Page Views: 9721

સુરતના બે વેબ ડેવલપરે અમેરિકાની 9 સહિત 13 વેબસાઇટમાં વાઇરસ ફેલાવ્યો

કંપની સંચાલકે બન્ને કર્મચારીઓ વિરૂધ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

આઇટી કંપનીમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા અમેરિકા સહિતના દેશોની વેબસાઇટો હેક કરવાનું કારસ્તાન કરતા મામલો સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચ્યો છે. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા  વેસ્ટર્ન અરીનામાં વેબસાઇટ અને એપ્લીકેશન ડેવલપમેન્ટની કંપનીમાં કામ કરતા બે કર્મચારીએ યુએસએની 9 સહિત 13 વેબસાઇટના નેટવર્કને ડેમેજ કરી વાઈરસ ઈન્સ્ટોલ કરી 20 લાખથી વધુનું નુકસાન કર્યુ છે. યુએસએની 9 વેબસાઇટને ડેમેજ કરી છે તે સર્વિસ બેજ સિસ્ટમની છે.એક મહિનાથી વેબસાઇટમાં ટેક્નિકલ એરર અને બંધ થતા ગ્રાહકોની ફરિયાદ આવતી હતી. આથી કંપની સીસીટીવી ચેક કરાવતા કરતૂત ઉઘાડી પડી હતી. પછી કંપનીના ભાગીદાર જીગ્નેશભાઈ પટગીરે બંનેના મોબાઇલ ચેક કર્યા હતા.  બંનેના ફોનમાં 13 વેબસાઇટનો ડેટા, રેનસમવેર વાઇરસ તેમજ કંપનીના આઈડી-પાસવર્ડ મળી આવ્યા હતા. આથી ભાગીદારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે કર્મચારી દર્શન ભરત વિંચ્ચી(રહે, રણછોડનગર, પાંડેસરા) અને જેનીશ નીતિન રાણા (રહે, સિધ્ધાર્થ સોસા, સગરામપુરા) સામે ગુનો નોંધ્યો છે. દર્શન વિંચ્ચી કંપનીમાં મુખ્ય કાર્ય રીએક્ટ જે.એસ. ડેવલોપર તરીકે વેબસાઇટ અને અેપ બનાવવાનું કામ કરે છે અને તેનો પગાર 17 હજાર છે. જ્યારે જેનીશ રાણા વર્ડપ્રેસનો ડેવલોપર છે અને તેનો 16 હજારનો માસિક પગાર છે. બંને છેલ્લા એક વર્ષથી કંપનીમાં કામ કરતા હતા. કંપનીએ બંનેને વેબસાઇટ અને એપ કેવી રીતે બનાવવી તે શીખવ્યું. તે બંનેએ 13 વેબસાઇટમાં વાઇરસ ઈન્સ્ટોલ કરી કંપનીને નુકસાન કર્યું છે. કંપનીની તમામ સાઇટો હેક કરી, કોમ્પ્યુટરમાંથી તમામ નેટવર્ક ડેમેજ કરી વાઇરસ ઈન્સ્ટોલ કર્યા હતા. બંને કંપનીના સર્વર ઉપર જઈ સિક્યોરીટી તોડી ગ્રાહકોના સર્વરને તેઓના પર્સનલ ડિવાઇસમાં લઈ ગયા હતા. બેંકિંગ સેક્ટરના ડેટા પણ ટ્રાન્સફર કર્યા હતા.આ મામલે સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ બન્ને કર્મચારીઓની પુછપરછની તજવીજ હાથ ધરી છે.