સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
સુખી જીવન જીવવા આરોગ્ય અને પૈસા જેટલુ જ મહત્વ ખરી ખુશીનું છે એટલે હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને કેન્દ્રમાં રાખીને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે કામરેજ રોડ સ્થિત “જમનાબા ભવન” ખાતે વિચારોનું વાવેતર કરવામાં આવે છે. તા. ૨૩ મે ગુરુવારે યોજાયેલ ૬૨માં થર્સ-ડે થોટ્સ કાર્યક્રમમાં વિચારક, ચિંતક અને અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા શ્રી કેશુભાઈ ગોટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવા વિચારના પ્રેરક સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ આર. ભાલાળા વતી નવો વિચાર રજુ કરતા હાર્દિક ચાંચડે જણાવ્યું હતું કે, પરોપકાર એ જીવનનું સત્કર્મ છે જેનાથી ખરી ખુશી મળે છે. પરોપકારની ભાવના અને ત્યાગનો ભાવ સુખી અને સંતુષ્ટ જીવન જીવવા ખુબ જરૂરી છે જેનાથી જીવન જીવવાની ખરી ખુશી મળે છે. નિ:સ્વાર્થ ભાવે કરેલી સેવા, કૃતજ્ઞતાભાવ અને પરોપકાર મનની શાંતિ આપે છે. કોઈના ભલા માટે લંબાવેલ પરોપકારી હાથ પ્રાર્થના કરતા પણ વધારે પવિત્ર ગણાય છે. બીજા માટે કરેલ ઉપકારમાં જયારે કોઈપણ પ્રકારનો સ્વાર્થ ન હોય ત્યારે તે પરોપકાર બને છે. જીવનમાં માણસ તરીકે ધબકવામાં જ ખરો આનંદ કરતા કોઈપણ પ્રકારે અન્ય કોઈને તન-મન-ધન કે વિચારથી નિસ્પૃહ ભાવે મદદરૂપ થવાની ભાવના એ માણસ તરીકેનું શ્રેષ્ઠ કર્મ છે અને ખુશ રહેવા માટે માણસે સતત સમજણપૂર્વક પ્રયત્નશીલ રહેવું જોઈએ. ખરેખર અપેક્ષા વગર માણસ તરીકે અન્યને કોઈપણ રીતે મદદરૂપ થવું તે કુદરત તરફની કૃતજ્ઞતા છે. પરોપકારની ભાવના વ્યક્તિમાં જરૂરી કાર્યક્ષમતા નિર્માણ કરે છે. સુખી અને સુદ્રઢ સમાજના નિર્માણ માટે વ્યક્તિ પ્રથમ જાગૃત નાગરિક હોવો જોઈએ અને વ્યક્તિ જયારે રાષ્ટ્રવાદી બને ત્યારે જ સુખી સંપન્ન સમાજનું નિર્માણ થાય છે. વિચાર અંગેની વધુ સમજણ કાર્યક્રમના ખાસ અતિથી વિશેષશ્રી એ જીવનના અનુભવો સાથેની વાતોદ્વારા ઊંડાણપૂર્વક સમજાવી હતી.
૩૦૯ સરસ્વતીધામનું નિર્માણકાર્યનો સંકલ્પ કરનાર સમાજના મોભી, માર્ગદર્શક અને વિચારક શ્રી કેશુભાઈ ગોટી એ જણાવ્યું હતું કે, હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસ માંથી વ્યક્તિની હેલ્થ અને હેપ્પીનેસ કોઈપણની મદદ વગર વ્યક્તિ જાતે જ નિ:શુલ્ક અને મુક્તપણે ફક્ત સારા વિચારો દ્વારા મેળવી શકે છે. અને વિચાર જ જીવનની કરોડરજ્જુછે. સ્વભાવને અનુકુળ થઈને જીવીએ તો સુખની સાથે ખુશીઓ પણ આવતી હોય છે. નિતિમત્તા અને સારા સિદ્ધાંતો જ જીવનમાં આદર્શ વ્યક્તિત્વ નિર્માણ કરે છે જેનાથી મળેલી સફળતા જીવનમાં સાચી ખુશી આપે છે. આપણી પાસે ગમે તેટલી આર્થિક સમૃદ્ધિ હોય પણ જીવન જીવવાનો અનેરો આંનદ મેળવવા સુખ-દુઃખમાં હદયથી સમૃદ્ધ અંગત મિત્રો હોવા જોઈએ. જીવનમાં સારા વિચારોની તાકાતથી સત્વગુણ પ્રધાનપણે વર્તે અને તે જ ખરૂ સુખ આપે છે. માણસ જયારે રાષ્ટ્રવાદી બને ત્યારે જ સુખી સંપન્ન સમાજ રાષ્ટ્રનું નિર્માણ થાય છે. જેના માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ જ વ્યક્તિને રાષ્ટ્રવાદી અને સારો માણસ બનાવે છે. સમાજે કેશુભાઈ તથા તેમના ધર્મપત્ની શ્રીમતિ અંજુબેનનું અભિવાદન કર્યું હતું.
• Share •