્નલની બે લાઇનો એક સાથે ચાલુ કરી હતી. ઈચ્છાનાથ SVNIT સર્કલ, પિપલોદ કારગીલ ચોક, રાહુલરાજ મોલ, બ્રેડ લાઇનર સર્કલ, વીઆર મોલ સર્કલ, રામચોક કેનાલ રોડ સિગ્નલો પર ટાઇમિંગમાં ઘટાડો-વધારો કરાયો હતો.
• Share •