Page Views: 8518

પટેલ સમાજના કિરણ વેકરીયાના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યુ

ડોનેટ લાઈફ સંસ્થાને જુદા જુદા અંગોના દાન થકી દેશ અને વિદેશના કુલ અગિયારસો વીસ થી વધુ વ્યક્તિઓને નવુંજીવન આપવામાં સફળતા મળી

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ 

મૂળ ગામ મોલડી, તા. સાવરકુંડલા, જી. અમરેલીના વતની, હાલમાં બિલ્ડીંગ નં. સી-૧૦, ફ્લેટ નં – ૫૦૪, ઓપેરા રોયલ રેસીડેન્સી, ખોલવડ રોડ, પાસોદરા પાટીયા પાસે, ખોલવડ, સુરત ખાતે રહેતા અને મકાન લે-વેચની દલાલી કરતા કિરણકુમાર તા. ૧૧ એપ્રિલના રોજ વરાછા, સીમાડા નાકા પાસે ખોડલ રેસ્ટોરન્ટમાં ટીફીન લેવા ગયા હતા. ટીફીન લઇને પોતાના ઘરે (પાસોદરા પાટિયા) જતા હતા ત્યારે લસકાણા રેલ્વે બ્રીજ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓ મોટરસાયકલ પરથી નીચે પડી જતા માથામાં ઈજાઓ થવાથી બેભાન થઈ ગયા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત તેમને કામરેજમાં આવેલ દીનબંધુ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પરિવારજનોએ તેમને સુરતની વિનસ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ. નિલય શાહની સારવાર હેઠળ દાખલ કર્યા. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. તા. ૧૪ એપ્રિલના રોજ ન્યુરોસર્જન ડૉ. નિલય શાહ, ઈન્ટેન્ટસીવીસ્ટ ડૉ. રોનક યાજ્ઞિક અને ડૉ. આકાશ બારડ, મેડીકલ ઓફિસર ડૉ. જીજ્ઞેશ ગેંગુડીયાએ કિરણકુમાર ને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. મેડીકલ એડમિનિસ્ટ્રેટર ડૉ. વિરેન પટેલે ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી કિરણકુમારના બ્રેઈનડેડ અને પરિવારજનોએ તેમના અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી છે તેમ જણાવ્યું હતું. 

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી કિરણકુમારના પિતા રમેશભાઈ, ભાઈ દિનેશભાઈ, કાકા નીતિનભાઈ અને જયેશભાઈ, મામા રસિકભાઈ અને હિતેશભાઈ તેમજ વેકરીયા પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. કિરણકુમારના ભાઈ દિનેશભાઈએ જણાવ્યું કે અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાન અંગેના સમાચારો વાંચતા હતા. અંગદાનનું કાર્ય એક ઈશ્વરીય કાર્ય છે, શરીર રાખ જ થઈ જવાનું છે, ત્યારે મારા ભાઈ ના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. કિરણકુમારના પરિવારમાં પિતા રમેશભાઈ ઉં.વ.૬૫, જેઓ નિવૃત જીવન જીવે છે, માતા લાભુબેન નવેમ્બર ૨૦૨૩માં મૃત્યુ પામેલ છે, ભાઈ દિનેશભાઈની વરાછામાં આઈસ્ક્રીમની દુકાન છે. બહેન ચંદ્રિકા ઉ.વ૪૨ અને આશા ઉ.વ ૪૦ જેઓ પરણિત છે.  પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા લિવર સુરતની કિરણ હોસ્પિટલને, બે કિડનીમાંથી એક કિડની અમદાવાદની સીમ્સ હોસ્પિટલ અને બીજી કિડની સ્ટર્લીંગ હોસ્પીટલને ફાળવવામાં આવી. લિવર નું દાન સુરતની કિરણ હોસ્પિટલના ડૉ. ધર્મેશ ધાનાણી, ડૉ. ગૌરવ ચૌબલ અને તેમની ટીમે, કિડનીનું દાન ડૉ. પ્રમોદ પટેલ, ડૉ. મુકેશ આહીર, ડૉ. કાર્તિક પટેલ અને તેમની ટીમે સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ. દિનેશ જોધાણીએ સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના રહેવાસી ૫૯ વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં ડૉ. ગૌરવ ચૌબલ,  ડૉ. ધર્મેશ ધાનાણી, ડૉ. આદિત્ય નાણાવટી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું, દાન માં મેળવવામાં આવેલી બે કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સીમ્સ હોસ્પિટલ અને સ્ટર્લીંગ હોસ્પીટલમાં બે જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે. 

માનવતાના આ મહાયજ્ઞમાં અમૂલ્ય અંગોનું દાન આપનાર પુણ્યનિષ્ઠ સ્વ. કિરણકુમાર રમેશભાઈ વેકરીયા ઉ.વ. ૪૬ના પરિવારની ડોનેટ લાઈફ ભાવ વંદના કરે છે. તેમના પરિવારજનોને તેમના આ સેવાકીય સંકલ્પ બદલ ઋણ સ્વીકાર કરીએ છીએ. અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં કિરણકુમારના પિતા રમેશભાઈ, ભાઈ દિનેશભાઈ, કાકા નીતિનભાઈ અને જયેશભાઈ, મામા રસિકભાઈ અને હિતેશભાઈ તેમજ વેકરીયા પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ. નિલય શાહ, ઈન્ટેન્ટસીવીસ્ટ ડૉ. રોનક યાજ્ઞિક અને ડૉ. આકાશ બારડ, મેડીકલ ઓફિસર ડૉ. જીજ્ઞેશ ગેંગુડીયા, ન્યુરોફીજીશિયન ડૉ. વિરલ બરફીવાલા, મેડીકલ એડમિનિસ્ટ્રેટર ડૉ. વિરેન પટેલ, RMO ડૉ. જયદીપ જયાણી, ડૉ.પાયલ પાટીલ, ડૉ. કાનન ઉપાધ્યાય, વિનસ હોસ્પિટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના ટ્રસ્ટી હેમંત દેસાઈ, યોગેશભાઈ ઢબુવાળા, પ્રોગ્રામીંગ ઓફિસર સુભાષ જોધાણી, નિહીર પ્રજાપતિ, વિશાલ ચૌહાણ, ભરત ત્રિવેદી નો સહકાર સાંપડ્યો હતો.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૨૨૪ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં ૪૯૮ કિડની, ૨૧૭ લિવર, ૫૧ હૃદય, ૪૮ ફેફસાં, ૮ પેન્ક્રીઆસ, ૪ હાથ, ૧ નાનું આતરડું અને ૩૯૭ ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ ૧૧૨૪ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

અંગદાન... જીવનદાન...ડોનેટ લાઈફની વધુ માહિતી મેળવવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો- https://www.donatelife.org.in/