સુરતઃ વર્તમાન ન્યૂઝ.કોમ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન સુશ્રી કૃતિકાબેન શાહ, કો–ચેરપર્સન સુશ્રી રોશનીબેન ટેલર તથા એડવાઇઝરો સુશ્રી જ્યોત્સનાબેન ગુજરાતી અને સુશ્રી સ્વાતિબેન શેઠવાલા, સભ્ય સુશ્રી જાનવીબેન શ્રોફ અને સુશ્રી બીનાબેન ભગત સહિત રપથી વધુ મહિલા સાહસિકોએ ગુરૂવાર, તા. ર મે, ર૦ર૪ના રોજ પલસાણા ખાતે ગુજરાત ઇકો ટેક્ષ્ટાઇલ પાર્કમાં આવેલા આદિત્ય ટેક્ષ્ટાઇલ સોલ્યુશન્સ અને અલ્ટ્રા ડેનિમ પ્રા.લિ. તેમજ તેના આઉટલેટની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરી હતી. મહિલા સાહસિકોએ બંને યુનિટમાં બિઝનેસ મીટ કરી ડેનિમ્સ અને હોમ ટેક્ષ્ટાઇલની વિશાળ શ્રેણીનું ઉત્પાદન તેમજ પ્રદર્શન કરતી ફેકટરી આઉટલેટ વિશે જાણકારી મેળવી હતી.
આદિત્ય ટેક્ષ્ટાઇલ સોલ્યુશન્સના ડિરેકટરો શ્રી આશીષ ગુજરાતી અને શ્રી કરણ ગુજરાતીએ મહિલા સાહસિકોને તેમના યુનિટ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું કે, આદિત્ય ટેક્ષ્ટાઇલ સોલ્યુશન્સ દ્વારા ટેક્ષ્ટાઇલ કેપિટલમાં યાર્ન, ગ્રે કાપડ અને અન્ય કાપડની સ્પષ્ટ જરૂરિયાત પૂર્ણ કરી શકાય છે. તેમના યુનિટમાં બેડશીટ્સ, દોહર, પિલો કવર, કર્ટેન્સ, બ્લેકઆઉટ કર્ટેન્સ સહિત હોમ ટેક્ષ્ટાઇલ ફેબ્રિક બનાવવામાં આવે છે. આ ફેબ્રિકસ કેવી રીતે બને છે તેનો પ્રત્યક્ષ અભ્યાસ વુમન આંત્રપ્રિન્યોર સેલની મહિલા સાહસિકોએ તેમના આખા યુનિટની રૂબરૂ મુલાકાત લઇને કર્યો હતો. આ ઉપરાંત મહિલા સાહસિકોએ ડેનિમ ફેબ્રિક અને ડેનિમ ગારમેન્ટ્સ પાછળની ઉત્પાદન પ્રક્રિયાઓનો પણ અભ્યાસ કરી તેના વિશેની સમજ કેળવી હતી. અલ્ટ્રા ડેનિમ પ્રા.લિ. અને અલ્ટ્રા ડેનિમ લાઇફસ્ટાઇલ પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેકટર શ્રી ભરતભાઇ પટેલે મહિલા સાહસિકોને માહિતી આપતા જણાવ્યું હતું કે, અલ્ટ્રા ડેનિમ સ્થાનિક બજાર માટે અને એક્ષ્પોર્ટ માટે ડેનિમ ફેબ્રિકનું ઉત્પાદન કરે છે. સંસાધનો અને રિસાયકલ કરેલી સામગ્રીઓમાંથી ટકાઉ માલસામાનનું ઉત્પાદન કરતી વખતે વૈશ્વિક બ્રાન્ડ તરીકે કાર્ય કરે છે. અલ્ટ્રા ડેનિમ લગભગ ર૦ દેશોમાં ડેનિમ ફેબ્રિકનું એક્ષ્પોર્ટ કરે છે. અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી તેઓ અલ્ટ્રા ડેનિમ પોસાય તેવા ભાવે ઉચ્ચ ગુણવત્તાની ડેનિમનું ઉત્પાદન કરે છે. પોલી કોટન ફેબ્રિક, ડેનિમ જીન્સ, કોટન જીન્સ અને ડેનિમ ફેબ્રિકનું આ જ ફેકટરીમાં ઉત્પાદન કરે છે.
પલસાણા ખાતે સ્થપાયેલા અલ્ટ્રા ડેનિમ યુનિટ, ભારતમાં સૌથી વધુ ડેનિમ ફેબ્રિકનું ઉત્પાદન કરવામાં બીજા નંબરે આવે છે. સ્ટિચિંગ અને વોશિંગ સેકશનમાં અત્યાધુનિક મશીનરી છે અને આ પ્લાન્ટની ક્ષમતા દરરોજ ૪૦૦૦ કપડાની છે. અલ્ટ્રા ડેનિમ દ્વારા વિશ્વભરની મોટી ક્લોથિંગ બ્રાન્ડસને જથ્થાબંધ ઉચ્ચ ગ્રેડ ડેનિમ ફેબ્રિક સીધા જ સપ્લાય કરવામાં આવે છે.
• Share •