સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
રાજકોટ ગેમ ઝોનની દુર્ધટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીના મુદે શાળા કોલેજો, શોપિગ કોમ્પલેક્ષ અનેમાર્કેટોમાં સ્થાનિક તંત્ર દ્વારા તપાસ કરીને સિલીંગની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે સુરત ડીઈઓની ટીમે શહેરની 1650 જેટલી ખાનગી તેમજ સરકારી સ્કૂલોમાં સેફ્ટી મુદ્દે તપાસ શરૂ કરી છે, જેમાં પહેલા દિવસે 530 સ્કૂલોમાં ટીમે કરેલી તપાસમાં 15 વર્ષ જૂની 70% સ્કૂલો પાસે બીયુ જ ન હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત આરટીઓએ સ્કૂલ વાનમાં 12 વર્ષથી મોટા 7 વિદ્યાર્થી અને 12 વર્ષની નાનાં 14 બાળકો જ બેસાડી શકાશે એવો આદેશ આપ્યો છે. 13 જૂને સ્કૂલો શરૂ થઈ રહી છે, જેથી વિદ્યાર્થીઓની સેફ્ટીને ધ્યાને રાખીને ડીઇઓની 106 ટીમના 212 સભ્યોએ પહેલા દિવસે 530 સ્કૂલોની તપાસ હાથ ધરી હતી, જેમાં 30% એટલે કે 159 સ્કૂલોમાં સેફ્ટી બાબતે ક્ષતિઓ મળી આવી હતી તો 70% સ્કૂલમાં બિલ્ડિંગ યૂઝ સર્ટિફિકેટ જ ન હતાં. આ ઉપરાંત 10% પાસે ફાયર NOC, 10%માં ચોમાસા પહેલાની સેફ્ટીના પ્લાનિંગનો અભાવ, 5%માં અનઅધિકૃત બાંધકામ અને 5%માં વાયરિંગ યોગ્ય હાલતમાં મળ્યા ન હતાં. તમામ સ્કૂલોમાં તપાસ પૂર્ણ થયા બાદ પાલિકાને વિગતવાર રિપોર્ટ સબમિટ કરાશે. આ સાથે જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પણ પરિપત્ર જારી કરીને તમામ કોલેજો પાસે ફાયર સેફ્ટીની વિગતો માંગી છે. કોલેજમાં જો ફાયરનાં સાધનોની અવધી પૂર્ણ થઇ ગઇ હોય તો સાધનો રિન્યૂ કરાવ્યાનું NOC આપવાનું રહેશે. યુનિવર્સિટીની તપાસમાં કોઈ પણ ક્ષતિ જણાશે તો કોલેજનું જોડાણ રદ કરવા સુધીની કાર્યવાહી કરાશે.
સીલીંગની કાર્યવાહી યોગ્ય નથી ક્ષતિ ઉકેલવા ચાન્સ આપો
13 જૂનથી તમામ સ્કૂલો શરૂ થશે, હાલમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે તેમજ કોઈ પણ આગોતરી જાણ કર્યા વિના પાલિકા સ્કૂલોને સીલ મારી રહી છે, જે કામગીરી યોગ્ય નથી, જો સ્કૂલોમાં કોઈ ક્વેરી હોય તો અમને એ સોલ્વ કરવા એક ચાન્સ તો આપો. વિદ્યાર્થીઓની સેફ્ટીને લઈને અમે તમારી સાથે જ છીએ. સ્કૂલોને 30 જુન સુધી તક અપાય તે માટે મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી છે.- ડો. જગદીશ ચાવડા, ઉપાધ્યક્ષ-રાજ્ય શાળા સંચાલક મહામંડળ, મંત્રી-સુરત શાળા સંચાલક મંડળ.
• Share •