સુરતઃ વર્તમાન ન્યૂઝ.કોમ
ભારતના ટેક્ષ્ટાઈલ કમિશ્નર રૂપ રાશી (IA&AS) દ્વારા મંગળવાર, તા. ૧૬ એપ્રિલ ર૦ર૪ના રોજ મુંબઇ ખાતે દેશભરના વિવિધ ટેક્ષ્ટાઇલ સંગઠનોના હોદ્દેદારો તેમજ પ્રતિનિધિઓ સાથે મિટીંગ કરી હતી. જેમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કાર્યવાહક પ્રમુખ વિજય મેવાવાલા તથા ફિઆસ્વી (ફેડરેશન ઓફ ઇન્ડિયન આર્ટ સિલ્ક વિવિંગ ઇન્ડસ્ટ્રી)ના ચેરમેન તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ ભરત ગાંધી સહિત દેશભરના જુદા–જુદા ટેક્ષ્ટાઇલ સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા. આ મિટીંગમાં એડીશનલ ટેક્ષ્ટાઇલ સેક્રેટરી એસ.પી. વર્મા સહિતના ટેક્ષ્ટાઇલ કમિશ્નર ઓફિસના ઉચ્ચ અકિારીઓ પણ હાજર હતા.
ટેક્ષ્ટાઇલ કમિશ્નર રૂપ રાશીએ દેશભરમાંથી ઉપસ્થિત ટેક્ષ્ટાઇલ સંગઠનોના હોદ્દેદારો તેમજ પ્રતિનિધિઓને સંબોધ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ કમિશ્નર કચેરી દ્વારા ટેક્ષ્ટાઇલ મશીનરીઓના ડેટા એકત્રિત કરવા હેતુ નવો સરવે કરવામાં આવનાર છે. આથી તેમણે મિટીંગમાં ઉપસ્થિત વિવિધ ટેક્ષ્ટાઇલ સંગઠનોના હોદ્દેદારો અને પ્રતિનિધિઓને ડેટા આપવા અનુરોધ કર્યો હતો. આ મિટીંગમાં ચેમ્બર ઓફ કોમર્સના કાર્યવાહક પ્રમુખ વિજય મેવાવાલા તથા ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધી દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ડેવલપ થયેલી ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીનો તેમજ ટેક્ષ્ટાઇલ મશીનરીઓનો ડેટા રજૂ કરવામાં આવ્યો હતો. આ ડેટામાં આપવામાં આવેલી વિગતો મુજબ, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ૬ લાખ શટલ લુમ, ૮૦ હજાર વોટરજેટ લુમ, રપ હજાર રેપીયર લુમ, ૬ હજાર એરજેટ લુમ અને ૧પ૦૦ વેલ્વેટ લુમ મળીને કુલ ૭૧રપ૦૦ લુમ્સ છે. એની સાથે ૩પ૦ પ્રોસેસ હાઉસ (ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ), ૧ લાખ પ૦ હજાર એમ્બ્રોઇડરી મશીન, ર૦૦૦ વોર્પ નિટીંગ મશીન અને ૩પ૦૦ સરકયુલર નિટીંગ મશીન છે. અહીં ડેવલપ થયેલી ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી આશરે ૧પ લાખ લોકોને રોજગારી આપે છે, જેમાં ૪ લાખ મહિલાઓનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ર૦૧૧–૧રમાં થયેલા સરવે મુજબ દેશભરમાં કુલ ર૪ લાખ લૂમ્સ હોવાનો ડેટા તે સમયે ટેક્ષ્ટાઇલ કમિશ્નર કચેરીને મળ્યો હતો. જેમાં શટલલેસ લુમ્સ તથા અન્ય ટેક્ષ્ટાઇલ મશીનરીનો સમાવેશ થયો હતો. દેશમાં મુખ્યત્વે મુંબઇ, ઇચ્છલકરંજી અને ગુજરાતમાં ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી સૌથી વધુ ડેવલપ થઇ છે ત્યારે આગામી સમયમાં ટેક્ષ્ટાઇલ કમિશ્નર કચેરીના અધિકારીઓ દ્વારા આ રાજ્યોમાં સૌથી પહેલા સરવે કરવાને પ્રાથમિકતા આપવામાં આવશે તેવો અંદાજ છે.
• Share •