સુરતઃ વર્તમાન ન્યૂઝ.કોમ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત ભાવનગરના સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે શુક્રવાર, તા. ર૪ મે, ર૦ર૪ના રોજ સંહતિ, સરસાણા, સુરત ખાતે સમજૂતિ કરાર કર્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરમેન શ્રી દિલીપ કમાણીએ આ સમજૂતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ તેમજ પ્રેસિડેન્ટ ઇલેકટ શ્રી વિજય મેવાવાલા, માનદ્ ખજાનચી શ્રી કિરણ ઠુમ્મર, ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલા, ગૃપ ચેરમેનો શ્રી નિરવ માંડલેવાલા અને શ્રી મૃણાલ શુકલ તેમજ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપ પ્રમુખ શ્રી પ્રકાશ ગોરસિયા, પૂર્વ પ્રમુખ શ્રી કિરીટ સોની અને માનદ્ મંત્રી શ્રી અશોક કોટડીયા ઉપસ્થિત રહયા હતા. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, સમજૂતિ કરાર મુજબ સુરત સહિત દક્ષિણ ગુજરાતની જુદી–જુદી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉદ્યોગકારો અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સાથે સંકળાયેલા ભાવનગરના ઉદ્યોગકારો એકબીજાને પ્રોકડટની લે – વેચ કરી શકે તે માટે તેઓની વચ્ચે પરસ્પર ઔદ્યોગિક અને વ્યાપારિક સંબંધો વિકસાવવામાં આવશે. ભાવનગર તેમજ સુરતમાં ડેવલપ થયેલા વિવિધ ઉદ્યોગોની બંને ચેમ્બર ઓફ કોમર્સના ઉદ્યોગકાર સભ્યો ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ લઇ તેનો અભ્યાસ કરી શકશે. એના માટે બંને ચેમ્બર ઓફ કોમર્સ એકબીજાને સહયોગ આપશે. ચેમ્બર પ્રમુખે ભાવનગરના સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ સહિતના પ્રતિનિધિ મંડળને SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ અંગે જાણકારી આપી હતી અને ભારતની અર્થ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આ પ્રોજેકટની જરૂરિયાત અને તેના મહત્વ વિષે સમજણ આપી હતી. સુરત, ગુજરાત અને ભારતથી રૂપિયા ૮૪,૦૦૦ કરોડના એક્ષ્પોર્ટ માટે મિશન ૮૪ અંતર્ગત કરવામાં આવી રહેલા પ્રયાસો અંગે વિગતવાર જાણકારી આપી હતી.
ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલાએ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સફળતાપૂર્વક આયોજિત કરાતા વિવિધ ઔદ્યોગિક પ્રદર્શનો જેવા કે સીટેક્ષ એક્ષ્પો, યાર્ન એક્ષ્પો, વિવનીટ એક્ષ્પો, સ્ટાર્ટ–અપ એક્ષ્પો, સ્પાર્કલ એકઝીબીશન, ગારમેન્ટ એક્ષ્પો, ફૂડ એન્ડ બેવરેજીસ એક્ષ્પો, હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો, ઓટો એક્ષ્પો, સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પો વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હવે સોલાર એક્ષ્પોના આયોજન માટે પણ વિચારણા ચાલી રહી છે.
તેમણે ભાવનગરની ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તેમજ કોલ્ડ સ્ટોરેજ ધરાવી એક્ષ્પોર્ટ કરનારા ઉદ્યોગકારોને ચેમ્બર ઓફ કોમર્સના ફૂડ એન્ડ બેવરેજીસ એક્ષ્પો સાથે જોડવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત ઉદ્યોગ એકઝીબીશનમાં પણ ભાવનગરના વિવિધ ઉદ્યોગોને પાર્ટીસિપેટ કરી શકે તે માટે પ્રયાસ કરવા વિનંતી કરી હતી.
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિલીપ કમાણીએ જણાવ્યું હતું કે, કન્ટેઇનર મેન્યુફેકચરીંગનો ભારતનો સૌથી મોટો પ્લાન્ટ ભાવનગરમાં કાર્યરત છે. આ ઉપરાંત ભાવનગર ડ્રીલ મશીનરી મેન્યુફેકચરીંગનું હબ ગણાય છે. ભાવનગરમાં શીપ બ્રેકીંગ ઇન્ડસ્ટ્રી, કેમિકલ ઇન્ડસ્ટ્રી, સ્ટીલ ઇન્ડસ્ટ્રી, પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રી, ડિફેન્સ સેકટરમાં વપરાતા હાય કવોલિટીના રબર ઇન્ડસ્ટ્રી ડેવલપ થઇ છે.
આ ઉપરાંત ભાવનગર પાસે મહુવા, તળાજાના વિસ્તારોમાં પિનટ, ગાર્લિક, ઓનિયન વિગેરેની ખેતી થાય છે અને ખેતપેદાશોના પ્રોસેસિંગનું કામ થાય છે. ખાસ કરીને મહુવામાં ઓનિયન, ગાર્લિક અને પોટેટો ડીહાઇડ્રેશનનું કામ મોટા પાયા પર થાય છે તેમજ ત્યાંથી એક્ષ્પોર્ટ પણ થાય છે. આ ઉપરાંત મહુવામાં સૌથી મોટી સંખ્યામાં સ્ટોરેજ પણ સ્થાપિત થયેલા છે.
તેમણે જણાવ્યું હતું કે, ભાવનગરની ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા એક્ષ્પોર્ટરોને મિશન ૮૪ પ્રોજેકટની સાથે જોડીશું અને ફૂડ ઇન્ડસ્ટ્રીને તેનો મહત્તમ લાભ મળે તે માટે પ્રયાસ કરીશું. વધુમાં તેમણે ચેમ્બર ઓફ કોમર્સની સાથે સુરતમાં ઉદ્યોગ એકઝીબીશન અને ફૂડ એન્ડ બેવરેજીસ એક્ષ્પોમાં ભાગ લેવા માટે સકારાત્મક અભિગમ દાખવ્યો હતો.
• Share •