રાજકોટ-વર્તમાન ન્યૂઝ.કોમ
લોકસભા 2024ના પ્રથમ તબક્કાનું મતદાન ત્રણ દિવસ બાદ થવાનું છે અને ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી મે 2024ના રોજ મતદાન થશે. આવા સંજોગોમાં આજે મંગળવારના રોજ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા રૂપાલાએ રાજકોટમાં સંબોધન કર્યું હતું જેમાં તેમણે ક્ષત્રિયોને અપીલ કરી હતી. છેલ્લા કેટલાય દિવસોથી પરશોત્તમ રૂપાલા ચર્ચાના કેન્દ્રમાં છે તેનું એક કારણ તેમણે ક્ષત્રિય અંગે કરેલી એક ટિપ્પણી છે જો કે રૂપાલાએ બે વખત માફી માગી હતી તેમ છતાં પણ હજુ સુધી ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ પર અડગ છે. આ દરમિયાન આજે રાજકોટમાં રૂપાલા ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતા પેહલા રૂપાલાએ એક સંબોધન કર્યું હતું જેમાં તેમણે ક્ષત્રિયોને અપીલ કરતા કહ્યું હતું કે 'આજે જે ક્ષત્રિય આગેવાનોએ સમર્થન આપ્યું છે એ તમામનો આભાર, હું તમામ ક્ષત્રિયોને પણ નમ્રતા પૂર્વક વિનંતી કરું છું કે તમે પણ દેશના હિત માટે ભાજપ સાથે જોડાઓ.' રૂપાલા જ્યારે ઉમેદવારી પત્રક ભરવા માટે ગયા ત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા. આગામી એક બે દિવસમાં જ આ વિવાદનો અંત આવે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉમેદવાર બદલાવવાની ક્ષત્રિય સમાજની માંગણી ભાજપ દ્વારા સ્વિકારવામાં આવી નથી અને રૂપાલા જ રાજકોટમાંથી ચૂંટણી લડશે એ વાત હવે નિશ્ચિત થઇ ગઇ છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજ કેવુ વલણ અપનાવે છે અને ભાજપના કાર્યકરો દ્વારા આ વિરોધને ખાળીને કઇ રીતે વિજય મેળવવા માટે મહેનત કરવામાં આવે છે.
• Share •