સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ
શ્રી તાપી બ્રહ્મચાર્યાશ્રમ સભાના પ્રમુખ શ્રી બંકિમભાઈ આર. ઠાકરે જણાવ્યું હતું કે, સંત સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતી દ્વારા તા. 7મી મે 1924ના રોજ સુરત ખાતે શ્રી તાપી બ્રહ્મચાર્યાશ્રમ સભાની સ્થાપના કરવામાં આવી હતી. સંસ્થાનો મુળ હેતું આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં સમાજની સેવા કરવાનો હતો. અમને આનંદ છે કે, 100 વર્ષ પછી પણ અમારી સંસ્થા દ્વારા સુરતના આંગણે ઉત્તમ શિક્ષણ અને આરોગ્યની સેવા આપવામાં આવી રહી છે. હાલમાં તાપી બ્રહ્મચાર્યાશ્રમ સભા દ્વારા સુરત રેલ્વે સ્ટેશન સામે શ્રી ઓ.હી. નાઝર આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલ ચલાવવામાં આવે છે. જેમાં આયુર્વેદ પધ્ધતિથી વિવિધ રોગોનું નિદાન અને સારવાર રાહત દરે કરવામાં આવે છે. સાથો સાથ પંચકર્મ, ફિઝીયો થેરાપી સેન્ટરના માધ્યમથી સેવા કરવામાં આવે છે. તેમજ વરાછા રોડ કાપોદ્રા ખાતે શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી સંકુલમાં બાળ ભવન, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજ વિભાગમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સ, બીબીએ, બીસીએ, એમએસસી આઇ ટી અને એન્જિનિયરિંગ વિભાગના ડિગ્રી અને ડિપ્લોમાના વિવિઘ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. આ એક જ કેમ્પસમાં 14 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભાના શતાબ્દી મહોત્સવની ઉજવણી અંગે વિગતો આપતા શતાબ્દી મહોત્સવના સહ કન્વીનર ડો. મુકેશભાઇ નાવડિયાએ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા હાલમાં શાળા કોલેજના અલગ અલગ 12 વિભાગો ચલાવવામાં આવે છે તેને કૂલ છ વિભાગમાં વહેંચણી કરી તેના દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓ, વાલીઓ માટે શૈક્ષણિક અને આરોગ્ય સેવાને લગતા 100થી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. તેની વિગતો આ સાથે જોડવામાં આવી છે.
શતાબ્દી વર્ષની ઉજવણીના વિવિધ કાર્યક્રમોને સફળ બનાવવા માટે શ્રી તાપી બ્રહ્મચાર્યાશ્રમ સભાના પ્રમુખ ડો.બંકિમભાઇ આર. ઠાકર, ઉપ પ્રમુખ ડો.વજુભાઇ માવાણી, મંત્રી શ્રી હેમંતભાઇ ટોપીવાળા, ખજાનચી શ્રી દિનેશભાઇ નાવડિયા, ટ્રસ્ટી ડો. કનુભાઇ માવાણી, ટ્રસ્ટી શ્રી જીવરાજભાઇ ધારૂકાવાળા, શતાબ્દી મહોત્સવના કન્વીનર ડો. ગીરીશભાઇ શાહ, સહ કન્વીનર ડો. મુકેશભાઇ નાવડિયા, સભ્ય શ્રી ભરતભાઇ ગોંસાઇ, ડો. પ્રમેજીભાઇ વાઘાણી, શ્રી રાકેશભાઇ જૈન, શ્રી બાબુભાઇ કોટડિયા તેમજ તમામ શાળા કોલેજના આચાર્યશ્રીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
• Share •